ગાંધીનગર, તા.૧૭
પાછોતરા વરસાદને લઈ ગુજરાતનો દુખી છે ત્યારે બીજીબાજુ સમગ્ર રાજ્યમાં વીજળી પૂરી પડવાની બાબતને લઈ ચાલતા ધાંધિયાથી લોકો દુખી છે. જેને લઈ ખેડૂતોએ કિસાન કોંગ્રેસની આગેવાનીમાં વીજ કંપનીનો ઘેરાવ કરી, બલ્બ, ટ્યુબ લાઈટ, મોટર પમ્પ, પંખામાં જમા કરાવવાનો અનોખો અને નવતર વિરોધ નોંધાવી ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા તપાસ સમિતિ નીમી તપાસ કરવા અને તાત્કાલિક ખેડૂતોને નિયમોનુસાર વીજળી પુરી પાડવા માંગ કરી હતી. કિસાન કોંગ્રેસે ડેન્ગ્યુના રોગચાળાના ફેલાવામાં મચ્છર કરતા વધારે ફાળો હોવાની વાત કરતા કહ્યું હતું કે, વિજળી ન હોય એટલે લોકોએ બહાર સૂવું પડે છે અને જેના કારણે મચ્છરજન્ય રોગોનો લોકો ભોગ બની રહ્યા છે.
ખેડૂતોની દયનીય સ્થિતિ:
કિસાન કોંગ્રેસ પોતાના આવેદનમાં ગોકળગાય ગતિએ થતા કામો સામે નાગરિક અધિકારિતા પત્રને આગળ કરતા કહ્યું હતું કે, સતત અને નિયમિત વીજળી પુરી પાડવી એ રાજ્ય સરકારની ફરજ છે. રાજ્ય સરકારે વહીવટી સરળતા ખાતર બોર્ડમાંથી અલગ અલગ કંપનીઓ બનાવી છે. કંપની બનાવવાથી સરકારની નાગરિક પ્રત્યેની ફરજ પુરી થઈ જતી નથી કે એ કંપની અને ગ્રાહકમાં તબદીલ થઈ જતું નથી. કંપનીઓ અમલમાં આવ્યા પછી પણ સરકાર નાગરિકોને વીજળી પુરી પાડવા એટલી જ બંધાયેલી છે જેટલી પહેલા હતી. કંપનીઓ અમલમાં આવતા નાગરિકોની હાડમારી ઓછી થવાને બદલે દિન પ્રતિદિન વધતી જાય છે, એમાં પણ ખાસ કરીને ગામડાના લોકોની અને ખેડૂતોની હાડમારીનો કોઈ પાર નથી. ખેડૂત લાઈટ આવે મોટર (પમ્પ)નું સ્ટાર્ટર ઓન કરી પાણીના નાકે પહોંચે એ પહેલાં વીજળી ગુલ થઈ ગઈ હોય છે. ગામડાઓમાં જ્યોતિગ્રામ યોજના અંતર્ગત 24 કલાકના ગાણા ગાઈ ગાઈને થાકી ગયા અંતે વખાણેલી ખીચડી દાઢે જ ચોટીનો અહેસાસ રોજે રોજે વીજ કંપની કરાવે છે. ગામડાઓમાં આવી ગરમીમાં લોકોએ મજબૂરીથી બહાર સૂવું પડે છે જેના કારણે મચ્છરો કરડવાના કારણે મચ્છરજન્ય રોગોનો લોકો ભોગ બની રહ્યા છે. અત્યારે ડેન્ગ્યુના રોગ ફેલાવામાં મચ્છર કરતા પણ વધારે ફાળો વીજકંપનીનો હોય તેવું લાગી રહ્યું છે.
પીજીવીસીએલ માટે કેમ કોઈ નિયમ નહી?
અભણ ખેડૂતો સામે નિયમોનો પલીતો પિંજતી કંપની પોતે હજારો ક્રોસિંગ આપી ઇલેક્ટ્રીકસીટી એકટનો સરેઆમ ભંગ કરી રહી છે, ત્યારે પીજીવીસીએલ માટે કોઈ નિયમ લાગુ કેમ નથી પડતો? ઇ.સ.1995ની સાલમાં જેટલો સ્ટાફ હતો તેનો અર્ધો સ્ટાફ પણ આજે નથી. 1995ની સરખામણીએ ટ્રાન્સફોર્મરની સંખ્યા, વિજળીની લાઈનોની લંબાઈ, સબસ્ટેશનની સંખ્યા, થાંભલાઓની સંખ્યા, વીજળી વાપરનારની સંખ્યામાં 20 થી 50 ગણો વધારો થયો છે, તેમ છતાં સ્ટાફ અડ્ધો થયો છે તો સ્વાભાવિક રીતે એક સાંધે ત્યાં તેર તૂટવા જેવી સ્થિતિ થાય જ થાય.
