પંદર સો કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં જીએસટી વિભાગે ગાળીયો કસ્યો

અમદાવાદ,તા.03   અમદાવાદમાં ગત જુલાઇ મહિનામાં સ્ટેજીએસટીના 282 કંપનીઓના 6 હજાર કરોડી વધુના કૌભાંડના પર્દાફાશ કર્યા બાદ હવે બોગસ બિલિંગનું હબ બની ગયેલા સુરતમાં કૌભાંડીઓ સામે હવે GST વિભાગે ગાળીયો કસ્યો છે.  લગભગ દોઢ હજાર કરતાં પણ વધુ કરોડ રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડમાં સુરત GST વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. જે અંતર્ગત  80થી વધુ શંકાસ્પદ પેઢીઓ અને વ્યક્તિઓને સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યાં છે, આ શખ્સોમાંથી મોટા ભાગનાએ બોગસ કંપનીઓ બનાવીને કરોડો રૂપિયાના ખોટા ટ્રાન્જેક્શન કર્યા હતા અને સરકારમાંથી ખોટી રીતે કરોડો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હતી, છેલ્લા કેટલાક સમયથી GST વિભાગના અધિકારીઓ દ્વારા 1500 કરોડ રૂપિયાના કૌભાંડમાં ગુપ્ત રાહે તપાસ થઇ રહી છે, જેમાં અનેક મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેમ છે.

સુરતના બોગસ બિલિંગના કૌભાંડમાં મોટા માથાઓ દ્વારા સામાન્ય લોકોના નામે કંપનીઓ બનાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે, આ કૌભાંડોમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓને કરોડો રૂપિયાની લાંચની ઓફર થઇ હતી, મામલો દબાવી દેવા માટે અને તપાસ ગેરમાર્ગે દોરીને મોટા માથાઓને બચાવી લેવા માટે લાંચ આપ્યાંની પણ ચર્ચા છે, આ માટે કૌભાંડીઓએ થોડા મહિનાઓ પહેલા અમદાવાદમાં આવીને અહીના એક ઉચ્ચ અધિકારી સાથે એક હોટલમાં બેઠક પણ કરી હતી, પરંતુ 1500 કરોડ રૂપિયાનું કૌભાંડ હોવાથી હવે રાજ્ય સરકારે પણ તેની તપાસ કરાવવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે, બીજી તરફ કેટલાક ભ્રષ્ટ બાબુઓની ગતિવિધીઓ પર રાજ્ય સરકાર નજર રાખી રહી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે, બોગસ કંપનીઓ બનાવીને સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાની આઇટીસી મેળવી લેનારા કૌભાંડીઓને લઇને હવે વિજય રૂપાણી સરકારે પણ કડક વલણ અપનાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તપાસ

બોગસ બિલિંગનો આંકડો કરોડો રૂપિયામાં હોવાથી હવે (ED) દ્વારા પણ સુરતના આ કૌભાંડની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે, માહિતી મળી છે કે (ED)એ કેટલાક લોકોની પૂછપરછ હાથ ધરી છે, જેમાં મોટા માથાઓએ બચવાના ચાન્સ હવે ઓછા દેખાઇ રહ્યાં છે.

દિવાળી પછી હવે અમદાવાદમાં તપાસનો ધમધમાટ શરૂ થશે

સુરત બાદ અમદાવાદમાં પણ બોગસ બિલિંગનું કૌભાંડ કરનારા કૌભાંડીઓ સામે તપાસનો ધમધમાટ શરૂ થશે, થોડા દિવસો પહેલા GST વિભાગ દ્વારા અમદાવાદમાં અનેક પેઢીઓ પર તપાસ કરાઇ હતી અને તેમની ઓફિસોમાંથી ડિઝિટલ દસ્તાવેજો અને ડોક્યુમેન્ટ જપ્ત કરાયા હતા, જેની તપાસ કરતા કરોડો રૂપિયાના બોગસ વ્યવહારો સામે આવ્યાં છે, એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે હવે દિવાળી પછી GST વિભાગના અધિકારીઓ દ્વારા મોટાપાયે કામગીરી શરૂ કરાશે, અગાઉ મહિના પહેલા જે વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં હતા, તેની તપાસમાં હિસાબો પરથી અન્ય બોગસ કંપનીઓ સાથેના વ્યવહાર મળી આવ્યાં છે, બોગસ બિલો ખરીદનારા કેટલાક શખ્સોના નામો પણ GST વિભાગે તૈયાર કર્યા છે, જેથી હવે આવી પેઢીઓ પર દરોડા કરાશે અને જેમના પર દરોડા કરાયા છે, તેમની પાસેથી કરોડો રૂપિયાનો બાકી ટેક્સ વસૂલવામાં આવશે, અને જો તેઓ સરકારી કામગીરીમાં કોઇ વિક્ષેપ કરશે અને વસૂલાતમાં સહયોગ નહીં આપે તો તેમની ધરપકડ સુધીના પગલા ભરવામાં આવશે.