વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવેલી ડિપોઝીટ પરત ન આપવા માટે કોલેજ સંચાલકો આખરે હાઇકોર્ટના શરણે

ગાંધીનગર,તા.1

રાજયની ટેકનિકલ કોલેજોની ફી નક્કી કરવા માટે રચવામાં આવેલી ફી નિર્ધારણ કમિટીએ કોઇપણ કોલેજને નિર્ધારીત કરેલી ફી કરતાં વધારે કોઇ રકમ ન લેવા આદેશ કર્યો હતો. આમછતાં મોટાભાગની કોલેજોએ વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદે ડિપોઝીટ અને કોશનમની ઉઘરાવી હતી. વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે એફઆરસી દ્વારા આ તમામ કોલેજોને ફી પરત આપવા અને હવે પછી આવી ફી વસુલવામાં નહી આવે તેવી બાંયેધરી આપવા તાકીદ કરી હતી. જેના કારણે હાલમાં ૫૦૦થી વધારે કોલેજોએ ગેરકાયદે વસુલ કરેલી ફી પરત આપી દીધી છે. આ સિવાય બાંયેધરી પણ આપી દીધી છે. પણ ૧૫૦થી વધારે કોલેજો એવી છે કે જેઓએ હજુસુધી આવી કોઇ કાર્યવાહી કરી નથી. ઉલટાનુ એફઆરસીની સામે હાઇકોર્ટમાં જતાં કોર્ટ દ્વારા આગામી તા.૧૪મી સુધી આ કોલેજો સામે કોઇ કાર્યવાહી ન કરવા તાકીદ કરી છે. ફીના મુદ્દે હવે કાયદાકીય જંગ ઉભો શરૂ થઇ ચુક્યો છે.

ડીપોઝીટ પરત કરવા એફઆરસીનો આદેશ

ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા દરેક ટેકનિકલ ડિપ્લોમા ઇજનેરીથી લઇને એમબીએ સુધીની કોલેજોની ફી નક્કી કરવામાં આવે છે. આ ફી નક્કી કરતી વખતે તેમાં તમામ પ્રકારની ખર્ચને આવરી લેવામાં આવે છે. આ ફી જાહેર કર્યા પછી કોલેજોએ વિદ્યાર્થીઓ પાસેથી કોઇ વધારાની ફી લેવાની રહેતી નથી. છતાં પણ મોટાભાગના કોલેજોએ વિદ્યાર્થીઓ પાસેથી ડિપોઝીટ પેટે કેટલીક રકમ ઉઘરાવી હતી. આ રકમ ૧૦ હજાર રૂપિયાથી લઇને ૩૦ હજાર રૂપિયા સુધીની હતી. કેટલાક વિદ્યાર્થીઓએ આ મુદ્દે એફઆરસી સમક્ષ ફરિયાદ કરી હતી. જેના લીધે એફઆરસીએ નિર્ધારીત સમયમાં કોલેજોને એવી તાકીદ કરી હતી કે વિદ્યાર્થીઓને તેની ફી પરત આપી દેવામાં આવે. આ આદેશ પછી પણ મોટાભાગની કોલેજોએ આ કાર્યવાહી ન કરતાં એફઆરસીએ દરેક કોલેજોને નોટિસ ફટકારી હતી. જેના અનુસંધાનમાં મોટાભાગની કોલેજોએ વિદ્યાર્થીઓ પાસેથી વસુલ કરેલી ડિપોઝીટ પરત આપવાનુ શરૂ કર્યુ હતુ

150થી વધુ કોલેજોએ ડીપોઝીટ પરત ના કરી

પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે કુલ ૬૨૦ કોલેજો પૈકી ૫૦૦થી વધારે કોલેજોએ વિદ્યાર્થીઓને ડિપોઝીટ પણ પરત આપી દીધી છે. તાજેતરમાં એફઆરસીએ કરોડો રૂપિયાની ફી પરત આવ્યાની સત્તાવાર જાહેરાત પણ કરી હતી. મહત્વની વાત એ કે હજુસુધી ૧૫૦થી વધારે કોલેજો એવી છે કે જેઓએ વિદ્યાર્થીઓની ડિપોઝીટની રકમ પરત આપવાના બદલે ડિપોઝીટ ઉઘરાવવી તે પોતાનો હક્ક છે તેવો દાવો કરીને હાઇકોર્ટમાં રીટ કરી દીધી છે. હાઇકોર્ટ દ્વારા આ કિસ્સામાં આગામી તા.૧૪મી સુધી એફઆરસીને કોઇ કાર્યવાહી ન કરવા આદેશ કરવામાં આવ્યો છે. બીજીબાજુ એફઆરસીએ આ કોલેજો સામે દંડનાત્મક કાર્યવાહીની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આગામી દિવસોમાં જીટીયુ સહિત સત્તાસ્થાનોને આ કોલેજોની મંજુરી ન આપવા પણ સૂચના આપવાની તૈયારી શરૂ કરી છે.