રાધનપુર, તા.04
તાજેતરના ભારે વરસાદના લીધે ત્રણ દિવસથી બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વહેતો થવાના કારણે નદીપારના પેદાશપુરા, ગડસઇ, અગીચાણા, જોરાવરગંજ બિસ્મિલાગંજ પાર્ટી વાદળીથર સહિત નાની ગામડીઓના રાધનપુર સાથે ટુંકા અંતરના રસ્તા બંધ થઇ જતાં લાંબું અંતર કાપીને આવવા જવાની ફરજ પડી રહી છે ત્યારે બાંધકામ ફરીથી શરુ કરાય તેવું ગામલોકો ઇચ્છી રહ્યા છે.
સરકાર દ્વારા બનાસ નદી ઉપર બે વર્ષ અગાઉ ૨૫ કરોડના ખર્ચે પુલનું કામ મંજુર કરેલ હતું પણ આ કામ હજી પૂર્ણ થયેલ નથી. આ કામ મહેસાણાના રાધે કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવતાં તે કામ ચાલુ પણ કરી દેવામાં આવ્યું હતું પણ જમીન સંપાદનના પ્રશ્ને અધૂરૂ પડ્યું છે અને કોન્ટ્રાકટર દ્વારા કરાયેલ ડાયવર્ઝન પણ નદીમાં જ હોવાથી પાણી આવવાને કારણે તે રસ્તો પણ બંધ થઈ ગયો છે. આવી સ્થિતિમાં લોકોને રોજીંદી ખરીદી કરવા માટે ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
ગામડાના રહીશો 20 કીમી દૂરના વારાહી આવી શકતા નથી અને અમરાપુર બાસ્પા થઈ રાધનપુર ૬૦ કિલોમીટર અંતર કાપી ખરીદી કરવા માટે જવું પડે છે. અબિયાણા સરપંચના જણાવ્યા મુજબ હાલ નદીનું પાણી ધોળકડા થઈ અબિયાણા સુધી પહોંચી ગયું છે. બનાસ નદીમાં પાણી આવવાને કારણે તે બાજુના ખેડૂતોને બધો પાક બળી ગયો છે તેવું પણ તેઓએ જણાવ્યું હતું.