પાન ખાવાના શોખિનોએ ગુજરાતમાં કાથાના વૃક્ષોના જંગલો સાફ કરવા મદદ કરી

રાજ્ય સરકારે તંબાકુ મિશ્રિત પાન મસાલાની વડીકી પર ફરી એક વખત પ્રતિબંધ લંબાવ્યો છે. પણ કાથો વાપરતા પાન અને પડીકી પર કોઈ પ્રતિબંધ ન હોવાથી કાથો જેમાંથી બને છે તે ખેરના જંગલો સાફ કરવામાં પાનના ગલ્લા અને પાન મસાલાની પડીકી બનાવતો ઉગ્યોગ જવાબદાર બન્યો છે.

પંચમહાલમાં જૂન 2016માં એક કરોડ રૂપિયાની કિંમતનો 10 ટ્રક ભરેલો ખેરના લાકડાનો જથ્થો સીલ કરી દેવાયો હતો. હાલ જંગલોમાં ખેરના વૃક્ષો જૂજ બચ્યા છે. ત્યારે પાનશોખીનોની સંખ્યા વધતી જાય છે. આથી કાથો, ગુટખા, પાનમસાલા બનાવટમાં ખૂબ ઉપયોગી હોવાથી જંગલોમાં ગેરકાયદે ખેરના વૃક્ષોનું નિકંદન કાઢી તેની તસ્કરી કરવામાં આવી રહી છે.  જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારથી કાથાના વૃક્ષોનું સદંતર નિકંદન નિકળી ગયું છે. આ અઠવાડીએ ફરી એક વખત જંગલો કાપીને ખેરના લાકડા ભરેલી ટ્રક પકડાઈ છે અને તેનું પગેરું દિલ્હી સુધી પહોંચ્યું છે. ગાંધીનગરના વન વિભાગના અધિકારીઓ દિલ્હીમાં તપાસ કરવા ઉત્સુક જણાઈ રહ્યાં છે.

પાનના શોખીનોના કારણે ગુજરાતના જંગલોનું નિકંદન

નંદુરબાર વન વિભાગાના અધિકારી માને છે કે, ગુજરાતના તાપી અને ડાંગ જિલ્લા જંગલમાંથી ખેર લાકડાની તસ્કરી કરીને મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર તાલુકાના વિસ્તારમાં જમા કરવામાં આવે છે. ત્યારબાદ દિલ્લી, રાજસ્થાન, હરિયાણા, મુંબઈ, ખેર લાકડાની તસ્કરી ચાલે છે. વલસાડ અને આસપાસના જંગલોમાં ખેરના વૃક્ષોનું રાજકીય નેતાઓ સાથે મળીને નિકંદન કાઢી નાંખવામાં આવ્યું છે. એક સમયે અહીં હજારો હેક્ટર જંગલો માત્ર ખેરના હતા. જે કિંમતી જંલગો પાન ખાનારા લોકોના કારણે સાફ થઈ ગયા છે. હવે અહીં ખેતરોમાં તેનું વાવેતર થાય છે. જે કંઈ થોડા ખેરના જંગલ બચ્યા છે તેમાં ડાંગમાં છે. એમ વલસાડના કોંગ્રેસના આગેવાન જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.

જંગલના અધિકારીઓ જવાબદાર

વલસાડ જિલ્લામાં વનવિભાગ દ્વારા 1 ફેબ્રુઆરી 2018થી ખેરના લાકડા કાપવા અને વેચાણ કરવા પર પ્રતિબંધ મુક્યો હતો. જે હટાવી લેવા માટે ખેડૂતોએ માંગણી કરી હતી. પ્રતિબંધ મૂકવાના કારણે ખેરની ખેતી કરતાં ખેડૂતોની સ્થિતી કપરી બની હતી. વનવિભાગ એવું માને છે કે, વનવિભાગ હસ્તકના ખેરને કાપી ખેડૂતોના વેચાણ માટે મંજૂર કરાયેલા ખેર સાથે ભેળવીને વેચી દેવામાં આવે છે. પણ જંગલ તો વન વિભાગના અધિકારીઓએ સાફ કરી નાંખ્યા છે. જેમાં ભાજપના 22 વર્ષના રાજમાં સૌથી વધું જંગલો સાફ થયા છે.

કેટલાં ખેડૂતો ખેરના વૃક્ષો વાવે છે

4 એપ્રિલ 2018માં વલસાડ જિલ્લાના ઉત્તર રેન્જમાં 1 ફેબ્રુઆરીએ સરકારના પ્રતિબંધ સમયે ખેરના લાકડાના વહન માટે 291 ખેડૂતોની અરજીઓ પડેલી હતી. જેમાં પ્રતિબંધને કારણે 108 જેટલા પરમિટ ધારકોનો અંદાજીત 820 ઘનમીટર જેટલો જથ્થો કપાયા બાદ જેમનો તેમ પડી રહ્યો હતો. દક્ષિણ રેન્જમાં 2017-18 દરમ્યાનના કુલ 134 તુમાર પૈકી 1314 ઝાડ હતા. જે પૈકી 48 તુમારોને ખેરના વાહતુક પાસ માટે મંજુરી અપાઇ હતી. જેમા હાલ 39 તુમારોના 1002 ઝાડ જેમનો અંદાજીત જથ્થો 380 ઘન મીટર ખેર પડી રહ્યાં હતા.

