પ્રજાના 30 લાખથી ડોક્ટર બનનારા લોકસેવાથી ભાગે છે, સરકારી નિયંત્રણો માત્ર કાગળના વાઘ

ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી તરીકે પ્રવેશ લઈને તબીબોની પદવી મેળવનારા વિદ્યાર્થીએ ગામડામાં જઈને દર્દીઓની સેવા કરવી પડશે. તેની સાથે હવે રૂ.5 લાખના બોન્ડના બદલામાં રૂ.20 લાખના બોન્ડ સરકારને લખી આપવા પડશે કે જો તે ગામડામાં સેવા નહીં આપે તો તે આ બોન્ડની રકમ આપશે.

સરકારે વર્ષોથી આ નિયમ બનાવેલો છે. હવે તેની રકમ વધારી છે. તબીબો ગામડામાં સેવા કરવા જતા નથી અને સરકારને બોન્ડની રકમ આપતા નથી. હવે સરકારે ત્રણ વર્ષના બદલે એક વર્ષ કરી છે. જેની કોઈ અસર થવાની નથી. વિદ્યાર્થીઓ બોન્ડની નિયત રકમ ભરી બોન્ડ મુક્તિ મેળવે છે. તેથી ગ્રામીણ વિસ્તારોમાં ડોક્ટરોની ઘટ રહે છે તેમજ ગ્રામીણ, આદિવાસી અને દુર્ગમ વિસ્તારના દર્દીઓને તબીબી સેવાઓ મળી શકતી નથી. જોકે, સરકાર આવા નિયમો બનાવતી રહે છે પરંતુ તેનું કડક પાલન તો થતું જ નથી પરંતુ ગામડામાં ન જતા ડીગ્રી મેળવનારા ડોક્ટરોને કઈ રીતે આંતરવા તેની કોઈ નક્કર વ્યવસ્થા તંત્ર પાસે નથી. આમ સરકારનો આ નિયમ માત્ર કાગળ પર જ રહે છે અને ડીગ્રી મેળવ્યા બાદ 90 ટકા ડોક્ટરો ગામડામાં જતા નથી જેને લીધે સરકારને તો મસમોટું આર્થિક નુકશાન થાય જ છે તથા ગામડાના દર્દીઓ તબીબ સેવાથી વંચિત રહે છે.

20 લાખની સામે પાંચ લાખની બેન્ક ગેરંટી અથવા પાંચ લાખની કિંમતની મિલકતની ગેરંટી આપવાની રહેશે જેનો વેલિડીટી પિરિયડ સાત વર્ષનો રહેશે. રાષ્ટ્રીયકૃત કે શીડ્યુલ્ડ બેન્કના 15 લાખ રૂપિયા માટે 300ના નોટરાઇઝ્ડ સ્ટેમ્પ પેપર પર બાંહ્યધરી આપવાની રહેશે.

ગુજરાત બહારનાને ગામડામાં નહીં જવું પડે

ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકો પર પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને આ ઠરાવની જોગવાઇ લાગુ પડશે નહીં. અગાઉ પ્રવેશ મેળવેલા જૂના વિદ્યાર્થીઓ કે જેમણે પ્રવર્તમાન બોન્ડની પોલિસી પ્રમાણે ત્રણ વર્ષની ગ્રામીણ સેવાઓ બજાવવા માટે બોન્ડ આપ્યા હોય તેમને વિકલ્પ આપવામાં આવશે.

છ વર્ષમાં 4341માંથી 530 જ ગામડાંમાં ગયા

ગામડાઓમાં જવાનું ફરજિયાત કરાયું છે ત્યારથી 3 જૂન 2016ના રોજ રૂપાણી સરકારને ૬ સરકારી મેડિકલ કોલેજોમાં છેલ્લા ૬ વર્ષમાં ૪૩૪૧ યુવાનોને એમબીબીએસની ડિગ્રી આપવામાં આવી છે તેમાંથી ૫૩૦ યુવા ડોક્ટરોએ જ ગ્રામ્ય વિસ્તારોમાં પોતાની સેવા આપી હતી.

ગુજરાતમાં ૧૪૧૨ ગ્રામ્ય વિસ્તારો અને સરકારી હોસ્પિટલોમાં સેવા આપવા માટે મેડિકલ સ્ટુડન્ટ પાસે બોન્ડ લખાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારોમાં જવાને બદલે રુપિયા 5 લાખથી ૧૦ લાખ સુધીના બોન્ડના નાણાં આપીને જતા નથી. તે હવે રૂ.20 લાખ આપી દેશે. આ નાણાં આપનારાઓ અધિકારીઓ કે ડોક્ટરોના પુત્રો હોય છે. પીજીમાં રૂ.10 લાખનો બોન્ડ સાઈન કરવો પડતો હોવા છતાં પણ તબીબો ગામોમાં જતા નથી. નવોદિત ડોક્ટરો બોન્ડની રકમ ભરીને ગ્રામ્ય વિસ્તાર કે સરકારી હોસ્પિટલોમાં ઈન્ટર્નશીપ કરતા નથી.

