બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરાઇ હતી તે ફરીથી લેવામાં આવશે.

બિન સચિવાલય કલાર્કની પરીક્ષાને લઇને લાખો વિદ્યાર્થીઓ સામે રાજ્ય સરકારે ઝુકવું પડ્યું છે, પરીક્ષા રદ્દ કર્યા બાદ જોરદાર વિરોધ થતા હવે સરકારે ધોરણ-12 પાસ વિદ્યાર્થીઓને આ પરીક્ષા આપવા માટે મંજૂરી આપી છે, ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે કે ધોરણ-12 પાસ અને સ્નાતક કક્ષાના ઉમેદવારો આગામી 17 નવેમ્બર રવિવારે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં બેસી શકશે, જે ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે, તેમને ફરીથી કોઇ અરજી કરવાની રહેશે નહીં અને 3171 કેન્દ્રો પર તેઓ પરીક્ષા આપી શકશે.

નિતીન પટેલે જણાવ્યું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય કલાર્કની જે પરીક્ષા રદ કરાઇ હતી તેની સામે ઉમેદવારોએ, વિદ્યાર્થી મંડળો અને ભાજપનાં નેતાઓએ રાજ્ય સરકારને રજૂવાત કરી હતી કે પરીક્ષામાં ઉમેદવારો તૈયારી કરી છે, જેથી તેમને અન્યાય ન થવો જોઇએ, જેને ધ્યાનમાં લેતા સરકારે આ નિર્ણય કર્યો છે.

વિદ્યાર્થીઓએ નવી કોઈ પ્રક્રિયા કરવી પડશે નહીં

ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળના ચેરમન અસિત વોરાએ જણાવ્યું છે કે, પરીક્ષામાં ઉમેદવારોએ ફરીથી ફોર્મ ભરવાની જરૂર નથી, કોલ લેટર આજે જ વેબસાઈટ પર મુકી દેવામાં આવશે, જે વિદ્યાર્થીઓને ઓજસની વેબાસાઈટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે, તમામ વિદ્યાર્થીઓને જૂના સેન્ટર મુજબ પરીક્ષા આપવાની રહેશે. જે ઉમેદવારોએ અરજી કરી છે તે તમામ પરીક્ષા આપી શકશે, જો કે 12 પાસ વિદ્યાર્થીઓને આ એક જ મોકો આપવામાં આવ્યો છે, હવે પછીની પરીક્ષામાં નિયમો બદલાશે તો નવાઇ નહીં હોય.