કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અને પાર્ટીના નેતાઓમાં રહેલી તકરાર ખુલીને બહાર આવી છે. તેમ ભાજપના નેતાઓ અને મંત્રીઓમાં પણ કકળાટ સર્જાયો છે, પરંતુ આ કકળાટ ખુલીને બહાર આવતો નથી. એક તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યોને રાતોરાત મંત્રી બનાવી દેતા ભાજપના વરિષ્ઠ નેતાઓ અંદરખાને નારાજ છે, બીજી બાજુ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે ચાલતા કોલ્ડવોરના કારણે ભાજપના કેટલાક નેતાઓ, ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓના પણ કામોમાં મહોર લાગી નથી, આજ કારણે દેખાઈ આવે છે કે, કોંગ્રેસની જેમ ભાજપમાં પણ આંતરિક વિવાદ ધીમેધીમે બહાર આવી રહ્યો છે.
એક રીપોર્ટ અનુસાર લોકસભાની ચૂંટણીની આચારસંહિત પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ ધારાસભ્યોને તેમના બાકી રહેલા કામોની યાદી આપવાનું જણાવ્યું હતું. આ સમયે જાણવા મળ્યું હતું કે, બધા કરતા વધારે બાકી કામોની ફાઈલ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાસે છે. ફાઈલો પર નાયબ મુખ્ય મંત્રીએ સહી ન કરી હોવાના કારણે 300થી વધારે ડૉકટરો અને 600થી વધારે નર્સની બદલી અટકી પડી છે. આ ઉપરાંત આરોગ્યમંત્રી દ્વારા જે કામોની ભલામણ કરવામાં આવી હોય તેવા પણ કામોની નોંધ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીધી નથી. ભાજપના કેટલાક નેતાઓ, ધારાસભ્યો અને સાંસદોએ કરેલી ભલામણના કામોની મંજૂરી ન મળતા ભાજપના પણ કેટલાક નેતાઓ નારાજ છે.
આ વાતને લઇને ભાજપના નેતાઓમાં ચર્ચા થઈ રહી છે કે, આંતરિક જુથવાદના કારણે આરોગ્ય અને નાણા વિભાગના કામો નથી થતા. આ ઉપરાંત મુખ્યમંત્રીથી માંડીને સાંસદોની ભલામણ હોય તેવા કામો થતા નથી. લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પહેલા ભાજપના કેટલાક નેતાઓએ પોતાના બાકી રહેલા કામોની મંજૂરી માટે ઘણી દોડધામ કરી પણ તેમની બધી મહેનત આંતરિક જુથવાદના કારણે નિષ્ફળ નીવડી.