ફિરોઝ ચોર અમદાવાદનો ડ્રગ્સ માફિયા બન્યો

અમદાવાદ : દોઢ મહિના અગાઉ દોઢ કિલો એમડી ડ્રગ્સના કેસમાં શહેજાદ તેજાબવાલા સહિત ચાર લોકોની ધરપકડ થતા ફિરોઝ શેખ ઉર્ફે ફિરોઝ ચોરે શહેરના ડ્રગ્સ બિઝનેસ પર પંજો જમાવી દીધો હતો. ચારેક વર્ષથી એમડી ડ્રગ્સનો કાળો કારોબાર કરતા ફિરોઝ ચોરની ટોળકીને ક્રાઈમ બ્રાંચે 305 ગ્રામ એમડી અને 51 ગ્રામ કોકેન સાથે ઝડપી લીધી છે. ક્રાઈમ બ્રાંચે ફરિયાદમાં ફિરોઝ ચોરની પત્ની અંજુમને પણ આરોપી તરીકે દર્શાવી છે. બે દિવસ અગાઉ ઉમરાહ કરવા ગયેલા ફિરોઝની સાથે ફોન પર સંપર્કમાં રહીને તેની પત્ની અંજુમ આખું ડ્રગ્સ નેટવર્ક સંભાળતી હતી.

છેલ્લા કેટલાક મહિનાઓથી ડ્રગ્સ માફિયાઓને પકડવા માટે ક્રાઈમ બ્રાંચ હરકતમાં આવી ગઈ હતી. ગત સપ્ટેમ્બર મહિનાના અંતમાં શહેજાદ તેજાબવાલા, શહેજાદના પિતા, પાર્ટનર સહિત ચાર શખ્સોને અડધો કરોડથી વધુની રોકડ અને દોઢ કિલો એમડી ( મિથાઈલઈનડાયઓકસીમેથાએમફેટામાઈન) સાથે ઝડપી લીધા હતા. આ કેસ બાદ ફિરોઝ ચોરે થોડાક દિવસો માટે ડ્રગ્સનો ધંધો બંધ કરી દીધો હતો, પરંતુ ડિમાન્ડ ખૂબ જ વધતા તેણે વધુ નફો મેળવવા ઉંચા ભાવે ડ્રગ્સ વેચવાનું શરૂ કરી દીધું હતું. ક્રાઈમ બ્રાંચના ટેકનિકલ સર્વેલન્સ તેમજ બાતમીદારોના નેટવર્કથી ફિરોઝ ક્યાંથી, કેવી રીતે અને કોના થકી ડ્રગ્સ અમદાવાદમાં મંગાવે છે તેની માહિતી મળવા લાગી હતી.

જો કે, ક્રાઈમ બ્રાંચે ઓપરેશન પાર પાડ્યું ત્યારે ફિરોઝ ચોરની હાજરી અમદાવાદમાં ન હતી. ફિરોઝ બે દિવસ અગાઉ ઉમરાહ કરવા મક્કા – મદીના ગયો છે. ક્રાઈમ બ્રાંચે ગઈકાલે શનિવારે ડ્રગ્સની ડિલીવરી આપવા આવેલા રમેશ દીપચંદ રાઠોડ (ઉ.49 રહે. મુંબઈ) અને માલ લેવા કાલુપુર ગયેલા ફિરોઝનો બનેવી અઝરૂદીન ઉર્ફે અઝહર સાહબુદીન શેખ (ઉ.32 રહે. પટવા શેરી, રિલીફ રોડ) અને ફિરોઝની સાળીનો પુત્ર અરબાઝ બાબુભાઈ કુરેશી (ઉ.20 રહે. સલાપસ રોડ, કારંજ) 61 લાખના ડ્રગ્સ સાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 3.40 લાખ રોકડ પણ કબ્જે લીધી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર રમેશ રાઠોડ છેલ્લા 25 વર્ષથી રેલવે વિભાગમાં કોન્ટ્રાકટ હેઠળ ચાલતા કેટરીંગ બિઝનેસમાં વેઈટર તરીકે નોકરી કરે છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે શતાબ્દી ટ્રેન શરૂ થઈ ત્યારથી આજદીન સુધી તેમાં કામ કરતો હતો. રમેશ ડ્રગ્સની એક ડિલીવરીના પાંચ હજાર રૂપિયા મેળવે છે અને છેલ્લા કેટલાય વર્ષોથી આ કામ કરે છે.

ચોરની પત્ની ગર્ભવતી હોવાથી પોલીસે રાહત આપી

એમડી અને કોકેનની ડિલીવરી આપવા અને લેવા એકઠા થયેલા ત્રણ શખ્સોને ઝડપી લીધા બાદ ક્રાઈમ બ્રાંચે રિલીફ રોડ ઉપર પટવા શેરીમાં આવેલા ફિરોઝ ચોરના ઘરે ઝડતી કરી 3.04 લાખ રોકડ કબ્જે લીધા હતા. ડ્રગ્સ નેટવર્કમાં ફિરોઝની પત્ની અંજુમ સામેલ હોવાથી ક્રાઈમ બ્રાંચ તેને પણ સાથે લઈ ગઈ હતી. અંજુમને નવમો મહિનો ચાલતો હોવાથી પોલીસે તેને પ્રાથમિક પૂછપરછ બાદ જવા દીધી હતી. આગામી દિવસોમાં અંજુમની સ્થિતિ અનુસાર પોલીસ દ્ધારા ધરપકડ કરવામાં આવશે.

અનેક પ્રકારના ડ્રગ્સનો કાળો કારોબાર અમદાવાદ શહેરમાં વર્ષોથી ચાલ્યો આવે છે. સાઉથ અમેરિકામાં બનતા કોકેન નામનું ડ્રગ્સ દુનિયાભરમાં નશા માટે જાણીતું છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એક કિલો કોકેનનો ભાવ 6 કરોડ રૂપિયા ચાલે છે. 305 ગ્રામ એમડીની સાથે ક્રાઈમ બ્રાંચને 51 ગ્રામ કોકેન પણ હાથ લાગ્યું છે. અમદાવાદ પોલીસના ઈતિહાસમાં પ્રથમ વખત કોકેન પકડાયું છે.