ગાંધીનગર, તા.24
ગુજરાતમાં પેટાચૂંટણીના આવેલા પરિણામોએ ભાજપને આંચકો જ નથી આપ્યો પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીની કેબિનેટના વિસ્તરણની અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ભાજપે આપેલા વાયદા પ્રમાણે કોંગ્રેસના બળવાખોર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને કેબિનેટમાં સમાવવાના થતાં હતા પરંતુ હવે બન્ને બળવાખોરો હારી ગયા હોવાથી રૂપાણી તેમની કેબિનેટનું વિસ્તરણ કરે તેવી સંભાવના જણાતી નથી.
2017 બાદ બે વખત કેબિનેટ વિસ્તરણ
રૂપાણીએ 2017માં ચૂંટણી જીત્યા પછી બે વખત કેબિનેટનો વિસ્તાર કર્યો છે. પહેલીવાર કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય કુંવરજી બાવળિયાને રાજીનામું અપાવીને ભાજપમાં કેબિનેટના મંત્રી બનાવ્યા હતા. બીજીવાર કોંગ્રેસમાંથી આવેલા અન્ય બે બળવાખોર ધારાસભ્યો જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને અનુક્રમે કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી બનાવ્યા હતા. 2019ની લોકસભાની ચૂંટણી વખતે જ્યારે કોંગ્રેસના અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને જ્યારે ભાજપે પાર્ટીમાં લીધા હતા ત્યારે તેમને વચન આપ્યું હતું કે તેમનો કેબિનેટમાં સમાવેશ કરાશે.
મારી ચેમ્બર મુખ્યમંત્રીની બાજુમાં હશે: અલ્પેશની શેખી
વિધાનસભાની છ બેઠકોની ચૂંટણી જાહેર થયા પછી અલ્પેશ ઠાકોરે તો એવી શેખી મારી હતી કે મારી ચેમ્બર મુખ્યમંત્રી વિજય રૂપાણીની બાજુમાં હશે અને હું સચિવાલયમાં બેસીને જનતાના કામો કરીશ. જો કે તેમના મતવિસ્તારની જનતાએ જ તેમને જાકારો આપ્યો છે. આ બન્ને બળવાખોરોએ લોકસભાની ચૂંટણીમાં ખુલ્લેઆમ કોંગ્રેસ વિરોધી પ્રચાર કર્યો હતો અને ભાજપને મદદ કરી હતી.
નિતીન પટેલ સાથે ગોઠવણ પણ થઈ ગઈ હતી
પેટાચૂંટણી પહેલાં સચિવાલયમાં એવું ચર્ચાઇ રહ્યું હતું કે કોંગ્રેસના આ બન્ને બળવાખોરોને મંત્રી બનાવવામાં આવશે જેથી મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની કેબિનેટનું વિસ્તરણ કરશે. પેટાચૂંટણી પહેલાં ખુદ મુખ્યમંત્રીએ મિડીયાના એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે પેટાચૂંટણી પતી ગયા પછી વિસ્તરણ અંગે વિચારી શકાય તેમ છે. અલ્પેશ ઠાકોરની જીદના કારણે તેઓ તેમની કેબિનેટનો વિસ્તાર કરવાના હતા તે નિશ્ચિત બની ચૂક્યું હતું. અલ્પેશ ઠાકોરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે પણ ગોઠવણ કરી રાખી હતી.
વિપરીત પરિણામથી બોર્ડ-કોર્પોરેશનમાં પણ રાજકીય નિયુકિત નહી
હવે જ્યારે પરિણામ તેમનાથી વિપરિત આવ્યા છે ત્યારે રૂપાણી સરકાર વિસ્તરણ તો ઠીક હમણાં બોર્ડ-કોર્પોરેશનમાં પોલિટીકલ નિયુક્તિ કરવાના મૂડમાં નથી. રાજ્યમાં છ વિધાનસભાની પેટાચૂંટણીમાં રૂપાણીએ તેમની આખા કેબિનેટ અને પ્રદેશ નેતાઓને ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપને એમ હતું કે અમદાવાદની અમરાઇવાડી, મધ્ય ગુજરાતની લુણાવાડા અને ઉત્તર ગુજરાતની ખેરાલુની બેઠક જીતી જઇશું તેથી બઘું ધ્યાન બાયડ, થરાદ અને રાધનપુર બેઠક પર કેન્દ્રીત કર્યું હતું પરંતુ ઉત્તર ગુજરાતમાં ભાજપ માત્ર ખેરાલુ બેઠક બચાવી શક્યું છે.
હારનું ઠીકરું જીતુ વાઘાણી પર ફોડાશે
પેટાચૂંટણીમાં ભાજપની હારનું ઠીકરૂં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પર ફોડવામાં આવશે એવું ચર્ચાઇ રહ્યું છે, કેમ કે સંગઠનની ચૂંટણીઓમાં આમ પણ નવેમ્બર મહિનામાં પ્રદેશ પ્રમુખની ચૂંટણી થવાની હતી જેમાં જીતુ વાઘાણીનો ભોગ લેવાઇ જાય તો નવાઇ નથી. જીતુ વાઘાણીને મંત્રીપદ મળવાના અભરખાં હતા પરંતુ હવે તે પૂરાં થાય તેમ નથી. તેઓને પ્રદેશ પ્રમુખપદ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. જીતુ વાઘાણીની જીભે દાટ વાળ્યો છે.