ઉચ્ચ ન્યયાલયે સરકારને યોગ્ય ઠેરવી

31 જૂલાઈ 2019 સરકારની નીતિ સામે ઉચ્ચ ન્યાયાલયમાં તબીબોએ દાવો કરેલો તે સિંગલ જજે સરકારના નિર્ણયને રદ કર્યો હતો, જો કે ઉચ્ચ ન્યાયાલયની બે જજની ખંડપીઠે સરકારના આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. ત્યાર બાદ ડોક્ટરી જેવા ઉમદા વ્યવસાયમાં જનારી વ્યક્તિએ લોકસેવાનો પ્રાથમિક પાયો મજબૂત કરવો જરૂરી છે. રૂરલ સર્વિસ એ ડોક્ટરીના વ્યવસાયમાં મહત્વનું પાસું છે. માત્ર પૈસા માટે આંધળી દોટ મૂકવાની ડોક્ટરોએ જરૂર નથી.આ માટે સરકારે બોન્ડ લેવાનો લીધેલો નિર્ણય વાજબી છે, તેવું કોર્ટે મૌખિક અવલોકન કર્યું હતું. ત્યાર બાદ સરકારે આ નિર્ણય કર્યો છે.

તબીબો પાછળ વર્ષે રૂ.900 કરોડનો ખર્ચ

ડોક્ટરો બોન્ડનું પાલન કરવા ગામડામાં ન જતા લોકોના જીવન ખોરવાઇ જાય છે. સરકારી તિજોરીને પણ મોટું નુકશાન થાય છે. ગુજરાત સરકાર મેડિકલ ગ્રેજ્યુએટસ પાછળ વર્ષે ૯૦૦ કરોડ રૂપિયા ગુમાવે છે.

એક ડોક્ટર પાછળ 30 લાખનો ખર્ચ

પેનલ્ટીની મામૂલી આવક સામે સબસીડીનો જંગી ખર્ચ થાય છે. ૨૦૧૪-૧૫માં સરકારે બોન્ડની પેનલ્ટી પેટે માત્ર રૂ.૧૮.૬૭ લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા. અગાઉના બે વર્ષમાં રૂ.૪ કરોડ મળ્યા હતા. એક મેડિકલ સ્ટુડન્ટને ભણાવવાના ખર્ચની સબસિડી પાછળ રૂ.૨૨ લાખ 5 વર્ષ પહેલાં થતો હતો જે હવે વધીને રૂ.30 લાખ ખર્ચ થાય છે.

કોઈ ચકાસણી થતી નથી

ડિરેકટોરેટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ પાસે ડોક્ટરે તેના બોન્ડ કે પેનલ્ટી ભરી કે નહીં અને ગામડામાં ગયા કે નહીં તેની ચકાસવા કોઇ તંત્ર નથી. પહેલી વખત જણાયું હતું કે ૪૫૦૦ ડોક્ટરોએ તેમના રજિસ્ટ્રેશન રિન્યુ કરાવ્યા નહોતાં કેમ કે તેમની પાસે બોન્ડ ફ્રી પ્રમાણપત્ર નહોતા. તેમાં એવું પણ જણાયું હતું કે કેટલાંક ડોક્ટરો દોઢ દાયકા અગાઉ ગ્રેજ્યુએટ થયા હોવા છતાં તેમણે તેમના બોન્ડ અનુસાર કામગીરી બજાવી નહોતી.

કેટલી પેનલ્ટી?

તબીબ સેવામાં નિષ્ફળ જાય તો તેણે સરકારને ૧૦ લાખ રૂપિયા ચૂકવવા પડે. પીજી સ્ટુડન્ટ માટે આ રકમ ૫૦ લાખ રૂપિયા અને સુપર સ્પેશ્યાલિટી ડોક્ટર માટે ૨ કરોડ રૂપિયા નિયત કરાયેલી હતી. હવે તે 4 ગણી થઈ છે. મહારાષ્ટ્રમાં ૨ ટકા ડોક્ટરો જ બોન્ડ મુજબ સરકારી હોસ્પિટલમાં સેવા આપે છે. ગુજરાતમાં ૯૦ ટકા વિદ્યાર્થીઓ સરકારી હોસ્પિટલોમાં સેવા આપતા નથી.

ગામડાઓમાં વધતા દર્દીઓ

ગુજરાતમાં ટીબીના દર્દીઓની સંખ્યા 82,662 છે, જ્યારે HIV પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1,20,866 છે. પ્રતિ એક લાખે 224 લોકો ટીબીના દર્દીઓ છે. 2016 અને 2018 વચ્ચે કેન્સરના કેસોમાં સૌથી વધુ વધારો નોંધાયા હોય તેવા 10 રાજયોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. 2011ની વસતીના આધારે 1 લાખની વસતીએ કેન્સરના 133 દર્દીઓ હોવાનો નિષ્કર્ષ તારવવામાં આવ્યો છે. 2016માં ગુજરાતમાં કેન્સરના 73,551 કેસો હતા તે બે વર્ષ પછી વધી 80,820 થયા હતા. જે મોટાભાગે ગામડાઓમાં હતા.

……………………………..