પીસીબીએ બોડકદેવમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડયા

અમદાવાદ, તા.9.
શહેરના બોડકદેવ વિસ્તારમાં ફાયર સ્ટેશનની સામે આવેલી ઇન્દ્રપ્રસ્થ-7 નામની બિલ્ડીંગમાં ચાલતા જુગારધામ પર પીસીબીએ દરોડો પાડીને જુગારધામના સંચાલક સહિત નવ વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસે આ સાથે રૂ. 1.09 લાખની રોકડ રકમ સાથે કુલ રૂ. 24.09 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ પોલીસની પીસીબીની ટીમને બાતમી મળી હતી કે, શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલ ફાયર સ્ટેશન સામે આવેલ ઇન્દ્રપ્રસ્થ-7 નામની બિલ્ડીંગમાં અંકિત સુરેશ પટેલ નામનો શખ્સ જુગારધામ ચલાવે છે. જે અંગે પીસીબીની ટીમે આજે બોડકદેવ વિસ્તારમાં ફાયર સ્ટેશનની સામે આવેલ ઇન્દ્રપ્રસ્થ-7ના મકાન નંબર ઇ-407માં દરોડો પાડ્યો હતો. જેમાં પીસીબીએ અંકિત સુરેશ પટેલ (ઉ.31) તેમજ અન્ય આઠ ઇસમો મળીને નવ ઈસમોને જુગાર રમતા ઝડપી લીધા હતા. પીસીબીની ટીમે આ દરોડામાં અંગ ઝડતી અને દાવના રોકડા રૂ. 1,09,460/ તેમજ 12 મોબાઈલ ફોન કિં. રૂ. 1.50 લાખ અને ચાર વાહનો કિં. રૂ. 21,50,000 મળીને કુલ રૂ. 24,09,460/નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે આ તમામ સામે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.