[:gj]શુ થઈ રહ્યું છે પ્રાથમિક શાળાઓમાં ? – ડો. મનીશ પટેલ[:]

[:gj]છે કોઈ માઈનો લાલ જે આ વાહિયાત સિસ્ટમને ચેલેન્જ કરી શકે? ક્યાં ગયા એ શિક્ષકો જે ખુમારીથી ભરેલા હતા.
જેનામાં સત્યની તાકાત હતી જે કલેકટરને પણ પરખાવી દેતા કે…
હું એક ગુરુ છું અને મારા વર્ગનો રાજા પબ હું જ છું.
મારા વર્ગના કયા બાળકને શું આપવું અને શુ જરૂરિયાત છે એ હું જ નક્કી કરીશ તમે નહિ…

શિક્ષકની શીખવવાની આઝાદી પર મોટી તરાપ મરાઈ રહી છે. વર્ગખંડમાં શિક્ષકે કયો વિષય કેવી રીતે શીખવવો એ એની વ્યક્તિગત આવડત અને પોતે કેળવેલી કોઠા સુજ પર આધારિત હોય છે.હા..એમા સુધારા સૂચવી શકાય પણ એ સુધારાઓનો અમલ ફરજીયાત પણે કરાવવો એ તો શિક્ષક જ નહીં પરંતુ બાળક ઉપર પણ ક્રૂરતા જ કહેવાય.

સરકારના એક સંશોધન મુજબ ગુજરાતી મૂળાક્ષરોને કઈક અલગ જ ક્રમમા શીખવવાની પ્રથા છેલ્લા લગભગ 7 વર્ષથી ચાલે છે. આજ સુધી આપણે ‘ક’, ‘ખ’, ‘ગ’ આ જ ક્રમમાં કક્કો શીખ્યા છીએ, પણ આ સંશોધન મુજબ લગભગ 7 વર્ષથી ‘ન’, ‘મ’, ‘ગ’, ‘જ’ આવી અલગ જ પ્રકારની પ્રણાલી ચાલી રહી છે. બાળક નાનું હોય ત્યારથી જ એ ઘરના માહોલમાંથી એક ચોક્કસ પ્રકારના કક્કાનો મહાવરો લઈને શાળામા દાખલ થાય અને શિક્ષક એ વર્ષો જૂની પ્રણાલીને નેવે મૂકીને સરકારી આદેશને માથે ચડાવી આવી અલગ જ પ્રકારની પ્રણાલીને અનુસરે. ત્યારે બાળક કેટલી હદે confuse થતું હશે એ તમે જ વિચારી જુઓ.

આ તો માત્ર એક ઉદાહરણ છે !

4 વર્ષ પહેલાં એક નવો ફતવો બહાર પાડવામાં આવ્યો. ‘દેશી હિસાબ’ જેવા અન-અધિકૃત સાહિત્યનો ઉપયોગ વર્ગ ખંડમા ન કરવો. આ ફતવો પણ એટલા માટે જ કે કોઈ શિક્ષક આ નવી ન, મ, ગ, જ, વાળી પ્રણાલીનો ઉપયોગ કરવા તૈયાર ન થાય અને દેશી હિસાબમાંથી શીખવી ન શકે.

જે દેશી હિસાબોમાંથી આપણા બાપ દાદાઓ પાયા, અડધા અને પોણા શીખીને ભણ્યા,એ દેશી હિસાબોની ચોપડીઓ વર્ગમાં જોઈએ જ નહીં. પાયા, અડધા અને પોણા શુ છે એ નવી પેઢીના અમુક શિક્ષકોને પણ ખબર નથી. આ પાયા, અડધા, પોણા દૂર થયા એના લીધે આજે અપૂર્ણાંક સંખ્યાઓ સમજાવવામાં શિક્ષકને અને વિદ્યાર્થીને ગળે ફીણ આવી જાય છે.

શિક્ષકને શુ ભણાવવું એ સરકાર નક્કી કરી શકે – અભ્યાસક્રમના સ્વરૂપમાં

નવા અભ્યાસક્રમ સાથે નવી પ્રણાલીઓ પણ વિકસાવી શકે.પણ આ પ્રણાલીઓ શિક્ષકો માથે થોપવામાં આવે એ ક્યાંનો ન્યાય.! હજારો વર્ષોથી કંઠય, તાલવ્ય, મૂર્ધન્ય, ઔષઠય, અને દંત્ય જેવી એક વૈજ્ઞાનિક પદ્ધતિથી
સંસ્કૃતમાંથી સીધી જ ગુજરાતીમાં આવેલી આ ભાષાની ઉચ્ચાર પ્રણાલીને આજના આ સંશોધકો અવૈજ્ઞાનિક કહે છે. આ પાછળનો કયો તર્ક છે એ આ જ સુધી સાબીત કરવામાં સરકારના કહેવાતા અધિકારીઓ નિષ્ફળ રહ્યા છે.

