પ્રોવિડન્ટ ફંડ એક્ટમાં આવી રહેલા સુધારાથી કર્મચારીના પ્રોવિડન્ટ ફંડના ફાળામાં વધારો થશે

અમદાવાદ,શનિવાર

કેન્દ્ર સરકાર દ્વારા સુધારવામાં આવી રહેલા પ્રોવિડન્ટ ફંડ એક્ટની જોગવાઈઓનો વ્યવસ્થિત અમલ કરવામાં આવે તો પગારદાર કર્મચારીઓની વર્તમાન આવકમાં ઘટાડો થયા વિના જ તેમના પ્રોવિડન્ટ ફંડના કોન્ટ્રીબ્યુશનમાં વધારો થઈ શકે છે. અત્યારે કપાતા પ્રોવિડન્ટ ફંડની રકમમાં 50થી 75 ટકા સુધીનો વધારો થઈ શકે છે, એમ પ્રોવિડન્ટ ફંડની પ્રેક્ટિશ કરતા એડવોકેટ શરદ જૈનનું કહેવું છે. પ્રોવિડન્ટ ફંડ એક્ટની કલમ 6માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ કંપનીના માલિક કર્મચારીનો ફાળો તેના પગારની રકમમાંથી કાપી શકતા નથી.

નવા સુધારેલા કાયદા મુજબ કંપનીના માલિક અને કર્મચારી બંનેના પ્રોવિડન્ટ ફંડ  કોન્ટ્રીબ્યુશનમાં વધારો થઈ જાય તેવી જોગવાઈ કરવામાં આવી છે. બીજી તરફ માલિકો સીટીસી-કોસ્ટ ટુ કંપનીને નામે પગારમાં જુદા જુદા હેડ હેઠળ આપવામાં આવતા નાણાંમાં ફેરબદલ ન કરે તો પગારદાર કર્મચારીઓના સારા ભાવિ માટેનું પ્રોવિડન્ટ ફંડનું તગડું ભંડોળ એકત્રિત થઈ શકે છે. નવા સુધારેલા પ્રોવિડન્ટ ફંડ એક્ટની જોગવાઈઓના માધ્યમથી અત્યારે કાયદાકીય જોગવાઈમાં જોવા મળી રહેલી સંદિગ્ધતા ઓછી થઈ જવાની અપેક્ષા પ્રોવિડન્ટ ફંડ એક્ટના નિષ્ણાતો દ્વારા રાખવામાં આવી રહી છે.

તેમનું કહેવું છે કે અત્યારે કંપનીના માલિકો દ્વારા કર્મચારીઓને નિમણૂક વખતે બતાવવામાં આવતા પગારમાં કોસ્ટ ટુ કંપની દર્શાવવામાં આવતી હોવાથી કર્મચારીના હાથમાં ખરેખર પગાર આવે છે ત્યારે તેને હતાશા થાય છે. કારણ કે તેમાં ઘણીવાર એપોઈન્ટમેન્ટ લેટરમાં દર્શાવેલી રકમની તુલનાએ ટેક હોમ સેલરીમાં અંદાજે 22થી 25 ટકાનો ઘટાડો જોવા મળે છે. તેથી નોકરીની શરૂઆત કર્યાના એક જ મહિના બાદ કર્મચારીઓને માલિકોની નિયત બરાબર ન હોવાનું લાગવા માંડે છે. પરિણામે કર્મચારીઓ-માલિકો વચ્ચેના સંબંધ પર પણ અસર પડે છે. કેટલીક કંપનીઓ તો ગ્રેચ્યુઇટી પણ કર્મચારીના પગારમાં જ ગણાવતી હોવાનું જોવા મળે છે.  આ જ રીતે કર્મચારીઓને વર્ષે આપવામાં આવતા બોનસની રકમ અને ઇએસઆઈસીની રકમ પણ તેમાં ગણાવી દેવામાં આવતી હોવાનું જોવા મળે છે. આ સંજોગોમાં કર્મચારી માટે તેનો માસિક ઘર ખર્ચ નિભાવવો કઠિન બની જાય છે. આ નોબત ન આવે તેની દરકાર કંપનીના માલિકોએ સીટીસી-કોસ્ટ ટુ કંપની નક્કી કરતી વેળાએ રાખવી જરૂરી છે. બીજું, કોઈ પણ નવી વ્યક્તિને કંપનીમાં નિમણૂક આપતી વેળાએ તેને કોસ્ટ ટુ કંપની શું છે અને તેને ખરેખર ટેક હોમ સેલરી કેટલો મળવાનો છે તેનો પાક્કો અંદાજ નિમણૂક કરતી વખતે જ આપવામાં આવે તો કંપનીના માલિક અને કર્મચારી વચ્ચે સંઘર્ષ થાય જ નહિ. આ બાબતમાં કંપનીના માલિકો નિખાલસ બની સ્પષ્ટતા કરવાનું રાખે તે જરૂરી છે. આ નિખાલસતા દાખવવાને બદલે કંપનીના માલિકો કર્મચારીને એમ કહીને ટાળી દે છે કે આખરે તે પૈસા તો તારા પ્રોવિડન્ટ ફંડના જ ખાતામાં જ જવાના છે.તેનાથી કર્મચારીને સંતોષ થતો નથી. આ સંદર્ભમાં સુપ્રીમકોર્ટના ચૂકાદાઓ પણ કર્મચારીની તરફેણ કરી રહ્યા છે.

તેમનું કહેવું છે કે નવા સુધારેલા કાયદાનો વ્યવસ્થિત અમલ કરવામાં આવે તો તેને પરિણામે કંપનીની પગારની લાયેબિલિટીમાં માત્ર 5 ટકાનો વધારો થશે અને કર્મચારીોના ટેક હોમ સેલરીમાં તેટલો જ વધારો થશે. આ કાયદાના માધ્યમથી કર્મચારીને તેનો પગારમાંથી પ્રોવિડન્ટ ફંડનો હિસ્સો વધારવાની કે ઘટાડવાની સત્તા પણ મળશે. પરંતુ માલિકનો  હિસ્સો કોન્સ્ટન્ટ (નિશ્ચિત કરેલા ધોરણો પ્રમાણેનો) જ રહેશે, એમ શરદ જૈનનું કહેવું છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો કર્મચારી તેના પ્રોવિડન્ટ ફંડના હિસ્સામાં વધઘટ કરી શકશે. જ્યારે કંપનીના માલિક તરફથી મળતો હિસ્સો નિશ્ચિત કરેલા ટકા વારી પ્રમાણેનો જ રહેશે.

જૂના ચાર કાયદાઓનું વિલીનીકરણ કરીને તેેમમાંથી એક વેજ એક્ટ બનાવીને પગારદારોના સલામત ભવિષ્ય માટેની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ 1936, પેમેન્ટ ઓફ બોનસ એક્ટ 1965, મિનિમમ વેજિસ એક્ટ 1948 અને ઇક્વલ રેમ્યુનરેશન એક્ટ 1976ને મર્જ કરીને વેજ કોડ (વેતન સંહિતા) તૈયાર કરવામાં આવ્યો છે. આઠ ઓગસ્ટ 2019ના આ વેજ કોડને મંજૂરી મળી ગઈ છે. હવે તેને લગતા નોટિફિકેશન બહાર પડતા તેનો અમલ શરૂ થઈ જશે. વેજ કોડમાં વેતન અંગે નવી વ્યાખ્યા કરવામાં આવી છે.