પથિક સોફ્ટવેરમાં ઓનલાઈન એન્ટ્રી કરાતી ન હોવાનું બહાર આવતાં પોલીસ ચોંકી ઉઠી

અમદાવાદ, તા.16

શહેરની હોટલ-ગેસ્ટહાઉસમાં રોકાતાં મુસાફરોની પથિક સોફ્ટવેરમાં ફરજિયાત ઓનલાઈન એન્ટ્રી કરવાનાં પોલીસનાં આદેશને હોટલ-ગેસ્ટહાઉસ સંચાલકો ઘોળીને પી ગયાં છે. તેમના દ્વારા આ સોફ્ટવેરમાં કોઈપણ પ્રકારની એન્ટ્રી કરાતી નથી જેનાં કારણે અગાઉ અનેકવાર પોલીસે આવા સંચાલકો સામે કાર્યવાહી કરી હોવા છતાં હોટલ-ગેસ્ટહાઉસ સંચાલકો પોલીસનાં આદેશની સતત અવગણના કરે છે. આ મામલે હાલમાં જ પોલીસે એક ડ્રાઈવ કરી હતી જેમાં શહેરની દસ જેટલી સી ગ્રેડની હોટલ-ગેસ્ટહાઉસમાં પોલીસ કમિશનરનાં જાહેરનામાનો ભંગ થયો હોવાની વિગતો બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ ડ્રાઈવ દરમિયાન પોલીસને કેટલાંક ગેસ્ટહાઉસમાંથી પથિક સોફ્ટવેરના ઉપયોગ માટે જરૂરી કમ્પ્યૂટર પણ ન હોવાનું જાણવા મળ્યું હતું.

આતંકી હુમલાના ભયને લઈને અપાયેલા એલર્ટ, ઉચ્ચ અધિકારીઓએ ગોઠવેલા વિશેષ ચેકિંગ સમયે તેમજ દારૂ-જુગારના કેસો શોધવા સિવાય પોલીસ ક્યારેય પણ હોટલ-ગેસ્ટહાઉસમાં ચેકિંગ કરતી નથી. શહેરની સી ગ્રેડ હોટલ અને ગેસ્ટહાઉસના દરવાજા પોલીસની મહેમાનગતિ માટે હંમેશા ખુલ્લા હોય છે અને આજ કારણ પોલીસને કાર્યવાહી કરતા રોકતું હોય છે. ગત રથયાત્રા ટાણે શહેરની 30 જેટલી હોટલ-ગેસ્ટહાઉસના સંચાલકો સામે પોલીસે પથિક સોફ્ટવેરને લઈને જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી. 15 ઓગસ્ટને લઈને શહેર પોલીસે કરેલા ફિઝિકલ ચેકિંગમાં કાલુપુર, નવરંગપુરા, ઓઢવ સીંગરવા, સોનીની ચાલી અને સીટીએમ વિસ્તારમાં આવેલા દસેક જેટલા ગેસ્ટહાઉસમાં નિયમભંગ જોવા મળતા તમામની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

સીંગરવામાં આવેલા સૂર્યવિલાસ ગેસ્ટહાઉસ અને ઓઢવ ફાયર સ્ટેશન પાસે આવેલા રાધે ગેસ્ટહાઉસમાં ઓનલાઈન એન્ટ્રી કરવાની વાત તો દૂર પરંતુ કોમ્પ્યુટર જ ન હતું. સોનીની ચાલી પાસે ગગન ગેસ્ટહાઉસમાં છેલ્લા એક મહિનાથી ઓનલાઈન એન્ટ્રી જ કરવામાં આવી ન હતી. કારણ કે, એક મહિનાથી ઈન્ટરનેટ કનેકશન જ બંધ હતું. સી.જી.રોડ સ્ટેડિયમ સર્કલ પર આવેલી હોટલ સનરાઈઝમાં ગત 27 જુલાઈ બાદ એકપણ એન્ટ્રી સોફ્ટવેરમાં કરાઈ નથી. નવરંગપુરા સ્વસ્તિક ચાર રસ્તા પર આવેલી હોટલ કેશવમાં ગત 12 ઓગસ્ટના રોજ ચાંદની અને મયુરના નામની છેલ્લી એન્ટ્રી છે અને તે પછી કોઈ એન્ટ્રી કરવામાં આવી નથી.