શુ ભણાવવું એ સરકાર નક્કી કરે, કેવી રીતે ભણાવવું એ સરકાર નક્કી કરે, લેશન શું આપવું એ પણ સરકાર જ નક્કી કરે, અને એ બધું કર્યા પછી જો પરિણામ સરકારની ફેવરમાં ન આવે તો નિષ્ફળતાનું ઠીકરું કોના માથે ફોડવુ? શિક્ષક માથે,અને એ પણ બિચારો બાપડો,તૈયાર જ હોય છે.માથું ધરીને. લ્યો ફોડો.

સરકાની કહેવાતી મોનીટરીંગ સિસ્ટમના માણસો શાળાની મુલાકાતો લે અને શિક્ષકોને સલાહ આપવાનું અને સરકારે જે સૂચનો કર્યા છે એ મુજબ જ કામ થાય છે કે કેમ એનું રિપોર્ટિંગ કરવાનું કામ કરે.સામાન્ય રીતે એવું બનવું જોઈએ કે શિક્ષકનું મૂલ્યાંકન કરનારનું જ્ઞાન શિક્ષક કરતા વધુ હોવું જોઈએ. આવું જરાય હોતું નથી.એને તો બસ કાગળિયાથી જ મતલબ હોય છે. કે સરકારની દરેક પ્રણાલી કાગળ પર સફળ થવી જ જોઈએ. જોકે એમાં બિચારા એનો પણ દોષ નથી. એ પણ ચિઠ્ઠીના ચાકર. આ ચિઠ્ઠીના ચાકરો પાછા પ્રાઈવેટ શાળાઓમાં જઈને આમાંનું એક પણ સૂચન ન કરી શકે. ત્યાં બધું જ ચાલે. ત્યાં દેશી હિસાબ પણ ચાલે અને પોતાની રીતે બનાવેલ પુસ્તકો પણ ચાલે.

કોઈ માઈનો લાલ પ્રાઇવેટ શાળામાં જઈને unqualified શિક્ષકને કહી ન શકે કે તારે આ રીતે ન ભણાવવું જોઈએ. ઓફિસમાંથી જ ટ્રસ્ટીઓ રવાના કરે. વળી સરકાર આ બાબતોનો લુલો બચાવ કરે કે “પ્રાઇવેટ શાળાઓ વિદ્યાર્થીઓને વાંચતા, લખતા, ગણતા શીખવે છે એ લોકોની શૈક્ષણિક ગુણવતા આપણા કરતા વધુ સારી છે”

શું શૈક્ષણિક ગુણવત્તામાં બાળકનો સર્વાંગી વિકાસનો સમાવેશ નથી થતો?

કેટલીક શાળાઓ તો 10*10 ની ઓરડીઓમાં ચાલે છે. ત્યાં ગુણવતા જળવાતી હશે? અને આવી પ્રાઇવેટ શાળામાં એડમિશન માટે સરકાર RTE અંતર્ગત 25% અનામત ફાળવે. એનો સીધો જ મતલબ એવો થયો કે સરકાર પાસે શાળાઓ ઉભી કરવા કે શાળાઓ ટકાવી રાખવા સક્ષમતા નથી. આવી 10*10 ના ઓરડાઓ વાળી શાળામાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એ માટે સરકાર RTEના નિયમ અનુસાર એક વિદ્યાર્થી દીઠ 10,000 રૂ. ફી અને 3000 રૂ સ્ટેશનરી ખર્ચ આપે.

શું આ શાળાઓ વિદ્યાર્થીઓને કબબડી કે ખો-ખો શીખવીને તેને જિલ્લા કક્ષાએ લાવી શકશે?

શું ગુણવતા યુક્ત શિક્ષણ એટલે માત્ર વાંચન, લેખન, ગણન?.. વિદ્યાર્થીની આંતરસૂઝ અને તેની આવડતની કોઈ જ કદર નહિ! એક પ્રાઇવેટ શાળામાં RTE અંતર્ગત એડમિશન મેળવનાર વિદ્યાર્થીને સ્ટેશનરી ખર્ચ 3000 રૂ.અને સરકારી શાળામાં ભણતા બાળકને શિષ્યવૃતિ માત્ર રૂ 500 જેમાં 300 રૂ યુનિફોર્મના. 200 રૂ શિષ્યવૃતિ. આ તે ક્યાંનો ન્યાય! જે બાળકોને ખરેખર સ્ટેશનરીની જરૂર છે એવા બાળકોને માત્ર રૂ 200 શિષ્યવૃતી.

