અમદાવાદ, તા.24
અમદાવાદ શહેર પોલીસે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને ટ્રાફિકના નિયમોનું સંચાલન યોગ્ય રીતે થાય તે માટે સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ શહેરમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઉભુ કર્યું છે. પણ પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કાબુમાં લેવામાં નિષ્ફળ ગઇ છે. તે કડવી હકીકત છે. અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ચેઇન સ્નેચીંગની ઘટના સતત વધી રહી છે. જ્યારે શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા ત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે સીસીટીવી કેમેરા દ્વારા ચેઇન સ્નેચીંગના કિસ્સામાં વાહનોને નંબર પ્લેટના આધારે કે તેના અલગ અલગ લોકેશનના આધારે ઝડપી લેવામાં આવશે. શહેરમાં 3300 જેટલા સીસીટીવી કેમેરાના નેટવર્ક વચ્ચે પણ પોલીસ ચેઇન સ્નેચીંગના કિસ્સાઓને કાબુમાં લેવામાં નિષ્ફળ ગઇ છે. છેલ્લાં ત્રણ માસમા પોલીસ ચોપડે નોંધાયેલા ચેઇન સ્નેચીંગના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. જેમા સરેરાશ બે દિવસે એક ચેઇન સ્નેચીંગનો બનાવ પોલીસ ચોપડે નોંધાય છે. જેમાં શહેરના લો ગાર્ડન, એલીસબ્રીજ, ગુજરાત યુનિવર્સીટી એરીયા, નવરગપુરા અને સેટેલાઇટ વિસ્તારમાં ચેઇન સ્નેચીંગના બનાવો સૌથી વધારે નોંધાયા છે.
ચેઇન સ્નેચીંગના કેસ
મહિનો ચેઇન સ્નેચીંગ
ઓગસ્ટ, 19 18
સપ્ટેમ્બર,19 23
ઓક્ટોબર,19 21
નવેમ્બર,19 12
કુલ 73
બીજી સૌથી ચોંકાવનારી બાબત એ છે કે મોટાભાગના ચેઇન સ્નેચીંગની ઘટનાઓ શહેરના મુખ્ય અથવા ભીડભાડ વાળા વિસ્તારમાં બની છે કે જ્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. મોટાભાગના કિસ્સાઓમાં ફરિયાદીઓ ઘટના બન્યાના ગણતરીના સમયમાં નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે અથવા પોલીસ કંટ્રોલને જાણ કરતા હોય છે. ત્યારે પણ પોલીસ સમય અને સ્થળના આધારે આરોપીઓને ઝડપી શકતા નથી. શહેરના તમામ કેમેરાઓની લીંક શહેરના પોલીસ કંટ્રોલ રુમ અને ટ્રાફિક કંટ્રોલ રુમમાં આપેલી હોય છે તેમ છતાંય પણ પોલીસ લગભગ ચેઇન સ્નેચીંગના કિસ્સાઓમાં આરોપીઓ સુધી પહોંચી શકી નથી.
હવે લગ્નની સીઝન આવી રહી છે તેવામાં ચેઇન સ્નેચીંગના કિસ્સાઓમાં વધારો થવાની પુરેપુરી શક્યતાઓ છે ત્યારે પોલીસ અધિકારીઓ આ અંગે દાવો કરે છે કે સામાન્ય સંજોગોમાં તેમના દ્વારા પાર્ટી પ્લોટના સંચાલકોને તકેદારી રાખવા સુચન કરવામાં આવે છે કે પાર્ટી પ્લોટની આસપાસ કોઇ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પોલીસને જાણ કરવી. પણ અહીયા સવાલ એ છે કે પોલીસને ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા વાહનચાલકો દેખાય છે પણ હજુસુધી કોઇ કિસ્સામાં પોલીસ સીસીટીવીની મદદથી ચેઇન સ્નેચર સુધી પહોંચી હોય.
તો પોલીસ અધિકારીઓ પોતાનો નબળો બચાવ કરતા કહે છે કે ચેઇન સ્નેચરો વાહનોની નંબર પ્લેટમાં છેડછાડ કરતા હોવાથી તેમના સુધી પહોંચી શકાતું નથી. ત્યારે સવાલ એ થાય કે શુ સીસીટીવી નેટવર્કનો ઉપયોગ માત્ર ઇ મેમો મોકલવા માટે જ કરે છે?