અમદાવાદ, તા.1
બર્થ-ડેની પાર્ટી આપવા માટે સ્કોચ વ્હીસ્કી અને 20 બિયર લઈને જઈ રહેલા બે યુવકોને સોલા પોલીસે ભાડજ સર્કલ પરથી ઝડપી લીધા છે. ધ્રુવ પટેલનો બર્થ ડે નિમિત્તે મિત્રોને પાર્ટી આપવા માટે દારૂ-બિયરનો જથ્થો લઈને નિયત સ્થળે પહોંચે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો. ધ્રુવની સાથે કારમાં હાજર તેના મિત્ર જય પટેલની પણ પોલીસે ધરપકડ કરી છે. બંને યુવકો સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા છે.
સોલા પોલીસે સોમવારે રાતે ભાડજ સર્કલ પર અર્થ રિટેલ કોમ્પ્લેક્સ ખાતે પાર્ટી માટે બાયટિંગ અને સોડા-કોલ્ડડ્રિંક્સની બોટલ ખરીદવા ઊભા રહેલા બે યુવકોની કારની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન સોલા પોલીસને કારમાંથી એક સ્કોચ વ્હીસ્કીની બોટલ અને બિયરનાં 20 ટિન મળી આવ્યાં હતાં. જે કબજે લઈ ધ્રુવ કનુભાઈ પટેલ (રહે.તક્ષશિલા હોમ્સ, કારગિલ પેટ્રોલપંપની ગલીમાં, સોલા) અને જય કનૈયાલાલ પટેલ (રહે. વૃંદાવન બંગલોઝ વિભાગ-2, શેલ પેટ્રોલપંપ સામે, થલતેજ)ની ધરપકડ કરી છે.