પોલીસ અત્યાચારની ઘટનાઓ અનેક બની પણ મોટા ભાગની તપાસ થઈ નહીં
પોલીસ અત્યાચાર મામલે જસ્ટીસ કે. એ. પૂંજ કમિશનની મુદત સપ્ટેમ્બરનાં અંતમાં પૂર્ણ થશે, પણ અહેવાલના ઠેકાણા નહીં, સરકાર તરફે 111 સરકારી અધિકારીઓએ આ મામલે સોગંદનામા રજૂ કર્યા
અમિત શાહને પાડીદારો જવાબદાર માને છે
ગાંધીનગર : વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રમખાણોની તપાસ માટે રચાયેલા હાઈકોર્ટનાં નિવૃત્ત ન્યાયમૂર્તિ કે. એ. પૂંજની તપાસ પંચની કામગીરી આ મહિનાના અંતમાં પૂર્ણ થઈ રહી છે. અને પૂંજ કમિશન આગામી 30મી સપ્ટેમ્બર પછી રાજ્ય સરકારને આ મામલે પોતાનો અહેવાલ સુપરત કરશે. હાલમાં કમિશન સમક્ષ પાટીદારો પર થયેલા અત્યાચાર મામલે કુલ 31 જેટલી અરજીઓ આવી હતી અને તે સંદર્ભે તમામ પક્ષકારોની રજૂઆતો સાંભળવામાં આવી છે. અમિત શાહને પાડીદારો જવાબદાર માને છે. આ ઉપરાંત સરકાર તરફથી પણ 111 જેટલા અધિકારીઓએ પોતાના સોગંદનામા રજૂ કર્યા છે.
જસ્ટીસ કે. એ. પૂંજ તપાસ પંચની રચના રાજ્ય સરકારે ઓક્ટોબર 2017માં રચના કરી હતી. આ તપાસ પંચની રચનામાં સરકાર દ્વારા પાટીદાર આંદોલન સમયે પાટીદારો પર થયેલા અત્યાચાર મામલે તટસ્થ તપાસ કરવા માટે પંચની રચના કરવામાં આવી હતી. આ પંચને પોતાનો સંપૂર્ણ અહેવાલ રજૂ કરવા માટે એક વર્ષનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ આ સમયગાળા દરમિયાન પંચની કામગીરી પૂર્ણ ન થતાં તેની અવધિ વધારીને 30 સપ્ટેમ્બર 2019 સુધીની કરવામાં આવી છે. જસ્ટીસ કે. એ. પૂંજ તપાસ પંચ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે. તે અંગે જનસત્તાએ તપાસ પંચ સમક્ષ કેટલીક વિગતો માંગી હતી જે પંચ દ્વારા આપવામાં આવી છે જે અત્રે પ્રસ્તુત છે.
31 પીડિતોએ અરજી કરી, 111 અધિકારીઓએ સોગંદનામા કર્યા
કમિશન સમક્ષ આંદોલનમાં પોલીસ દ્વારા કરાયેલા હુમલાના 31 જેટલા પીડિતો દ્વારા અરજી કરવામાં આવી હતી. આ તમામ અરજદારોને પંચમાં બોલાવીને તેમની રજૂઆતો સાંભળવામાં આવી હતી અને સાથે સાથે તેમની અરજીમાં જે કોઈ અધિકારીઓનાં નામ હતા તેમને પણ બોલાવીને પૂછપરછ કરાઈ હતી. તેમ જ જે તે અધિકારીઓનાં સોગંદનામા પણ રજૂ કરાયા હતા. આ સુનાવણી દરમિયાન પંચે અરજદાર ઉપરાંત સરકાર પક્ષે પણ રજૂઆતો સાંભળી હતી. અંદાજે 111 જેટલા સરકારી અધિકારીઓ જેવા કે જિલ્લા કલેક્ટરો તેમ જ પોલીસ અધિક્ષકોએ પણ આ સુનાવણીમાં હાજર રહીને પોતાનાં જવાબ તેમ જ સોગંદનામા રજૂ કર્યા હતા.
પૂછપરછમાં બહાર આવેલા તથ્યો આપવાનો પંચે ઈનકાર કર્યો
જનસત્તા દ્વારા પંચને કમિશન દ્વારા પીડિતો અને સરકારી અધિકારીઓની જે પૂછપરછ કરી તેમાં કેટલાં તથ્યો સામે આવ્યા એવો સવાલ પૂછતાં પંચે આ સવાલના જવાબમાં જણાવ્યું કે, પંચ દ્વારા પીડિતો અને સરકારી અધિકારીઓને કરવામાં આવેલી પૂછપરછ બાબતે સામે આવેલા તથ્યો અંગે પંચ તેના અહેવાલમાં જ વિગતો આપી શકે તે પૂર્વે કોઈ વિગત પ્રસિદ્ધ કરવાની યોગ્ય લેખાય નહિ. અને પંચ તેના અહેવાલમાં સમગ્રપણે તારણ રજૂ કરે છે. આ ઉપરાંત અત્યાર સુધીની સુનાવણી દરમિયાન કોઈને દોષિત માનવામાં વ્યા હોવાનાં સવાલમાં પણ પંચે સ્પષ્ટ કહ્યું કે, પંચ તેના અહેવાલ સિવાય અન્ય રીતે કોઈ પણ બાબતે કોઈ વ્યક્તિને દોષિત છે કે નહિ તેવું જણાવી શકે નહિ.