કોઈ એક પ્રણાલી ઓછામાં ઓછી દસ વર્ષ ચાલે ત્યારે એના સારા પરિણામો મળે. મારી 8 વર્ષની નોકરીમાં 3 વાર અંગ્રેજીનું પાઠય પુસ્તક બદલવામાં આવ્યું. પ્રજ્ઞા અભિગમ હજુ અમુક શાળાઓ સુધી પહોંચ્યું ત્યાં તો બંધ પણ કરી દેવામાં આવ્યું.આજે પરિસ્થિતિ એ છે કે જે બાળક પ્રજ્ઞા અભિગમથી 4 વર્ષ ભણ્યું એ બાળક હવે સામાન્ય પુસ્તક લઈને ભણશે. શિક્ષક પણ confuse છે કે આમાં ભણાવવું કેમ અને હવે સરકાર દેકારો કરી રહી છે કે સરકારી શાળામાં વાંચન, લેખન, ગણનમાં બાળકો નબળા છે. દોષ કોનો?

શિક્ષકનો? હા શિક્ષકનો.

  • અમલ થાય ત્યાંરે જ ભવિષ્યનો વિચાર ન કરીને વિરોધ ન નોંધાવ્યો એ દોષ શિક્ષકનો.
  • જી હજુરી કરીને જેમ કહ્યું એમ કર્યા કર્યું એ દોષ શિક્ષકનો.
  • સરકારને સારા આંકડાઓ મોકલવાની લ્હાયમાં વિદ્યાર્થીહિત ભૂલી ગયા એ દોષ શિક્ષકનો.
  • એક વાર પણ શિક્ષક સંઘે કે શિક્ષકોમાંથી કોઈપણે, પ્રામાણિકતાથી કે હિંમતભેર આવી વાહિયાત પ્રણાલીનો વિરોધ ન કર્યો એ દોષ શિક્ષકનો.

વર્ગખંડમાં ક્યાં વિદ્યાર્થીને શુ પીરસવું, ક્યાં વિદ્યાર્થીની કઈ સામાજિક, માનસિક ક્ષમતા છે એનો ચિતાર શિક્ષકને હોય જ છે. પણ આજનો શિક્ષક આ બધી બાબતોની સાબીતીઓ ભેગી કરવામાં જ નવરો નથી થતો. અભ્યાસક્રમને યોગ્ય આયોજન સાથે ભણાવવાનો સમય જ ક્યાં રહેવા દીધો છે? ક્યાં આધારે તમે પરિણામ માંગો છો?

ઇચ્છીત પરિણામની લ્હાયમાં આજે શિક્ષક અને વિદ્યાર્થીઓ હોમાઈ રહ્યા છે.એક સાચા શિક્ષક જો તમે હો તો સરકારી તમામ ફતવાને એક બાજુ મૂકીને વિદ્યાર્થી હિત ધ્યાને લઈને ભણાવજો.
સરકાર સરકારનું કામ કરે. વિભાગ વિભાગનું કામ કરે.

મોનીટરીંગ વાળા આવશે અને જશે, મૂલ્યાંકન કરનાર કરશે અને ટીકાઓ પણ કરશે.
આ બધી જ બાબતોની વચ્ચે વિદ્યાર્થીહિતની બલી ન ચડે એ જોવાનું કામ એક શિક્ષકનું છે. અને આ વિદ્યાર્થીહિત જો લક્ષમાં હશે તો કોઈની તાકાત નથી કે તમને કંઈપણ કહે.
ઈશ્વર આપની રક્ષા કરશે.

એક શાળામાં આમ જ એક શિક્ષકે વિરોધ કર્યો.

તે શિક્ષકે હિંમત ભેર જિલ્લા કક્ષાના અધિકારીને ખખડાવી નાખ્યા. શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ગામડા ગામની શાળા હતી. ગામમા જાણ થતાં જ આખું ગામ ભેગું થયું ને એ અધિકારીની ગાડીને ઘેરાવ કર્યો. અને તાત્કાલિક ધોરણે એ આદેશ રદ કરવામાં આવ્યો. અધિકારીના અહમ આગળ શિક્ષકનું કર્મ અને કર્મઠતા જીત્યા. અપેક્ષા રહિત કર્મ કરે તેને જ કર્મયોગી કહેવાય. આવા કર્મયોગીને ઉની આંચ ન આવે.

છમ્મવડું :-
વિદ્યાર્થી : સાહેબ આજ રમવા કાઢોને મેદાનમાં.
શિક્ષક : તું પહેલા વાંચતા શીખ,પછી રમવા જજે…
” ભારતે એક ગોલ્ડ મેડલ ગુમાવ્યો”.

લખનાર.
ડો.મનીશ પટેલ.
( પી.એચ.ડી. ગુજરાતી ભાષા અને બાળ કેળવણી)
બી.એડ.એમ.એ. એમ.એડ.
મદદનીશ શિક્ષક, આદિવાસી શાળા. જિલ્લો. ડાંગ. ગુજરાત..[:]