રાજકોટ તા. ર ગુજરાત ઉર્જા વિકાસ લી. અને તેની સાતેય કંપનીઓમાં ફરજ બજાવતા પપ૦૦૦ થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે. સાતમાં વેતન પંચની અમલવારી પછી મળવાપાત્ર એચ.આર.એ. અને એલાઉન્સ એપ્રિલ-ર૦૧૬ થી ચુકવી આપવા ,તાત્કાલીક ભરતી કરવી, હાલની મેડીકલ સ્કીમ સુધારવી. હકક રજાના પૈસા રોકડમાં ચૂકવી આપવા, નોન ટેકનીકલ કેડરમાં સીધી ભરતી બંધ કરી ખાતાકીય કર્મચારીઓને પ્રમોશન આપવા. ટેકનીકલ કર્મચારીઓને જોખમી કામગીરીની સામે રિસ્ક એલાઉન્સ આપવું તે સહિત અનેક માગણીઓ પડતર પડી રહી છે.તેમ છતાં પણ સરકારના પેટનું પાણી હાલતું નથી. છેલ્લા ર વર્ષથી વધુ સમયથી કોઇ સકારાત્મક નિરાકરણ નહિ આવતા આખરે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઇબી એન્જીનીયર એસોસીએશન દ્વારા સંયુકત લડત કરવાની નોટીસ આપવામાં આવી હતી.તેમછતાં પણ સમયમર્યાદામાં સરકાર તરફથી કોઇ હિલચાલ ન થતાં આખરે આંદોલનના કાર્યક્રમ મુજબ સાતેય કંપનીઓની નિગમિત કચેરીઓ, સર્કલ ઓફીસ, ડીવીઝન ઓફીસ, તમામ પાવર સ્ટેશન અને જેટકોની કચેરી સામે સુત્રોચ્ચાર કરવામાં આવેલા હતા. જેમાં ખૂબ મોટી સંખ્યામાં કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા હતા. જો હજુપણ સરકાર નહીં જાગે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.