વલસાડમાં વર્ષે 20 હજાર ટન ખેરની નિકાસ

વલસાડ નવસારીમા વાર્ષિક અંદાજ મુજબ 1000 ટ્રક ખેરનો જથ્થો નિકાસ થાય છે. અંદાજીત દરેક ટ્ર્કમાં 20 ટન માલ ગણીએતો તો 20 હજાર ટન માલ થાય છે. મહિને 80 થી 85 ટ્રક માલ ખેરનો કાથા બનાવતી અને અન્ય ઉપયોગમાં લેતી ફેકટરીઓમાં સપ્લાઇ થાય છે. જેનો ભાવ ટન દીઠ રૂ.60 હજાર હોય છે. પરંતુ  પ્રતિબંધ મૂકાયો ત્યારે રૂ.45 હજાર આસપાસ થઈ ગયો હતો. તેથી ખેડૂતોને ભારે મોટું નુકસાન ભોગવવું પડ્યું હતું અને ગેરકાયદેસર ખેરની હેરફેર કરતી ટોળકીઓને કરોડોનો ફાયદો થયો હતો. પ્રતિબંધમાં ખેરના કાળાબજારીયાઓ અને ભાજપના નેતાઓનું ષડયંત્ર હોવાનું તેના પરથી સ્પષ્ટ થયું હતું. વલસાડ નજીક એક ખાનગી હોટલમાં ખેરના વેપારીઓ અને રાજકીય નેતાઓના મળતીયાઓની બેઠક થઇ હતી. ખેર પર લાગેલા પ્રતિબંધને હટાવી લેવા 4 કરોડ આસપાસની મોટી રકમની ડીલ પણ થઇ હોવાનું માનવામાં આવે છે. આ બેઠક પછી તુરંત બાન ઉઠાવી લેવાયો હતો.

ગેરકાયદે ધંધો

વલસાડ નવસારીમાં ગેરકાયદેસર ખેરનો મસમોટો કારોબારો ધમધમે છે અને આ કારોબારમાં અનેક વખત ખુદ વનવિભાગના કર્મચારીઓની જ સંડોવણી બહાર આવી હતી. પ્રતિબંધ મૂકીને ખેરમાં થતી ગેરકાયદેસર હેરફેર રોકવાનો જ હતો તો પછી કાયદેસરનો માલ પ્રતિબંધ કર્યા બાદ કાથો બનાવતી એક પણ ફેક્ટરી બંધ નથી થઇ. મતલબ કે કાયદેસરનો માલ બંધ છે પરંતુ ગેરકાયદેસર રીતે ખેરનો જથ્થો ગુજરાત બહાર કાથો બનાવતી કંપનીઓમા સપ્લાઇ થાય છે અને તે વનવિભાગની મદદથી થાય છે.

ધરમપુરથી પણ લાકડા પકડાયા હતા

12 સપ્ટેમ્બર 2018ના રોજ ધરમપુરના મરઘમાળ ગામમાંથી રૂ.4.50 લાખની કિંમતનો ખેર લાકડાનો જથ્થો પકડાયો તેની તપાસ દિલ્હીના ખેરમાફિયા સુધી પહોંચી છે. વન વિભાગના અધિકારીઓ દિલ્હી તપાસ માટે ગયા છે. આ અગાઉ પણ ચોરીના 547 લાકડા દિલ્હી પહોંચાડયા હોવાની વાપીના ટ્રક ડ્રાઈવર મહંમદ રહીમ શેખની કબુલાત બાદ ખેરનો ચોરીનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. જે દિલ્હી પહોંચાડવા માટે વાપીના ટ્રક માલિક સલમાન શેખે રૂા.70 હજાર આપ્યા હતા. જે ખારવેલના લાકડાના વેપારી નરેન ગમન પટેલે ભરાવ્યા હતા. વર્ષો બાદ વન વિભાગે માલ મંગાવનારા સુધી તપાસ લંબાવી છે. દિલ્હી, હરિયાણા અને દક્ષિણ ગુજરાતના ખેર માફિયાઓ વર્ષોથી ખેરના વૃક્ષો કાપીને જંગલો સાફ કરી નાંખ્યા બાદ હવે ડાંગ અને મહારાષ્ટ્રના જંગલો પર તેઓ કુહાડી હાંકી રહ્યાં છે. મહારાષ્ટ્રના જંગલોમાંથી ખેરના લાકડા કાપીને કપરાડા-વલસાડની પાર નદીના પ્રવાહમાં નાંખી દેવામાં આવે છે. અમદાવાદની એક કંપની એકી સાથે 50 હજાર કિલો ખેરનો ઓર્ડર લે છે.

