અમીરગઢ, તા.૦૬
અમીરગઢ તાલુકાના કાકવાડા ગામની બનાસ નદીના પટમાં વાડી બનાવી વાવેતર કરવા માટે નદીમાં વહેતા પાણીના પ્રવાહને એક તરફી વાળી દેવાતાં અહીંથી પસાર થતા દાદી-પૌત્રીનો પગ લપસી જતાં બંને તણાવાં લાગ્યા હતા. આ દરમિયાન એકઠા થયેલા ગ્રામજનોએ બચાવી લઈ પાણીની પાળ તોડી દીધી હતી. કાકવાડા ગામની સીમમાં બનાસ નદીના પટમાં માળી સમાજના લોકો વાડી બનાવી વાવેતર કરતા હોય છે.
હાલ બનાસ નદીમાં પાણીનું વહેણ ચાલુ હોઇ જેસીબી દ્વારા નદીમાં ખોદાણ કરી આડી પાળ બાંધી પાણીના પ્રવાહને વાવેતર માટે એક તરફી કરી દેવાતાં ઉંડાઇ વધી ગઇ હોઈ લાલીબેન કાંતીજી આચણીયા તેમની પૌત્રી પ્રિન્સીબેન બળવંતજી ઠાકોર સાથે સવારે ખેતરમાં જવા માટે નીકળ્યા હતા. એ વખતે પાણીના વહેણમાં દાદીનો પગ લપસી જતાં દાદી સાથે પૌત્રી પણ તણાઇ હતી. ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ ઘટના સ્થળે દોડી જઇ આ દાદી-પૌત્રીને મહામુસીબતે બચાવ્યા હતા.