ગાંધીનગર,તા:૨૭ રાજ્યમાં એકતરફ સારો વરસાદ ખેડૂતો માટે શ્રેષ્ઠ સાબિત થઈ રહ્યો છે, તો સામાન્ય લોકો માટે મુશ્કેલીરૂપ સાબિત થયો છે. વરસાદના કારણે પલળી ગયેલી ડુંગળીએ પહેલાં લોકોને રડાવ્યા, તો ટામેટાંના ભાવ પણ લાલચોળ થતાં ગૃહિણીઓના બજેટ પર તેની સીધી અસર પડી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ચાલુ સિઝનમાં રાજ્યમાં સારો વરસાદ ધરતીપુત્રોમાં આનંદની હેલી લઈને આવ્યો છે. તો સામાન્ય પ્રજા માટે તે આફતની આંધી લઈને આવ્યો છે. વરસાદના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાયો છે અને તેના કારણે વિવિધ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. થોડા દિવસ પહેલાં ડુંગળીના ભાવ વધી જતાં લોકોની આંખોમાં પાણી આવી ગયાં છે. તો આજે છૂટક બજારમાં ટામેટાંના ભાવમાં પ્રતિ કિલો રૂ.55નો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.
ટામેટાંના ભાવ આસમાને
ભારે વરસાદના પગલે છૂટક બજારમાં ટામેટાંના ભાવમાં 55 રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહમાં ટામેટાંનો જે ભાવ હતો તેમાં સીધો 70 ટકાનો વધારો નોંધાયો છે. આ અંગે શાકભાજીના વેપારી અહેમદ પટેલ કહે છે, વરસાદના કારણે બજારમાં વિવિધ શાકભાજીની આવક ઓછી થઈ છે, ખાસ કરીને ટામેટાંની આવક ઘણી ઓછી રહી હોવાથી તેની સીધી અસર તેના ભાવ પર પડી છે. તેઓ કહે છે કે ગુરુવારે છૂટક બજારમાં ટામેટાંનો ભાવ 25 રૂપિયે કિલો હતો, જે આજે વધીને અંદાજે 65થી 70 રૂપિયે કિલો થઈ ગયો છે.
ટામેટાંની પેટીનો ભાવ સફરજન જેટલો
બજારમાં સફરજનનો ભાવ 70થી 80 રૂપિયે કિલો છે, જ્યારે ટામેટાંનો ભાવ પણ સફરજન જેટલો થઈ ગયો છે. આ સંજોગોમાં ગૃહિણીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તો બીજી બાજુ 25 કિલોની પેટીમાં આવતાં ટામેટાંના ભાવ પણ ઓછી આવકના કારણે વધી ગયા છે. સારી ગુણવત્તાનાં ટામેટાંની પેટી આજે રૂ.800માં પડે છે, જ્યારે નબળી ગુણવત્તાની પેટી રૂ.500માં પડે છે. ફ્રૂટમાર્કેટમાં સફરજનની પેટી પણ લગભગ આટલા જ ભાવમાં પડતી હોવાનું જાણવા મળ્યું છે.
હોલસેલ અને છૂટક બજારમાં ટામેટાંના ભાવ
હોલસેલ બજારમાં ટામેટાંના ભાવ 35 રૂપિયે કિલો છે, તો છૂટક બજારમાં ટામેટાં 70 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. ટામેટાંના ભાવ આસમાને પહોંચતાં સામાન્ય પ્રજાના ખિસ્સા પર ભારણ વધી ગયું છે. આ ભાવ હાલના સંજોગોમાં ઓછા થશે નહીં એવું વેપારી આલમ માની રહી છે, ત્યારે આવનારા દિવસો ગૃહિણીઓ માટે વધુ કઠિન બનશે.