ફિઝિયોથેરાપી-નર્સિગમાં સરકારી કોલેજના ત્રીજા રાઉન્ડ પછી ૧૮૫ બેઠકો ખાલી રહી

ગાંધીનગર,તા.18
પેરા મેડિકલમાં ફિઝિયોથેરાપી-નર્સિગ સહિતની પ્રવેશ પ્રક્રિયામાં સરકારી કોલેજોમાં ખાલી પડેલી ૩૮૨ ઉપરાંત પ્રવેશ રદ થ‌વાના કારણે ખાલી પડેલી બેઠકો માટે નવેસરથી રાઉન્ડ કરવામાં આવ્યો હતો. હાલમાં આ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો તેની ફી ભરવાની મુદત પુરી થઇ ચુકી છે. આ રાઉન્ડ પછી પણ સરકારી કોલેજોની ૧૮૫ બેઠકો ખાલી પડતાં હવે ચોથો રાઉન્ડ કરવાનુ નક્કી કરાયુ છે. આ રાઉન્ડ આગામી તા.૧૯મીથી શરૂ કરવામાં આવશે.

ફિઝિયોથેરાપી-નર્સિગમાં પ્રવેશ માટે સ્વનિર્ભર કોલેજોમાં ૧૦ હજારથી વધારે બેઠકો ખાલી પડી છે. આ બેઠકો ભરવાની સત્તા કોલેજોને સોંપી દેવામાં આવી છે. નિયમ પ્રમાણે સરકારી કોલેજોમાં ખાલી પડેલી બેઠકો માટે નવેસરથી રાઉન્ડ કરવાનો હોય છે. આ માટે તાજેતરમાં ખાલી પડેલી સરકારી કોલેજને ૩૮૨ બેઠકો માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા કેટલાક વિદ્યાર્થીઓએ હોમિયોપેથી અને આયુર્વેદ કોલેજમાં પ્રવેશ લેતાં સરકારી કોલેજોની બેઠકો ખાલી પડી હતી. આ બેઠકોને પણ ત્રીજા રાઉન્ડમાં સામેલ કરી દેવામાં આવી હતી. એક નવી સરકારી કોલેજને માન્યતાં મળતાં આ કોલેજની ૨૨ બેઠકો પણ ત્રીજા રાઉન્ડમાં સામેલ કરવામાં આવી હતી. આ બેઠકો પર પ્રવેશ ઇચ્છતાં વિદ્યાર્થીએ કરેલી ચોઇસ ફિલિંગના આધારે કોલેજની ફાળવણી કરી દેવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓને ફી ભરવા માટે તા.૧૮મી સુધીની મુદત આપવામાં આવી હતી. આજે આ મુદત પુરી થતાં એવી વિગતો બહાર આવી હતી કે, હજુસુધી ૧૮૫ વિદ્યાર્થીઓએ ફી ભરી નથી જેના લીધે સરકારી કોલેજોની ૧૮૨ બેઠકો હજુપણ ખાલી પડી છે. નિયમ પ્રમાણે આટલી મોટી સંખ્યામાં સરકારી કોલેજોની બેઠકો ખાલી હોવાથી તેના માટે નવેસરથી રાઉન્ડ કરવાનુ નક્કી કરાયુ છે.