પ્રવાસન નીતિ-2020 દ્વારા 12,437 કરોડના મૂડી રોકાણનો અંદાજ

રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા નવી પ્રવાસન નીતિ 2015-2020 જાહેર કરાઇ છે. આ નીતિ દ્વારા રાજ્યમાં અંદાજે 12,437કરોડનું મૂડી રોકાણ થશે અને આશરે 20 હજારથી વધુ નવી રોજગારીની તકો ઊભી થશે તેવી સંભાવના રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યુ હતું કે, વર્ષ 2019-20 માં પ્રવાસનના વિકાસને વેગ આમલે તે માટે રૂપિયા 471 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

વિધાનસભામાં આજે પ્રવાસન વિભાગની માંગણીઓ અંગેની ચર્ચા બાદ પોતાનો જવાબ આપતા રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યુ હતું કે, ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા નવી પ્રવાસન નીતિ 2015-2020 ને અમલી કરવામાં આવી છે. જેના થકી રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થાય અને તેને વેગ મળ્યો છે. આ નીતિ અંતર્ગત રાજ્યમાં 352 પ્રવાસન એકમો નોંધાયા છે. આ એકમો દ્વારા રાજયમાં 12,437 કરોડ રૂપિયાનું મૂડી રોકાણ થવાની સંભાવના છે. આ 352 પ્રવાસન એકમો પૈકીનાં 50 ટકા એટલે કે 179થી વધુ પ્રોજેક્ટ્સ કાર્યરત થઈ ચૂક્યા છે. આ પ્રવાસન એકમો થકી રાજયમાં નવી 20,000થી વધુ રોજગારીની તકો ઊભી થનાર છે.

પ્રવાસન મંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, ઇવેન્ટ બેઝ ટુરિઝમ અંતર્ગત જુદા જુદા મહોત્સવની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું 38 સ્થળોએ આયોજન કરાયું હતું. જેમાં દેશ-વિદેશના 1750થી વધુ પતંગબાજોએ ભાગ લીધો હતો. આ પતંગ મહોત્સવને 12 લાખ મુલાકાતીઓએ માણ્યો હતો. જ્યારે આ પતંગ ઉત્સવ થકી સ્થાનિક પતંગ ઉદ્યોગોને રૂપિયા 1800 કરોડની આવક થવા પામી છે. આ ઉપરાંત રાજ્યમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન છેલ્લા પાંચ વર્ષમાં સ્થાનિક પ્રવસીઓ,અન્ય રાજ્યના પ્રવાસીઓ, વિદેશ પ્રવાસીઓ અને એનઆરઆઇ મુલાકાતીઓ મળીને કુલ 31 લાખ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી હતી.

જ્યારે વર્ષ 2018માં ત્રણ સ્થળે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. જેના અંતર્ગત સુરત જિલ્લાના સુવાલી ખાતે, વલસાડના તિથલ ખાતે અને પોરબંદરના માધવપુર ખાતે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. જેમાં એક લાખ એકોતેર હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.

કચ્છના ધોરડોના સફેદ રણ ખાતે યોજાતા રણોત્સવમાં વર્ષ 2018-19ના વર્ષ દરમિયાન રાત્રિ રોકાણ કરનાર પ્રવાસીઓની સંખ્યા અંદાજે એક લાખથી વધુની હતી. જેના થકી 15 લાખ માનવ દિવસોની રોજગારી ઊભી થયેલ છે. આ રણોત્સવ થકી જુદા જુદા સ્ટેક હોલ્ડરોને આશરે 81 કરોડ રૂપિયાની આવક થયેલ છે.

આ ઉપરાંત કેવડિયા ખાતે સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ રાજ્યના પ્રવાસનનું નવું હબ બન્યું છે. જ્યારે બાલાસિનોરના રૈયોલી સ્થિત ડાયનાસોર પાર્ક અને ફોસિલ પાર્ક ગુજરાતનાં પ્રવાસનના વિકાસનું નવા કેન્દ્રો ઊભા થયા છે. આ ઉપરાંત ઐતિહાસિક અને પ્રાચીન સ્થળો તેમજ પવિત્ર યાત્રાધામો પણ પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર છે.

ગાંધીજીની 150 મી જયંતિ નિમિત્તે તેમની સાથે સંલગ્ન સ્થળોનો વિકાસ

મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતિની ભારત દેશમાં રાષ્ટ્રીય સ્તરે તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવણી થઈ રહેલ છે. જેના સંદર્ભે ગુજરાતના પનોતા પુત્રને સાચી શ્રદ્ધાંજલી આપવા ગુજરાત દ્વારા પણ વિવિધ આયોજન કરાયા છે. મહાત્મા ગાંધીજી મોટા ભાગના વર્ષો જ્યાં વિતાવ્યા છે તે સ્થળો અંગે સમગ્ર વિશ્વ માહિતગાર થાય તે માટે ગાંધીજીના જીવનને સ્પર્શતા અલગ-અલગ સ્થળો જેવા કે દાંડી માર્ચ ટુરિઝમ સર્કિટ, રાજકોટ, સાબરમતી આશ્રમ, પોરબંદર, રાષ્ટ્રીય મીઠાં સત્યાગ્રહ મેમોરિયલ પર વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ માટે 15 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઇ છે.