ગાંધીનગર, તા. 10
રાજ્યના પાટનગરમાં વરસાદના કારણે ઘણાં સેક્ટરોમાં માર્ગોની હાલત બિસ્માર બની ગઇ છે. રાજ્યનું પાટનગર હોવાના કારણે શહેરના રસ્તા બનાવવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવે છે. વરસાદના કારણે શહેરના સેક્ટરોના આંતરિક રસ્તાઓ તૂટી ગયા છે. ત્યારે ભાજપના પૂર્વ પ્રધાન આઈ. કે. જાડેજાની માફક ગાંધીનગરના મેયરે માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઈજનેર અને અધિક સચિવને પત્ર લખીને આ રસ્તાઓનું દિવાળી પહેલા રિસર્ફેસિંગ કરાવવાની માગણી કરી છે.
મેયરે લખ્યો પત્ર
રાજ્યમાં પડેલા વરસાદના પગલે ગાંધીનગરમાં પણ અમદાવાદની માફક સેક્ટરોના રસ્તાઓ તૂટી ગયા છે. ઘણાં વિસ્તારોમાં તો મોટા ખાડાં પડેલા રસ્તાઓ પણ છે તેના કારણે ગાંધીનગરવાસીઓને ઘણી તકલીફો ઉઠાવવી પડી રહી છે. આ સંજોગોમાં સ્થાનિકોની માગણીને ધ્યાનમાં રાખીને ગાંધીનગરના મેયર રીટા પટેલે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઈજનેર અને અધિક સચિવને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે, પાટનગર યોજનાના અલગ અલગ વિભાગો દ્વારા છેલ્લાં 3 વર્ષમાં ઘણાં સેક્ટરોના આંતરિક ડામર રસ્તાઓ તેમ જ મુખ્ય રસ્તાઓની રિસરફેસિંગની કામગીરી કરવામાં આવી છે. આ કામો માટે સરકાર ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા રૂ. 15 કરોડથી વધુ રકમનું નાણાંકીય અનુદાન આપવામાં આવેલું છે. આ વર્ષે ચોમાસા દરમિયાન ઘણાં રસ્તાઓની ડામરની સપાટીને આંતરિક રીતે નુકશાન થયું છે. ડિફેક્ટ લાયાબિલિટીની જોગવાઈ અનુસાર ડામર કામના રિસરફેસિંગ પૂર્ણ થયા પછી સપાટી 3 વર્ષ સુધી અકબંધ રાખવાની જોગવાઈ જે તે ઈજારાદારની રહે છે. પરંતુ ઈજારાદાર નુકશાન થયેલી ડામર સપાટીને સરખી કરવાની જવાબદારી નિભાવવામાં દુર્લક્ષ્ય દાખવતા હોય છે. ચોમાસાની મોસમ પૂરી થઈ છે ત્યારે હવે નુકશાન પામેલા રસ્તાઓની ડામરની સપાટી જે તે ઈજારાદાર પાસે દૂરસ્ત કરાવવા જરૂરી સૂચના આપી અને જે તે વિભાગ દ્વારા રસ્તાઓની દૂરસ્તી કરાવવાની પણ પત્રમાં માગણી કરવામાં આવી છે.
શું કહે છે રીટાબહેન?
ગાંધીનગરના મેયર રીટાબહેને લખેલા પત્ર અંગે જ્યારે જનસત્તાએ તેમનો સંપર્ક સાધ્યો ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે, શહેરના રસ્તાઓ બનાવવાની જવાબદારી માર્ગ મકાન વિભાગ ઉપરાંત જે તે વિભાગ અને ગાંધીનગર મહાનગરપાલિકાની હોય છે. અને જ્યારે શહેરના આંતરિક રસ્તાઓ બનાવવાનો ઈજારો જે તે ઈજારાદારને આપવામાં આવ્યો ત્યારે તેમાં જોગવાઈ હતી કે, ચોમાસા દરમિયાન જો રસ્તાને નુકશાન થાય તો તેની મરામ્મત જે તે ઈજારાદારે કરવાની રહેશે. વરસાદના કારણે શહેરના આંતરિક રસ્તાઓને ભારે નુકશાન થયું છે. આ અંગે અનેકવાર મહાનગરપાલિકાએ મૌખિક રીતે માર્ગ મકાન વિભાગને જાણ કરી હતી. પરંતુ કોઈ ઉકેલ ન આવતાં આ પત્ર લખ્યો છે. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, આ પત્ર બાદ માર્ગ મકાન વિભાગના જે તે અધિકારી સાથે વાતચીત થઈ છે. તેમણે ખાતરી ઉચ્ચારી છે કે, દિવાળી પહેલાં આંતરિક રસ્તાઓની મરામ્મત કરાવી દેવાશે. પણ જો આગામી થોડા દિવસોમાં વિભાગ દ્વારા કોઈ કામગીરી હાથ નહિ ધરાય તો મહાનગરપાલિકાના મેયર તરીકે મારી સત્તાની રૂએ હું આ કામ પૂર્ણ કરાવીશ.
ભાજપના પૂર્વપ્રધાને પણ કરી હતી અગાઉ ટ્વિટ
ભાજપના પૂર્વ પ્રધાન આઈ. કે. જાડેજાએ 12 સપ્ટેમ્બરે ટ્વિટ કરીને બોપલથી શાંતિપુરા ચોકડી સુધીના બિસ્માર રસ્તા મામલે સવાલ ઉઠાવ્યા હતા. અને ગણતરીના કલાકોમાં જ ઔડા દ્વારા આ માર્ગની મરામ્મત કરી દેવામાં આવી હતી. જાડેજાની આ ટ્વિટને લઈને સરકારની તેમ જ ઔડાની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા હતા. જોકે, હવે જ્યારે ગાંધીનગરના મેયર રીટા પટેલે સરકારને પત્ર પાઠવ્યો છે ત્યારે શું તેમના પત્રની સરકાર પર અસર થશે કે નહિ એ એક યક્ષ પ્રશ્ન છે.