50 થી 250 કારનો કાફલો અને સાથે 500 કર્મચારી-અધિકારી લઈ ખેડૂતોને દંડવા દોડતા પીજીવીસીએલના પાસે દંડ કરવા 250 કાર હોય છે પણ ફોલ્ટ થાય ત્યારે રીપેર કરવા એક મોટર સાઇકલ કે એક લાઈનમેન-હેલ્પર પણ હોતા નથી.
ખેડૂતો પાછલા બારણે હિસાબ પતાવવા મજબુર
ભ્રષ્ટાચારના ભોરિંગથી ભરડાયેલી પીજીવીસીએલના કર્મચારીઓ અધિકારીઓ દ્વારા ખેડૂતનું નિયમોનુસાર સમયસર કામ પૂરું કરવાને બદલે જાણી જોઈને વિલંબ કરવામાં આવે છે. ખેડૂતોને હેરાન કરવામાં આવે છે જેથી ખેડૂતો મજબુર થઈને પાછલા બારણે હિસાબ પતાવટ કરવા આવે તેવી પધ્ધતિ અપનાવવામાં આવે છે અને અધિકારીઓ જોયા કરવા સિવાય બીજું કાંઈ કરતા નથી.
જ્યારે જ્યારે નવી લાઈનો ઉભી કરવામાં આવી ત્યારે અને થાંભલે થાંભલે ઇલેક્ટ્રિકસીટી એકટનો ભંગ કર્યો છે. ક્રોસિંગ કરવામાં, અર્થીગ આપવામા, થાંભલાઓને ઉભો કરવામા તમામ નિયમો ભંગ કર્યાં છે, આપના દ્વારા આચરવામાં આવતા આ ભ્રષ્ટાચારને કારણે આજે ખેડૂતોને રોજ 10 કલાક વીજળી આપવાનું તો દૂર રહ્યું અઠવાડિયામાં 10 કલાક પણ વીજળી મળતી નથી. 30 – 30 વર્ષથી જે લાઈનો ઉભી છે તેનું સમારકામ કાગળ પર કેટલીયે વાર થઈ ગયું છે.
દ્વારકા-ખંભાળિયા ડીવીઝનમાં કાર્ય વહેંચણીનો અભાવ
દ્વારકા-ખંભાળિયા બન્ને ડિવિઝન તેમજ બન્નેની સતા વિસ્તારોમાં આવતા સબ ડિવિઝનની હદ દિશા અને કાર્ય વહેંચણીનો તાલમેલનો અભાવ છે. જેનો ભોગ ખેડૂતો બન્ને છે. એક ડિવિઝનથી બીજા ડિવિઝન વચ્ચે ખેડૂત પીસાઈ રહ્યો છે. ખેડૂતોના ખેતરમાં જર્જરીત વીજ લાઇન, થાંભલા પડી જવા, વાંકાં વળી જવા, તાર તૂટવાના ભય વગેરે હજારો અરજીઓ પર કરવા છતાં પેટનું પાણી પણ હાલતું નથી જેના કારણે ઘણા અકસ્માતો થયા અને ખેડૂતોને જાન માલનું નુકશાન થયું છે.
શું છે ખેડૂતવર્ગની માંગણી?
ખેડૂતવર્ગ દ્વારા માંગણી કરવામાં આવી છે કે જિલ્લામાં દરેક ફીડરની લાઈનોમાં જેટલા ફીડર છે તે દરેક ફીડર મુજબ ઓછામાં ઓછી ફોલ્ટ રીપેર માટે એક એક ટીમ આપવામાં આવે, ગામે ગામ એક એક હેલ્પર નિયુક્ત કરવામાં આવે, જ્યાં જ્યાં લાઇન એક બીજાને ક્રોસ કરે છે તે ક્રોસિંગ નિયમ વિરુદ્ધ હોય તેને હટાવવામાં આવે, જે જે ફીડર ઓવરલોડમાં રહે છે તેવા દરેક ફીડરમાં લોડ સમતલ કરવામાં આવે, છેલ્લા 10 વર્ષમાં નાગરિકને વીજળી પુરી પાડવા સબ સ્ટેશનથી નાગરિકના ઘર કે ખેતર સુધી જેટલી લાઈનો ઉભી કરવામાં આવી છે, તે દરેક લાઇનના ઉભા કરેલા દરેક થાંભલામાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચારની તપાસ માટે સમિતિ બનાવી કસૂરવાર સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે
ગુજરાતી
English


