પુરાવશેષીય માહિતીને આધારે જાણવા મળે છે કે પ૦૦૦ વર્ષ પહેલાં ગુજરાતમાં માનવ-વસ્તી હતી; પાષાણયુગીન માનવ પણ મિશ્ર જાતિતત્ત્વ ધરાવતો હતો. તામ્રકાંસ્યયુગનો લોથલની સિંધુસંસ્કૃતિનો માનવ તો એનાથીયે વધુ પ્રમાણમાં જાતિતત્ત્વોનું સંમિશ્રણ રજૂ કરે છે. આ અતિ પ્રાચીન સમયથી પચરંગીપણું એ ગુજરાતનું વસ્તીલક્ષણ જણાય છે. વળી ગુજરાતનો પ્રથમ માનવ વિદેશથી (પૂર્વ આફ્રિકાથી) અહીં આવીને વસ્યો છે એમ અનુમાન કરવામાં આવ્યું છે એ જોતાં ગુજરાત એ શરૂથી જ પરદેશીઓએ વળવાટ કરીને વિકસાવેલો પ્રદેશ છે એમ જણાય છે. છેલ્લાં ર૦૦૦ વર્ષથી તો વિવિધ જાતિઓનું ગુજરાતમાં આગમન થતું રહ્યંુ છે, એના કડિબંધ ઐતિહાસિક પુરાવા મળતા રહ્યા જ છે.
આર્યોના સંભવિત મનાયેલા આગમન સાથે હિંદમાં માનવવંશની મુખ્ય બધી જ જાતિઓ – racesનું સંમિશ્રણ અસ્તિત્વમાં આવે છે. ડૉ. સુનીતિકુમાર ચેટરજીએ આ જાતિઓ પ્રાચીન સમયમાં જે નામોથી ઓળખાતી હશે એ નામો રજૂ કર્યળ્ છે. પાષાણયુગમાં પૂર્વ આફ્રિકાથી આવેલી નિગ્રિટો જાતિનો પાછળથી આવેલી જાતિઓએ યા તો નાશ કર્યો હોવો જોઇયે અથવા તો નિગ્રિટો જાતિ સંપૂર્ણપણે એમનાથી ભળી ગઈ હોવી જોઇયે. આ જાતિનું નામ બચેેલંંું જણાયું નથી. સિંધુસંસ્કૃતિમાં જણાતી આદ્ય ઑસ્ટ્રોલૉઇડ જાતિ એ અતિ પ્રાચીન સમયમાં નિષાદ, નાગ, ને ઈસ્વીસનના આરંભના સમયમાં કોલ, ભિલ્લા એવાં નામોએ ઓળખાતી હશે. આંસ્ટ્રિક જૂથની ભાષા બોલનારી આ જાતિનાં જાતિતત્ત્વ નીચલા વર્ગોને જ્ઞાતિઓમાં વધુ પ્રમાણમાં પ્રસરેલાં જણાય છે. મૉન્ગેલૉઇડ જાતિ ‘કિરાત’ નામે ઓળખાતી. મોહેં-જો-દડો અને હડપ્પામાં એના અવશેષ દેખાય છે, લોથલાં જણાયા નથી. ભૂમધ્ય સમુદ્રીય જાતિ અને એની સાથે આવેલી આર્મેનૉઇડ જાતિ એ દ્રવિડભાષી પ્રજા હતી ને દ્રવિડ, દસ્યુ ને શૂદ્ર નામોએ ઓળખાતી. આર્યોના શક્ય મનાતા આગમન સાથે નૉડિક અને આલ્પાઇન જાતિતત્ત્વ ઉમેરાય છે. આમ વૈદિક કાલ દરમ્યાન જગતની બધી જ મુખ્ય જાતિઓના જાતિસંમિશ્રણથી ભારતવર્ષનો માનવ ઉદ્દભવ્યો ને અનેક વિભિન્નતામાંથી ઉદ્ભવેલી અને વિરોધોમાંથી સંવાદ જન્માવનારી એવી ભારતીય સંસ્કૃતિ પણ નિર્માણ પામી.