પાટણ શાકમાર્કેટમાં એજન્ટ પરવાના સિવાય કામ નહિ કરી શકે

પાટણ, તા.૧૧

પાટણ સરદાર પટેલ શાકમાર્કેટમાં 12 સપ્ટેમ્બરથી રૂ.100 ની ખરીદી પર બે રૂપિયા યુઝર ચાર્જભરવો પડશે. તેમજ હવે શાકમાર્કેટમાં શાકભાજીનો વ્યવસાય કરવા માટે કમિશન એજન્ટે માર્કેટ કમિટિ પાસેથી ફરજિયાત યુઝર પરવાનો લેવો પડશે.

શાકમાર્કેટમાં અત્યાર સુધી 50 કિલો શાકભાજીની ખરીદી પર માર્કેટ કમિટિ દ્વારા અઢી રૂપિયા યુઝર ચાર્જ વસુલવામાં આવતો હતો, પરંતુ હવે કમિશન એજન્ટે રૂ.100ની ખરીદી પર બે રૂપિયા યુઝર ચાર્જ આપવો પડશે. 12 સપ્ટેમ્બરથી શાકમાર્કેટમાં આ ચાર્જ લાગુ થશે. બે રૂપિયાનો ચાર્જ લાગુ કરવા માટે ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર નાયબ નિયામક દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત અત્યાર સુધી સરદાર પટેલ શાક માર્કેટમાં શાકભાજીનો વ્યવસાય કરવા માટે કોઈ પરવાનો ન હતો પરંતુ હવે કમીશન એજન્ટે માર્કેટ કમિટિ પાસેથી યુઝર પરવાનો લેવો ફરજીયાત કરવામાં આવ્યો છે અને તેના માટે રૂપિયા100 ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે, ત્યારે માર્કેટ કમિટિ પાસેથી20 વેપારીઓએ યુઝર પરવાના મેળવી લીધા છે, તેવું સૂત્રોએ જણાવ્યું હતું. નોંધનીય છે કે રૂ.100 ની ખરીદી પર બે રૂપિયા યુઝર ચાર્જ લગાવવા સામે અગાઉ વેપારીઓએ વિરોધ કર્યો હતો. બીજી બાજુ પાટણ સરદાર પટેલ શાકમાર્કેટમાં યુઝર ચાર્જની વાર્ષિક અંદાજે 12 લાખથી વધુની આવક છે પરંતુ શાકમાર્કેટમાં વિવિધ સુવિધાઓ પાછળ માર્કેટ કમિટિ વર્ષે અંદાજે સાત લાખથી વધુ નુકસાન કરે છે.