પાલનપુરમાં પ્રેમિકા પૈસા લઇ ભાગી જતાં વિરહમાં પ્રેમી યુવકે ઝેર ઘોળ્યું

પાલનપુર, તા.૨૬

શહેરના ગઠામણ દરવાજા વિસ્તારમાં રહેતા એક યુવકે પ્રેમિકાના વિરહમાં ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. સુરતમાં દસ વર્ષથી લીવ ઇન રિલેશનમાં રહેતી યુવતી છોડીને ચાલી જતાં યુવકે અંતિમ પગલું ભર્યું હતું. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

પાલનપુર શહેરના ગઠામણ દરવાજા વિસ્તારમાં રહેતા અને ધંધાર્થે સુરત સ્થાયી થયેલા દિનેશભાઈ પ્રજાપતિને દસ વર્ષ અગાઉ એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. જેઓ સુરત ખાતે લીવ ઇન રિલેશનમાં રહેતા હતા. પરંતુ દસ વર્ષના સમય ગાળા દરમિયાન તેમને કોઈ સંતાન થયુ ન હતુ. જેથી નવરાત્રીના સમયે મહીલા ઘરેથી કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ હતી. જેની દિનેશભાઈએ શોધ ખોળ કરવા છતા કોઈ પત્તો લાગ્યો ન હતો.

આથી પ્રેમિકાના વિરહમાં પ્રેમી યુવકે પાલનપુર ખાતે ઝેરી દવા પી જીવન લીલા સંકેલી લેતા પરીવારમાં શોક છવાયો હતો. આ અંગે મૃતકના ભાઈ  સતિશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મારા ભાઈ સુરત ખાતે ચોકલેટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તે એક મહિલા સાથે લીવ ઇન રિલેશનમાં છેલ્લા દસ વર્ષથી રહેતા હતા, પરંતુ તેમને કોઈ સંતાન ન હતુ. જેથી તેમની સાથે રહેતી મહીલા ઘરે કોઈને કહ્યા વગર ઘરમાં પડેલા દાગીના તેમજ રોકડ રકમ તેમજ અગત્યના કાગળો લઈ ફરાર થઈ જતા મારા ભાઈ પાલનપુર આવી ગયા હતા. તેમને આના વિરહમાં ઝેરી દવા પી જીવન લીલા સંકેલી લીધી છે. આ અંગે પોલીસ ફરીયાદ નોધાવવાની તજવીજ હાથ ધરી છે.