શહેરમાં પર્યાવરણનાં જતન માટે અને તેની સુરક્ષા માટે ઈલેક્ટ્રિક બસો દોડાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રીએ શહેરમાં ઈલેક્ટ્રિક બસોને ફ્લેગ ઓફ કરાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રથમ તબક્કામાં શહેરનાં માર્ગો પર 50 ઈલેક્ટ્રિક બસો દોડતી થઈ છે. આ બસોની ખાસિયત એ છે કે, ઇલેક્ટ્રિક બસો શાંત, મુલાયમ અને વાતાવરણને અનુકૂળ રહેશે.
અમપાને અભિનંદન આપ્યા
અમિત શાહે આ પ્રસંગે પોતાના સંબોધનમાં કહ્યું કે, સંપૂર્ણ ભારતીય ઇલેક્ટ્રિક બસ દોડતી કરવાનું કામ અમદાવાદ મહાનગરે કર્યું છે. જ્યારે ઇલેક્ટ્રીક બસ અને વાહનો હશે, ત્યારે બેટરી બદલવાની દુકાનો શરૂ કરવી પડશે. આમ, પર્યાવરણને મજબુત બનાવવાનું જે કામ અમદાવાદ મહાનગરપાલિકાએ કર્યું એના માટે એએમસીની ટીમ અભિનંદનને પાત્ર છે.
130 કરોડ લોકો સંકલ્પ કરે
અમિત શાહે કહ્યું કે, આપણા જીવનમાં ગાંધી વિચારો અને મૂલ્યો શાશ્વત છે. તે જમીન જોડાયેલી વાતો અને મુદ્દા છે. આપણી સંસ્કૃતિમાં જોડાયેલા છે. સ્વચ્છતા, ખાદી, સત્ય અહિંસા આજે પણ પ્રાસંગિક છે. તેમણે આપેલા એકએક સંદેશ આજે પણ પ્રાસંગિક છે. સંકલ્પ ભલે નાનો હોય, પણ જીવનમાં પરિવર્તન લાવનારો હોવો જોઈએ. કોઈ બહેન સંકલ્પ લે પ્લાસ્ટિકની થેલીમા શાક નહિ લાવું, તો એ પણ મોટો સંકલ્પ છે. જો ૧૩૦ કરોડ લોકો એક સંકલ્પ કરે તો દેશ ૧૩૦ કરોડ મીટર આગળ વધી શકશે. દેશના તમામ લોકો સંકલ્પ લે તો દેશ મજબૂતીની સાથે વિશ્વની સ્પર્ધામાં આગળ વધશે.
મિલિયન ટ્રીઝ વૃક્ષારોપણની પૂર્ણાહૂતિ
આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે વૃક્ષારોપણ કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અન્ય ઉપસ્થિત લોકોએ પણ વડના પ્લાન્ટનું વાવેતર કરી મિશન મિલિયન ટ્રીઝ અભિયાનની પૂર્ણાહુતી કરી હતી. અમિત શાહ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા, તો ભાજપના કાર્યકરોએ કાશ્મીરના નારા લગાવ્યા હતા.
અમદાવાદ ત્રણ કાર્યક્રમો એકસાથે આયોજિત કર્યાં છે. 10 લાખ 87 હજાર વૃક્ષો વાવી એક અભિયાનનું સમાપન થયું છે. અમદાવાદ જિલ્લામાં ૧૩૭૭૦૦૦ વૃક્ષો વાવવામાં આવ્યા. અમદાવાદ શહેર અને જિલ્લા મળી કુલ 24 લાખ 6૦ હજાર પ્લાન્ટ્સ રોપવામાં આવ્યા. ભગવાનની મહેરબાનીથી ગુજરાતમાં બારેમેઘ ખાંગા થયા અને રાજ્યના ડેમ ભરાયા છે.
ઈલેક્ટ્રિક બસની ખાસિયતો
ઈલેક્ટ્રિક બસોમાં સ્વેપ ટેકનોલોજીની પણ હશે, જેમાં ચાર્જિંગના બદલે બેટરી બદલાશે.
બસનું વજન ઓછું હોવાથી વધુ મુસાફરોને લઇ જઇ શકાશે.
બસની પ્રત્યેક બેટકી 600 કિલોગ્રામની હોય છે.
રાણીપ પાસે ફાસ્ટ ચાર્જિંગ અને સ્વેપ સ્ટેશનની સુવિધા છે.
બેટરી બદલવાની સુવિધા રોબોટિર અને સ્વચાલિત રહેશે.
એક સાથે 12 જેટલી બેટરીને ચાર્જ કરી શકાય છે.
સામાન્ય ઇલેક્ટ્રિક બસ 200 કિલોમીટર સુધી દોડી શકે છે.
સ્વેપ સુવિધાવાળી બસો ફક્ત 40 કિલોમીટર સુધી દોડી શકે છે.
અમદાવાદ શહેરના પ્રદૂષણમાં ઘટાડો કરવાનું આયોજન છે.
અમદાવાદમાં 18 બસ બેટરી સ્વેપિંગ અને 32 બસ ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીવાળી હશે.
આ બસની સૌથી મોટી વિશેષતા છે કે તેમાં એન્જિન નથી.
આ બસથી વાયુ કે ધ્વનિ પ્રદૂષણ થતું નથી.
આ બસ ઓટોમેટીક મોડ પર ચાલે છે, એટલે કે ગીયર બોક્ષ નથી.
બસો એકંદર ખર્ચ મોડેલ હેઠળ અશોક લેલેન્ડ પાસેથી લેવામાં આવી છે.
અશોક લેલેન્ડ બસોની માલિકી ધરાવે છે, તે બસોનું સંચાલન કરશે.
એએમસી અશોક લેલન્ડને પ્રતિ કિલોમીટરના દર ચૂકવશે.
કેન્દ્ર સરકાર તરફથી એએમસીને મળેલી આ બસની પહેલી બેચ છે.
બસની બીજી બેચ બે મહિનામાં આવે તેવી સંભાવના છે.
કેન્દ્રની યોજના હેઠળ ગુજરાતને 550 ઇલેક્ટ્રિક બસો મળી રહી છે.
દરેક ઇલેક્ટ્રિક બસ 50 મુસાફરો લઇ જઇ શકે છે.
ફાયર સામે રક્ષણ આપવા સ્વચાલિત ફાયર ડિટેક્શન અને સપ્રેસન સિસ્ટમ છે.
સ્વચાલિત ડોર સેન્સર હોવાથી દરવાજા ખુલ્લા હોય તો બસ શરૂ થઈ શકશે નહીં.