મુસાફર પાસેથી રૂપિયા વસૂલવા છતાં રજીસ્ટર નોંધ નહિ

એ.સી. રૂમ પેટે 1200 રૂપિયા વસૂલ્યા હોવા છતાં મુસાફરના રોકાણની કોઈ માહિતી રજિસ્ટરમાં નહિ નોંધનાર હોટલ મેનેજર અને માલિક સામે રામોલ પોલીસે ગુનો નોંધ્યો છે. ગત બુધવારે રાતે અઢી વાગે વસ્ત્રાલ સત્વ માંગલ્ય કોમ્પલેક્ષમાં આવેલી હોટલ રોયલ સિટીમાં તપાસ માટે ગઈ હતી. રૂમ નંબર 419માં રવિ દિવાકર (ઉ.22 રહે. જગન્નાથની ચાલી, અમરાઈવાડી) રૂપિયા ચૂકવીને એસી રૂમમાં રોકાયો હોત, પરંતુ રવિ દિવાકરના નામની એન્ટ્રી હોટલ રજિસ્ટરમાં તેમજ પથિક સોફ્ટવેરમાં કરાઈ ન હતી. જેથી મેનેજર ગૌરવ ડુંગરલાલ પાટીદારની પોલીસે ધરપકડ કરી હોટલ માલિક ગણપત દોલકજી પાટીદાર (રહે. હોટલ ગેલેક્ષી, નરોડા)ને વોન્ટેડ દર્શાવ્યો હતો.

પ્રવાસીઓની જાસૂસી માટે સોફ્ટવેર બનાવાયું છે

અમદાવાદ શહેરમાં આવતા-જતા શંકાસ્પદ લોકો પર નજર રાખવા માટે બે વર્ષ અગાઉ ક્રાઈમ બ્રાંચ દ્ધારા પથિક સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે. 550 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા શહેરની હોટલ-ગેસ્ટહાઉસમાં કોણ, ક્યારે અને કેટલા સમય માટે રોકાણ કર્યું તે જાણવા માટે પોલીસને ફિઝિકલ ચેકિંગ કરવું પડતું હતું. આથી માનવ શ્રમ અને સમયનો વ્યય અટકાવવા જુલાઈ-2017માં પ્રોગ્રામ ફોર એનાલિસિસ ઓફ ટ્રાવેલર એન્ડ હોટલ ઈર્ન્ફોમેટીકસ (પથિક) સોફટવેર બનાવવામાં આવ્યું. અમદાવાદ શહેરમાં આવેલી 560થી વધુ હોટલ-ગેસ્ટહાઉસમાં પથિકનો ઉપયોગ કરવા અને પ્રવાસીઓની ઓનલાઈન માહિતી પૂરી પાડવાનો આદેશ પોલીસ કમિશનરે કર્યો હતો. હોટલમાં આવતા મુસાફરનું નામ, સરનામું, મોબાઈલ ફોન નંબર, ઓળખપત્ર, રોકાણનો સમય અને હેતુ સહિતની તમામ વિગતો પથિક સોફટવેરમાં ઓનલાઈન ભરવાની હોય છે. મુસાફર ચેક-ઈન કરે ત્યારે અને ચેક-આઉટ કરે તે તમામ માહિતી તે જ સમયે ઓનલાઈન ભરવાની હોય છે. આ સોફ્ટવેરની મદદથી એક ક્લિક પર જ મુસાફરની માહિતી મળી જાય છે.