અરજી ન કરી હોય અને બોલાવ્યા હોય
પાટીદારો પર થયેલા અત્યાચાર મામલે નિમાયેલા તપાસપંચ સમક્ષ અરજી ન કરી હોય અને પંચને લાગ્યું હોય એવા અત્યાચારનો ભોગ બનલાં લોકોને તપાસ માટે પંચે બોલાવ્યા હતા કે નહિ એવા સવાલના જવાબમાં પંચે જણાવ્યું કે, પંચ સમક્ષ અરજીઓમાં અરજદારે ઉલ્લેખ કરેલી વ્યક્તિઓ કે અધિકારીઓને પંચને બોલાવવાનું જરૂરી જણાયું હોય એવા કિસ્સામાં તેમને સમન્સ પાઠવીને રજૂઆત કરવા બોલાવવામાં આવ્યા હતા. આ અંગેનો ચોક્કસ આંકડો આપવાનો પંચે ઈનકાર કરી દીધો હતો.
કોઈ અરજી પડતર નથી
જસ્ટીસ કે. એ. પૂંજ સમક્ષ પીડિતોની કોઈ અરજી હાલમાં પડતર છે કે નહિ એવા સવાલના જવાબમાં પંચે સ્પષ્ટપણે કહ્યું કે, કમિશન પાસે અરજદારની કોઈ પણ અરજી પડતર ગણાય નહિ. કારણ કે, અરજદારોને સાંભળવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, કમિશનને સમગ્ર અહેવાલ તૈયાર કરવાનો હોય છે જેથી દરેક અરજીમાં કોઈ હુકમ કરવાનો થતો નથી કે કરવામાં આવતો નથી.
કમિશનની મુદતમાં સરકાર વધારો કરે છે
રાજ્ય સરકાર દ્વારા સામાન્ય રીતે વિવિધ તપાસપંચની મુદતમાં વધારો કરવામાં આવે છે. આવી જ રીતે પાટીદારો પર થયેલા અત્યાચારની તપાસ માટે નીમાયેલા તપાસ પંચની મુદત પણ વધારવામાં આવી છે. ઓક્ટોબર 2017માં રચાયેલા પંચની મુદત એક વર્ષ માટેની હતી જે વધારીને સપ્ટેમ્બર 2019 સુધીની કરવામાં આવી છે. અને આ મુદત વધારવા પાછળનું કારણ એક જ છે કે, નિયત કરેલી મુદતમાં કોઈ કારણસર અહેવાલ ન થઈ શકે તો સરકાર દ્વારા વખતોવખત મુદત લંબાવવામાં આવે છે.
હાલમાં તપાસની પ્રક્રિયા ચાલુ
જસ્ટીસ કે. એ. પૂંજ તપાસ પંચની તપાસની પ્રક્રિયા હાલમાં પણ ચાલુ જ છે અને દર અઠવાડિયે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવે છે. જેમાં પીડિતો તેમ જ તેમના પરિવારજનો ઉપરાંત જવાબદાર સરકારી અધિકારીઓ હાજર રહીને તપાસ પંચ સમક્ષ પોતાની રજૂઆતો કરે છે. હાલમાં આ તપાસ અંતિમ ચરણમાં હોવાનું કહેવાય છે.
કમિશન ઓફ ઈન્ક્વાયરી એક્ટ 1952 અન્વયે કાર્યવાહી
તપાસ પંચની કામગીરી 1952ના કમિશન ઓફ ઈન્ક્વાયરી એક્ટ પ્રમાણે થતુ હોવાનું પંચે જણાવ્યું છે. જેમાં તપાસ પંચ તેની કામગીરી નિયત કાયદાને આધિન રહીને પંચની કચેરીમાં કે બહારના સ્થળે તપાસ માટે જાય છે. આ અંગે અગાઉથી જ કમિશનનાં કાર્યાલયના નોટિસ બોર્ડ ઉપર તેની વિગતો દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત જ્યારે સુનાવણી ચાલે છે ત્યારે તે કાયદા પ્રમાણે દરેક માટે ઓપન હોય છે. પરંતુ જ્યાં જરૂર જણાય ત્યાં ઓન કેમેરા પણ તપાસ પંચ કામગીરી કરે છે. પંચ દ્વારા તપાસની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તેમાં કોઈ પણ પક્ષકારને પંચે જેનું નિવેદન રેકર્ડ કર્યું હોય તેને ક્રોસ એક્ઝામિન કરવાનો અધિકાર આપવામાં આવ્યો નથી. અને જો કોઈ કિસ્સામાં પંચ મંજૂરી આપે તો જ તે અરજદાર કે પક્ષકારની ઉલટ તપાસ કરી શકાય છે.
પોલીસ સામે ફરિયાદ ન કરવી પડે એટલે પંચની રચના કરાઈ
પાટીદારોનાં અનામત માટેના આંદોલન સમયે થયેલી હિંસા અને ત્યારબાદ પોલીસ દ્વારા પાટીદારો પર અત્યાચારની ઘટનાએ સમગ્ર દેશમાં પડઘો પાડ્યો હતો. વર્ષ 2015માં થયેલા અત્યાચાર મામલે પોલીસ વિરૂદ્ધ અનેક ફરિયાદો વિવિધ પોલીસ સ્ટેશન ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ વગેરેમાં થઈ હતી. અને પાટીદારો પરના અત્યાચાર કરવામાં પોલીસે કોઈ પાછી પાની પણ નહોતી કરી. ત્યારે પોલીસ સામે કાયદેસરની કાર્યવાહી ન કરવી પડે અને પોલીસની છાવરી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાચાર અંગેની તપાસ કરવા માટે હાઈકોર્ટનાં નિવૃત્ત જસ્ટીસ કે. એ. પૂંજનું તપાસ પંચની રચના કરવામાં આવી હતી.