પોરબંદરના વેટલેન્ડ પર થયેલા સંશોધન પત્રને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ઇનામ

પોરબંદર

મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ તથા કૃષ્ણ સખા સુદામાની કર્મભૂમિ પોરબંદર અનેક રીતે વિશ્વભરમાં જાણીતું છે, ત્યારે અહીંના વાતાવરણને અનુકૂળ થઈ આવતા પક્ષીઓને લીધે પોરબંદરનો આંતરરાષ્ટ્રીય કક્ષાએ યશકલગીમાં વધારો થયો છે. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા લોનાવાલામાં આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સમાં પોરબંદરના સંશોધન પત્રને પ્રથમ ઇનામ મળ્યું છે.

તાજેતરમાં તારીખ ૧૮થી ૨૩ નવેમ્બર દરમિયાન લોનાવાલા ખાતે ભારત સરકાર, વનવિભાગ, મેનગ્રુવ ફાઉન્ડેશન અને ગોદરેજ કંપનીના આર્થિક સહકારથી એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં ૨૦ જેટલા દેશોના ૨૫૦ લોકોએ ભાગ લીધો હતો અને પોતાના સંશોધન પત્રો પ્રસ્તુત કર્યા હતા. આ કોન્ફરન્સ ખાસ પાણીના પક્ષીઓ અને જળપ્લાવિત ક્ષેત્રો પર જ આયોજિત કરવામાં આવી હતી.

પોરબંદરમાં મોકર સાગર કમિટી, પોરબંદરના જળપ્લાવિત ક્ષેત્રો માટે વૈજ્ઞાનિક રીતે કામ કરે છે. કમિટીના આ પ્રયત્નોના કારણે પોરબંદરના પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા માર્ચ ૨૦૧૬માં માકર સાગરને ઈમ્પોર્ટન્ટ બર્ડ એરિયા જાહેર કરવામાં આવ્યું હતું. મોકર સાગર કમિટી દર વર્ષે પક્ષીઓની ગણતરી કરે છે. જેમાં ૧૦૦ જેટલી અલગ અલગ પક્ષીઓની પ્રજાતિ પોરબંદરમાં જેવા મળી છે અને ક્રેન પક્ષીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત સુરખાબ સહિતના વિદેશી પક્ષીઓ મોટા પ્રમાણમાં અહીં જોવા મળે છે, જે માટે દર વર્ષે ખાસ પિંક સેલિબ્રેશનનું પણ આયોજન કરવામાં આવે છે.