રાજ્ય સરકારે ગુજરાત કેડરના વિવાદાસ્પદ આઈએએસ અધિકારી ગૌરવ દહિયાને આજે સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. તેમની સામે ચાલી રહેલી શિસ્તભંગના પગલાં અને તપાસની કાર્યવાહીના પગલે રાજ્ય સરકારે તેમને સસ્પેન્શન હેઠળ મૂક્યાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસે ચારવાર ગૌરવ દહિયાને હાજર રહેવા માટે નોટિસ મોકલી હતી પરંતુ તે હાજર રહ્યા ન હતા. તપાસમાં સહયોગ ન આપતા હવે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીની મહિલા લીનુ સિંઘે દહિયા સામે છેતરપિંડીની ફરિયાદ કરી હતી. આ મામલે ગૌરવ દહિયા સામે ગુજરાત સરકારે તપાસ સમિતિની રચના કરી હતી. દરમિયાન મહિલાની ફરિયાદના આધારે દહિયાને નોટિસ પાઠવવામાં આવી હતી. દહિયાને ગાંધીનગર પોલીસ સમક્ષ હાજર થવા માટે નોટિસ અપાઈ હતી, પરંતુ તેઓ હાજર રહ્યા નહતા. પોલીસની ત્રીજી નોટિસને પણ દહિયાએ ગણકારી નહતી તથા ચોથી નોટિસમાં સમય મર્યાદા મુજબ ફરી હાજર ન રહેતા છેવટે રાજ્ય સરકારે તેમને સસ્પેન્શન હેઠળ મૂકવાનો નિર્ણય કર્યો છે.
પોલીસે કેટલી નોટિસ આપી?
દહિયા સામે દિલ્હીની મહિલાએ કરેલા આક્ષેપો સંદર્ભે નિવેદન નોંધાવવા માટે ગાંધીનગર સેકટર- 7 પોલીસે નોટિસ પાઠવીને સાત દિવસમાં હાજર થવા જણાવ્યું હતું. નોટિસની મર્યાદા પૂરી થવાની તૈયારીમાં હતી ત્યારે પોલીસે શનિવારે બીજી, સોમવારે ત્રીજી નોટિસ આપી હતી. બીજી નોટિસનો સમય પૂર્ણ થાય તે પહેલાં દહિયાએ નાદુસ્ત તબિયતનું કારણ દર્શાવી છ દિવસનો સમય માગ્યો હતો. જોકે, પોલીસે તેમને મંગળવાર સુધીમાં હાજર થવા જણાવ્યું હતું અને આ અંગેની નોટિસ સેકટર-૧૯ ખાતેના તેમના નિવાસ સ્થાને ચોંટાડી હતી. જો કે તેઓ હાજર ન રહેતા પોલીસે ચોથી નોટિસ આપી હતી અને એ પ્રમાણે તેઓ હાજર ન રહેતા હવે તેમની સામે ગુનો નોંધાઈ શકે છે.
તપાસ સમિતિએ પૂછપરછ કરી હતી
સરકારે રચેલી તપાસ કમિટિ સમક્ષ ગૌરવ દહિયા હાજર થયા હતા. જ્યાં દહિયાની અંદાજે છથી સાત કલાક જેટલી મેરેથોન પૂછપરછ કરાઈ હતી. જોકે દહિયા પોલીસ સમક્ષ હાજર થતા નહતા. તે સિવાય અગાઉ અહીંથી પોલીસે દિલ્હી જઈને મહિલાનું નિવેદન પણ લીધું હોવાનું જાણવા મળ્યું છે.
ગૌરવની પહેલી પત્નીના પિતા અને ભાઈને પણ બોલાવાયા
બંદર અને વાહન વ્યવહાર અગ્રસચિવ સુનયના તોમરની ચેમ્બરમાં વાહન વ્યવહાર કમિશનર સોનલ મિશ્રા, ઉદ્યોગ કમિશનર મમતા વર્મા, સેવા નિવૃત જોઈન્ટ સેક્રેટરી દેવીબહેન પંડયા અને જીએડીના જોઈન્ટ સેક્રટરી અશોક દવેની તપાસ સમિતિએ ગૌરવ દહિયાની પહેલી પત્ની શિવાની બિશ્નોયના પિતા અને ભાઈને પણ બોલાવ્યા હતા.
સનદી સેવા રુલ્સ 19ની જોગવાઈ હેઠળ સસ્પેન્ડ કરી શકાય
ભારતના સનદી સેવા રૂલ્સ 19માં એક થી વધુ પત્ની, ચારિત્ર્યહનનના આક્ષેપોના કિસ્સામાં અધિકારીને સસ્પેન્ડ કરી શકાય છે તેમ છતાં સરકારે તેમને સસ્પેન્ડ કરવાની જગ્યાએ બીજા વિભાગમાં બદલી કરી હતી. જો કે હવે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
શું છે દહિયાનો મામલો?
દિલ્હીની મહિલા લીનુ સિંઘે ગુજરાત કેડરના આઈએએસ ગૌરવ દહિયા સામે આક્ષેપ કર્યા છે કે દહિયાએ તેમની સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ છેતરપિંડી કરી હતી. જ્યારે દહિયાએ સામે ફરિયાદ કરી છે કે પોતે પરિણીત હોવા છતાં મહિલાએ તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું. મહત્વનું છે કે દિલ્હીની એક યુવતી સાથે લગ્ન કર્યા બાદ દહિયા હવે આ યુવતી બ્લેકમેઈલ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. કમિટિ સમક્ષ કરાયેલી પૂછપરછમાં પણ દહિયાએ યુવતી નાણાંની માંગણી કરીને બ્લેકમેઈલ કરતી હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. બીજીતરફ કમિટિએ ગૌરવ દહિયાની પૂર્વ પત્નીના પરિવારજનો સાથે પણ વાતચીત કરીને વધુ વિગતો જાણી હતી.
દહિયાને સસ્પેન્શન હેઠળ મૂકતાં મુશ્કેલી વધશે
ગૌરવ દહિયા પોલીસ સમક્ષ અવારનવાર નોટિસ આપવા છતાં પણ હાજર ન રહેતાં છેવટે રાજ્ય સરકારે તેમને સસ્પેન્શન હેઠળ મૂક્યા છે. ત્યારે દિલ્હીની મહિલાની સાથે છેતરપિંડી કરવાના કેસમાં તેમ જ તેની સાથે લગ્ન કરવાની ફરિયાદના મુદ્દે હવે આઈએએસ અધિકારી દહિયાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે એવું સૂત્રોએ જણાવ્યું હતું.