બનાવટી મુઠભેડના ગુનામાં વણઝારા અને અમીનને છોડી મૂકાયા

ગુજરાત કેડરના પુર્વ આઈપીએસ અધિકારી ડી જી વણઝારા અને નરેન્દ્ર અમીનને 2004માં થયેલા ઈશરત ઝહાન સહિત 4 વ્યકિતઓના બનાવટી મુઠભેડના ગુનામાંથી મુકત કરવાનો અમદાવાદની સીબીઆઈ અદાલતે આદેશ કર્યો છે. તેમને આરોપી બનાવી તેમના વિરૂધ્ધ કરવામાં આવેલા આરોપનામા પહેલા તેમને સીઆરપીસી 197 પ્રમાણે રાજય સરકારની મંજુરી લીધી ન હોવાથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે. સીબીઆઈ કોર્ટ દ્વારા આ મામલે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ રાજયની મંજુરી વગર કાર્યવાહીનો મુદ્દો ગ્રાહ્ય રાખી તેમને મુકત કર્યા છે. વણઝારા અને અમીન સોરાહઉદ્દીન શેખના બનાવટી એન્કાઉન્ટર કેસના પણ આરોપી હતા. જેમાં મુંબઈની ખાસ અદાલતે તેમને ગત વર્ષે મુકત કર્યા હતા આમ તેઓ બીજા બનાવટી એન્કાઉન્ટર કેસમાંથી પણ નિકળી ગયા છે.

2004માં અમદાવાદ પોલીસ દ્વારા કોતરપુર વોટર વર્કસ પાસે ઈશરત સહિત જાવેદ, જીશાન અને અમઝદને ઠાર મારવામાં આવ્યા હતા, પોલીસનો દાવો હતો કે આ ચારે આંતકી હતા અને નરેન્દ્ર મોદીની હત્યાના ઈરાદે તેઓ આવ્યા હતા, આ મામલે ઈશરતની માતા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન કરી તપાસ માંગવામાં આવી હતી, આ અંગેની પહેલી તપાસ હાઈકોર્ટ દ્વારા નિયુકત ખાસ તપાસ દળે કરી હતી બાદમાં આ તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી, સીબીઆઈ પોતાની તપાસમાં એન્કાઉન્ટર બનાવટી હોવાનો દાવો કરી તમામ પોલીસ અધિકારીઓની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ કર્યુ હતું, સીબીઆઈનો દાવો હતો કે આ ચારે વ્યકિત પહેલાથી પોલીસ કસ્ટડીમાં હતી અને પોલીસે તેમની હત્યા કરી છે.

આ મામલે અગાઉ પુર્વ આઈપીએસ પી પી પાંડેયને પણ કોર્ટે મુકત કર્યા હતા જેને આધાર બનાવી વણઝારા અને અમીને પણ કોર્ટમાં અરજી કરી હતી તેમની સામે કાર્યવાહી કરતા પહેલા સીબીઆઈએ રાજય સરકારની મંજુરી લીધી નથી, જયારે સીબીઆઈની દલીલ હતી કે કોઈ સરકારી અધિકારી પોતાની ફરજના ભાગ રૂપે કોઈ કામ કરે અને ગુનો બને તો રાજયની મંજુરી જરૂરી છે પણ પરંતુ આ પોલીસ અધિકારીઓ હત્યા કરી હતી જે તેમની ફરજનો હિસ્સો ન્હોતો તેથી આ કેસમાં રાજયની મંજુરીની આવશ્યકતા નથી. સીબીઆઈ કોર્ટે લંબાણપુર્વક દલીલ સાંભળ્યા બાદ રાજયની મંજુરી જરૂરી છે તે મુદ્દો ગ્રાહ્ય રાખી વણઝારા અને અમીનને મુકત કર્યા છે.