પંચાયતી રાજમાં મહિલા રાજકારણીઓ સામે ભેદભાવ, શિવાંગીએ શરૂં કરી લડાઈ

સરપંચ શિવાંગી, સંખેડા

સરપંચ શિવાંગી પટેલે લડત શરૂં કરી છે. ગુજરાતના પંચાયતી રાજમાં 50 ટકા મહિલાઓ માટે અનામત છે. પણ તેઓએ સત્તા મેળવાવ અને ટકાવી રાખવા માટે સંઘર્ષ કરવો પડે છે. તેનું ઉત્તમ ઉદાહરણ છોટાઉદેપુરનું સંખાડા ગામ છે. સંખેડા ગ્રામ પંચાયતના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા સરપંચ ચૂંટાયા બાદ પુરૃષ પ્રધાન સમાજથી તે સહન ન થયું અને ભાજપના કાર્યકરો દ્વારા પરેશાન કરીને સરપંચ શિવાંગી પટેલને પદ પરથી કોઈ કારણ વગર ઉથલાવી દઈને દૂર કરતાં તેઓ ગ્રામ પંચાયત કાર્યાલય સામે ઉપવાસ પર ઉતરી ગયા છે. મનસ્વી રીતે વહીવટ અને પંચાયતનું રેકર્ડ ઘરે લઇ જતા હોવા સહિત આક્ષેપ કરીને અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી મંજૂર કરાઈ હતી. તેઓ જાન્યુઆરી 2017માં સરપંચ બન્યા હતા અને તુરંત તેમની સામે અવિશ્વાસ રજુ કરી દેવાયો હતો. .9 મે 2018ના રોજ ગુજરાતની વડી અદાલતે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો હતો કે સરપંચ ચુંટાયાના એક વરસ સુધી અવિશ્વાસની દરખાસ્ત લાવી શકાય નહીં. આ ચુકાદા બાબતે સંખેડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અને અન્ય સભ્યોએ સુપ્રિમ કોર્ટમાં રીટ પીટીશન દાખલ કરેલી છે. આ ચૂકાદા બાદ સંખેડા ગ્રામ પંચાયતના બહુમતી સભ્યોએ બીજી વખત સંખેડા સરપંચ શિવાંગીબેન ચેતનકુમાર વિરુધ્ધ વિશ્વાસની દરખાસ્ત તલાટીને આપી છે. આમ એક સરપંચ માટે દેશની સર્વોચ્ચ અદાલત સુધી ખટલો ચાલી રહ્યો છે.

ગ્રામ પંચાયત કચેરી પાસે ઉપવાસ આંદોલન પર બેઠા છે. વિરોધી પેનલના 11 સભ્યોને પદ પરથી દૂર કરવા માટે તેઓ માંગણી કરી રહ્યા છે. અગાઉ થયેલા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા શિવાંગી મેદાનમાં ઉતર્યા છે. સરપંચે પોતાની સામે કાવતરૂ રચાયુ હોવાનુ જણાવી ડી. ડી. ઓ, ટી. ડી. ઓ. અને પંચાયત સભ્યોએ નાણાં લઇ પોતાને હટાવ્યા હોવાનો સનસનીખેજ આક્ષેપ કરી દેતા સમગ્ર સંખેડામાં ચકચાર મચી ગઇ છે.

ભાજપના કાર્યકરને ગામ લોકોએ માર માર્યો

છોટાઉદેપુર જિલ્લા પંચાયતના ભાજપના સભ્યને સંખેડા ગ્રામપંચાયત ખાતે મળેલી ગ્રામસભામાં ગ્રામજનોને ઝૂડી નાંખ્યો હતો. સંખેડા ગામની મહિલા સરંપચ શિવાંગીનીના વિકાસના કામમાં આડે આવીને ગામમાં રૂઆબ જમાવવાનો પ્રયાસ કરતો હતો. દોઢ કરોડની ગ્રાંટ વપરાયા વગર ગામમાં પડી રહી છે. જે કેમ પડી રહી છે તે ગ્રામ જનોને સાચી વિગતો આપવામાં આવી રહી હતી ત્યારે આ ભાજપના કાર્યકર દ્વારા તેમાં પણ રુઆબ છાંટવાનો પ્રયાસ કર્યો હતો. નિતિન કંચનલાલા શાહે ગામના એક યુવાન તથા સરપંચના સમર્થકને લાફો ઝીંકી દીધો હતો. તેથી ગામના લોકોએ ભેગા થઈને ભાજપના કાર્યકરને માર્યો હતો. અગાઉના તત્કાલીન સરપંચ દ્વારા કાનૂની ગૂંચ ઉભી કરીને નવા સરપંચની સહિ બેન્ક એકાઉન્ટમાં જ શરૂ કરવામાં આવી નહી હોવાની સ્પષ્ટતા કરી હતી. પણ પોતાની પત્ની હારી ગઈ હોવાથી ભાજપના નેતા નિતિન કંચનલાલા શાહે વિરોધ શરૂ કર્યો હતો. નિતિન ગ્રામપંચાયતનો વહીવટ ચલાવવા દેતો ન હોવાથી ગ્રામજનો ભાજપના આ આગેવાને મારતા મારતા ગામની વચ્ચે લઇ ગયા હતા.