બઢતીની કાર્યવાહી પૂર્ણ થતાં સાથે જ દારૂ-જુગારના અડ્ડા ઉપર ક્રોસ રેડનો ડીજીપીનો આદેશ

ગાંધીનગર,તા:૪

રાજયના પોલીસના મેળાપીપણાં વગર રાજયમાં કોઈ પણ સ્થળે દારૂ-જુગારના અડ્ડા શકય જ નથી, આમ છતાં આ આખા મામલામાં પોલીસ અને બૂટલેગર થપ્પો રમતા હોય તે પ્રમાણેની વર્ષોથી રમત રમી રહ્યા છે. આ રમતમાં માત્ર સ્થાનિક અને બૂટલેગર જ નહીં પણ ઉપરથી નીચે બધા આ રમતમાં  હેસીયત પ્રમાણેની રમત રમે છે. તાજેતરમાં પોલીસ સબઈન્સપેકટરમાંથી ઈન્સપેકટર તરીકે બઢતી આપવા માટે ડિપાર્ટમેન્ટ કમિટિ મળી રહી હોવાને કારણે સ્ટેટ મોનિટરિંગ સેલને અલિખિત આદેશ મળ્યો હતો કે રેડ ઉપર બ્રેક મારવી પણ હવે પ્રમોશનની કામગીરી પૂર્ણ થતાં સ્ટેટ મોનિટરિંગ સેલને ક્રોસ રેડ  કરવાનો આદેશ આપ્યો છે.

આપણે ત્યાં લાંચ રૂશ્વત બ્યૂરો જેવી જ હાલત  સ્ટેટ મોનિટરિંગ સેલની છે. આ એજન્સીમાં કામ કરતા નાના પોલીસ અધિકારીથી લઈ મોટા અધિકારીઓને ખબર છે કે આપણી અહિંયાથી બદલી થયા બાદ આપણે પાછા ખાખી કપડાં પહેરી પોલીસની કામગીરી કરવાની છે, જેના કારણે આ એજન્સીઓ પાસે જયારે પોલીસ વિરૂધ્ધની ફરિયાદ મળે ત્યારે કોઈને ભલામણ અથવા આદેશ ના હોય તો પણ તેમના હાથ ઠંડા પડી જાય છે. કારણ તેમણે પોતાના વિભાગના અધિકારી વિરૂધ્ધમાં કાર્યવાહી કરવાની હોય છે. જો કે, સ્ટેટ મોનિટરિંગ સેલમાં કામ કરવું મોભાદાર ગણાય છે તેવું એસીબીમાં નથી, એસીબીમાં સારા અધિકારીઓ નોકરી કરવા આવે તે માટે સિનિયર અધિકારીઓએ ખાસ્સી મહેનત કરવી પડતી હોય છે.

સ્ટેટ મોનિટરિંગ સેલમાં પોતાને તક મળે તે માટે કોન્સટેબલથી લઈ સિનિયર અધિકારીઓ પોતાની હેસીયત અને વગ પ્રમાણે જે કંઈ થઈ શકે તે કરી સેલમાં સ્થાન મેળવે છે. એટલે સ્વભાવિક મોનિટરિંગ સેલમાં તક મળ્યા પછી તે મેળવવા માટે જે કંઈ કર્યું છે તેનો હિસાબ માંડવો પડે. બીજી તકલીફ એવી છે કે સેલમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીને પોતાના જિલ્લા અને વિસ્તારના પોલીસ અધિકારીઓ પણ ઓળખતા હોય છે જેના કારણે ઘણી વખત સેલના દરોડાને કારણે તેમને નુકશાન થાય તેવું હોય ત્યારે તેઓ રેડ કરતા પહેલાં અગાઉથી જાણ કરી ધંધા બંધ કરાવી દેતા હોય છે. કારણ કે મોનિટરિંગ સેલમાં સાહેબ બદલાય એટલે આખો સ્ટાફ બદલાઈ જતો હોય છે અને દરેક નવા સાહેબ પોતાના વફાદારો સાથે લઈ આવતા હોય છે.

સાહેબની બદલી થાય એટલે પોતાની પણ થવાની અને ત્યાર બાદ પોતાના મૂળ જિલ્લામાં પરત જવાનું થાય ત્યારે નુકશાન સહન કરનારા જિલ્લાનો અધિકારી કિન્નાખોરી રાખે તેવો ડર પણ હોય છે. આમ આ પ્રકારના અનેક કારણસર મોનિટરિંગ સેલ અસરકારક કામગીરી કરી શકતો નથી.  હાલમાં મોનિટરિંગ સેલના અધિકારીઓને પૂર્વ-પશ્ચિમ- ઉત્તર-દક્ષિણ તેમ ચાર ભાગમાં ઝોન પાડી કામગીરી સોંપવામાં આવી છે, આમ સેલના અધિકારીએ પોતના ઝોનમાં કામગીરી કરવાની હતી, પણ ઝોન પ્રથાને કારણે અસરકારક કામ નહિ થતાં ડીજીપી દ્વારા  સેલને આદેશ આપવામાં આવ્યો કે તેમણે પોતાના ઝોન સિવાય બીજા ઝોનમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તીઓ ઉપર દરોડા પાડવાના છે. આમ હવે પૂર્વ ઝોનના અધિકારી ઉત્તરમાં દરોડા પાડે અને ઉત્તરના અધિકારી પશ્ચિમ ઝોનમાં દરોડા પાડવા લાગ્યા છે. જો કે, તેના કારણે ઘણા અધિકારીઓના સમીકરણ બગ઼ડી ગયા છે. આ પ્રથાનો તોડ પણ બહુ જલદી મળી જશે કારણ કે આપણને વિપરીત સ્થિતિને અનુકૂળ બનાવતા સારી રીતે આવડે છે.