મહેસાણા, તા.૦૭
મહેસાણા તાલુકાના પાલોદર ગામના ખેડૂતોની બાયપાસ માટે સંપાદિત જમીનનું રૂ.25 કરોડનું વળતર નહીં ચૂકવનાર માર્ગ મકાન વિભાગની કચેરી વિરુદ્ધ કોર્ટે કાઢેલું વોરંટ બજાવવા ગયેલા 12 ખેડૂતોના શાબ્દીક રોષ વચ્ચે મુખ્ય કાર્યપાલક ઇજનેરે વળતર ચૂકવવા એક મહિનાનો સમય માગ્યો હતો.
પાલોદર ગામની સીમમાંથી નીકળેલા બાયપાસ માટે 50 ખેડૂતોની વર્ષ 2010માં જમીન સંપાદિત કરી હતી. જેમાં ફતેપુરાના 12 ખેડૂતો પૈકી જેમની જમીન અંદર હતી તેમને સરકારે ચો.મી. દીઠ રૂ. 33 અને જેમની હાઇવે ટચ હતી તેમને રૂ.38 વળતર ચૂકવવા આદેશ થયો હતો. જેથી નારાજ ખેડૂતોએ વકીલ ડી.કે. પટેલ મારફતે મહેસાણા કોર્ટમાં એલએઆર દાખલ કરાવતાં કોર્ટે અંદર જમીન ધરાવતા ખેડૂતોને રૂ.2036.64 પૈસા અને રોડટચ જમીન ધરાવતા ખેડૂતોને રૂ.2325 ચૂકવવા આદેશ કર્યો હતો.
જોકે, વર્ષ 2018માં થયેલા આદેશ બાદ વળતરની રકમ ચૂકવવામાં ઠાગાઠૈયા કરતા માર્ગ અને મકાન વિભાગ વિરુદ્ધ ખેડૂતોએ જપ્તી વોરંટ કઢાવ્યું હતું અને બુધવારે બપોરે 12 વાગે વકીલ ડી.કે.પટેલ, વકીલ મેહુલ પટેલ ખેડૂતો સાથે કાર્યપાલક ઇજનેરની કચેરીમાં જપ્તી વોરંટની બજવણી અર્થે ગયા હતા. અહીં 20 મિનિટ સુધી ખેડૂતોના શાબ્દીક રોષને અંતે અધિકારીએ એક મહિના બાદ વળતર ચૂકવવા આશ્વાસન આપતાં મામલો શાંત પડ્યો હતો.
ગુજરાતી
English


