નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરની સુવિધા હવે ચોવીસ કલાક ચાલુ રહેશે

અમદાવાદ,શુક્રવાર

નેશનલ ઇલેક્ટ્રોનિક  ફંડ  ટ્રાન્સફરની અત્યારે આઠ કલાક માટે મળતી સુવિધાને ચોવીસ કલાક ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. આગામી થોડા અઠવાડિયાઓમાં આ સેવા ચાલુ કરી દેવાનો રિઝર્વ બેન્ક તરફથી નિર્દેશ આપવામાં આવ્યો છે. અત્યારે માનવના માધ્યમથી એનઈએફટી થાય છે. હવે પછી ઓટોમેશનથી એનઈએફટી થશે. વૈશ્વિક સ્તરે જે એનઈએફટી સિસ્ટમ અમલમાં છે તે ભારતમાં દાખલ કરવામાં આવશે. અત્યારે એનઈએફટીના કામકાજો સવારે આઠ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી એટલે કે દસ કલાક માટે થાય છે. હવે પછીના મહિનાઓમાં આ વ્યવસ્થા ચોવીસ કલાક માટે ચાલુ કરવાનો નિર્દેશ રિઝર્વ બેન્કે આપ્યો છે.

રીઝર્વ બેન્ક નેટવર્કમાં કરશે સુધારો:

પેમેન્ટ કર્યાના અને સેટલમેન્ટ થયાના મેસેજ આપોઆપ જ બેન્કના એનઈએફટી કરનારા ખાતેદારોને મેસેજ મળી જશે. પેમેન્ટની જુદી જુદી સિસ્ટમો સાથે રહીને પણ આ એનઈએફટી કામ કરી શકશે. આ સિસ્ટમનું આસાનીથી મેનેજમેન્ટ કરી શકાય અને મોનિટરિંગ કરી શકાય તે માટે રિઝર્વ બેન્ક તેના નેટવર્કમાં પણ સુધારો કરશે.

મની ટ્રાન્સફર માટે એનઈએફટી વધુ લોકપ્રિય:

રિઝર્વ બેન્કના વાર્ષિક અહેવાલમાં આપવામાં આવેલા ડેટા મુજબ 2018-19ના નાણાંકીય વર્ષમાં દેશમાં 231.8 કરોડ એનઈએફટી કરવામા્ં આવ્યા હતા. આ એનઈએફટીના માધ્યમથી 227.93 લાખ કરોડ રૂપિયાની લેવડદેવડ થઈ હતી.આ સંજોગોમાં નાના લોકોમાં મની ટ્રાન્સફર માટે એનઈએફટી વધુ લોકપ્રિય હોવાનું જોવા મળે છે. તેમાં 40થી 50 મિનિટમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. બેન્કોમાં રોજના 30 મિનિટના અંતરે એનઈએફટીની 23 સાઈકલ થાય છે. આ સંજોગોમાં દેશભરની તમામ બેન્કોના એનઈએફટીના કામકાજને જોવામાં આવે તો રોજના અબજો રૂપિયાની હેરફેર એનઈએફટીના માધ્યમથી થાય છે. એનઈએફટીના પેમેન્ટના આંકડાની તુલના ડેબિટ કાર્ડથી કરવામાં આવતા પેમેન્ટ સાથે કરવામાં આવે તો 1078.12 કરોડ વહેવારો ડેબિટ કાર્ડથી થયા હતા. તેના થકી રૂા.14.09 લાખ કરોડના વહેવાર 2018-19ના વર્ષમાં થયા હતા. એક જ વર્ષ પહેલા એટલે કે 2017-18ની વાત કરવામાં આવે તો 820.7 કરોડના વહેવારો એક વર્ષમાં થયા હતા. જ્યારે ડેબિટ કાર્ડથી રૂા.441.4 કરોડના વહેવારો થયા હતા.

બીજા દિવસે જમા થતા નાણા  40થી 45 મિનિટમાં:

અમદાવાદની જિલ્લા સહકારી બેન્કમાં પણ રોજના ચારથી પાંચ હજાર એનઈએફટી થાય છે તે જોતાં દેશભરની બેન્કોના એનઈએફટીમાં કરોડો એનઈએફટી થાય છે. આ સંજોગોમાં સાંજે સાત વાગ્યા પછી થતાં એનઈએફટીના નાણાં જે બીજા દિવસે ખાતામાં જમા મળે છે તે હવે 40થી 45 મિનિટમાં ખાતામાં જમા આવી જાય તે દિવસો દૂર નથી. દિવસ દરમિયાન બેન્કિંગ અવર્સમાં એનઈએફટીમાં થતો ધસારો ઓછો થઈ શકે છે. તેમ જ વેપારીઓ વેપારના કલાકો પૂરા થયા પછી જે તે દિવસના એનઈએફટી દુકાનમાં બેઠાં બેઠાં કે બેન્કના જાણકારોને બોલાવીને એનઈએફટીના કામ પણ કરાવી લેશે. તેથી એનઈએફટીના જાણકાર બેન્કરોને નવી તક પણ ઉપલબ્ધ થશે.

 રોકડ વ્યવ્હારોમાં ઘટાડાનો હેતુ:

સરકાર ડિજિટાઈઝેશનના માધ્યમથી કરચોરી ઓછી કરવા પ્રયત્ન શીલ છે, ત્યારે પણ રોકડથી વહેવારો કરવાના ચાલુ રહેતા હોવાથી સરકારે એનઈએફટીની સેવા 24 બાય 7 ચાલુ કરવાનું આયોજન કર્યું છે. રોકડના વહેવારો કર્યા બાદ લોકો ડેબિટ કાર્ડથી વહેવારો કરવાનું પસંદ કરતાં હોવાનું રિઝર્વ બેન્કના ધ્યાનમાં આવ્યું છે. આમ રોકડના વહેવારો ઘટી જાય અને ઓનલાઈન એનઈએફટીથી પેમેન્ટ થાય તેવી વ્યવસ્થા લાવવા સરકાર કટિબદ્ધ છે.

ઓનલાઈન બેન્કિંગમાં લોકોને ફ્રોડનો ભય:

રિઝર્વ બેન્ક દ્વારાગુરૂવારે પ્રકાશિત કરવામાં આવેલા2018-19ની સાલના અહેવાલમાં આ હકીકતને ઉજાગર કરવામાં આવી છે. ઓનલાઈન પેમેન્ટ કરવામાં ફ્રોડ થતાં હોવાનું વધુ જોવા મળે છે. તેથી ઘણાં લોકોને તે જોખમી લાગે છે. તેથી જ ખાસ્સા લોકો ઓનલાઈન બેન્કિંગથી દૂર રહેવાનું પસંદ કરે છે. ડેબિટ કાર્ડનો ઉપયોગ કરનારાઓમાંથી 45 ટકા લોકો ક્યારેય તેમનો પાસવર્ડ બદલતા જ નથી. તેમ જ પિનમાં ચેન્જ કરતાં જ નથી. મોલમાં ખરીદી કરતી વખતે તેઓ તેમના પાસવર્ડ  ગુપ્ત રહે તેવી કાળજી પણ રાખતા નથી. પરિણામે ફ્રોડ થવાની શક્યતા ઊભી થાય છે. માત્ર છ  ટકા ડેબિટ કે ક્રેડિટ કાર્ડ વપરાશકારોને કોઈ કહે ત્યારે તેમના પાસવર્ડ બદલે છે. અન્યથા તેઓ પણ તેમના પાસવર્ડ  બદલતા નથી.