ગોધરા પણ કેન્દ્ર બન્યું છે

સપ્ટેમ્બર 2017માં રાજપીપળાથી એક ટ્રકમાં બે ઘન મીટર 125 ખેરના લાકડા રૂ.72 હજારની કિંમતના પકડી પાકવામાં આવ્યા હતા. જેમાં ગોધરાનો આસીફ દોલતીનો ટ્રક પકડાયો હતો. 18 જૂલાઈ 2017માં ચીખલીથી ખેરના લાકડા ભરી ટ્રક ગોધરા જઈ રહી હતી જે હાલોલ પોલીસે પકડી હતી. ખેરના લાકડાનો જથ્થો અલ્તાફ અબ્દુલ સલામ ઉર્ફે દુલ્લીએ ગોધરા મંગાવ્યો હતો. 24 માર્ચ 2017માં નર્મદા જિલ્લામાં આવેલાં જંગલોમાંથી ખેરના રૂ.32 હજારની કિંમતના 70 મણ લાકડા કાપી જતાં ચોરોને આમલેથા વિસ્તારમાંથી સંખેડા તરફ લઇ જવાતાં ઝડપી પાડ્યા હતાં. બોડેલીના ટ્રક ડ્રાયવર મહેશ ચંદુ રાઠવા અને સંખેડાના ક્લીનર મુકેશ કનુ રાઠવાની ધરપકડ કરી હતી.

2013માં વાપીમાં ખેરના લાકડાં કાપી ચોરી કરાતી પકડાઈ હતી.

9 મે 2018માં નવાપુર તાલુકાના વાગદા ગામના એક ખેતરમાં ખેરના 25 ઘન મીટર લાકડાં પોલીસ અને વન વિભાગે પકડી પાડ્યા હતા. જેની કિંમત 25 લાખ આંકવામાં આવે છે. એક ઘન મીટરના એક લાખ રૂપિયા મળે છે. ચંદનનો એક કિલોનો ભાવ રૂ.10,000 છે. ગુજરાત મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રતિબંધિત કરાયેલા અને કિંમતી ખેરના લાકડાની પણ હેરાફેરી કરવામાં આવે છે.

ખેરમાંથી આથો

પાનમાં નાંખવા માટે આથો કાઢવામાં આવે છે. ખેરના થોડા ઘણા લીલા લાકડામાંથી જ ઉત્તમ પ્રકારનો કાથો તૈયાર થતો હોય છે. માટે સુકાયેલા લાકડામાં વજનનો માર તો પડ્યો છે. લાલ રંગ લાવવા અને તેની ખાસ સુગંધ લાવવા પાનમાં માત્ર ભારતમાં વપરાય છે. રસ્તા પર પાનની પીચકારી મારતાં પાન ખાતા લોકોએ ગુજરાતને તો ગંદુ કર્યું છે પણ જંગલો સાફ કરી નાંખવામાં મદદગાર બન્યા છે. ખાસ કરીને જ્યારથી પાન મસાલા અને તંબાકુ મિશ્રિત પાન પડીકી બજારમાં મળતી થઈ ત્યારથી કાથો આપતાં ખેરના જંગલ સાફ થઈ ગયા છે. હવે થોડા વૃક્ષો ડાંગ વિસ્તારના જંગલોમાં બચ્યા છે.

ગુજરાતના જંગલો

ગુજરાતનો વનવિસ્તાર 18,84,600 હેકટર છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતનો વનવિસ્તાર ઘણો ઓછો છે. ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાં રાજ્યનો આશરે 40 ટકા વનવિસ્તાર આવેલો છે. જ્યાં ખેરના વૃક્ષો થતાં હતા.

ભેજવાળા પાનખર જંગલો

125 સેમી કરતા વધુ વરસાદ વાળા પ્રદેશમાં આ જંગલો આવેલા છે. આ જંગલો માં સાગ, સાલ, વાંસ, સીસમ, હળદરવો, શીરસ, ટીમરુ, શીમળો, રાયણ, આમળા, બહેડા, મહુડો, ખાખરો, ભાંગરો, ધાવડો, ઘમન, કેલઈ, કાકડા, ખેર વગેરે વૃક્ષો થાય છે. જેમાં ડાંગ, નવસારી, તાપી અને વલસાડ જિલ્લો આવે છે.

15 મીટર – 50 ફૂટ – સુધી તેના વૃક્ષો ઊંચા થઈ શકે છે. એશિયા, ચીન, ભારતમાં જ થાય છે. તેના બીમાં પ્રોટીન ભરપૂર હોય છે.