રાજયમાં છેલ્લા બે વર્ષમાં પાંચ સ્થળે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. જેની પાછળ કુલ 3.85 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હોવાનું રાજ્યના પ્રવાસન મંત્રીએ લેખિતમાં જણાવ્યું હતું.
વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે, તા. 31-03-2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્યમાં ક્યાં ક્યાં સ્થળે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું? અને તેની પાછળ સ્થળ દીઠ કેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો.
જે અંગે રાજીના પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ લેખિતમાં જવાબ આપ્યો હતો કે, તા. 01-04-2017થી તા. 31-03-2018 દરમિયાન તિથલ અને માંડવીમાં બીચ ફેસ્ટિવલ યોજાયા હતા. જેની પાછળ અનુક્રમે 75.53 લાખ અને 78.33 લાખ મળીને કુલ 153.86 લાખ રૂપિયાનો ખર્ચ કરાયો હતો.
જ્યારે તા. 01-04-2018થી તા. 31-03-2019 દરમિયાન તિથલ, સુવાલી અને માધવપુર ખાતે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. જેની પાછળ અનુક્રમે 86.43 લાખ,73.35 લાખ અને 72.09 લાખ મળીને કુલ 231.87 લાખ રૂપિયાનો ખર્ચ કરાયો હતો. આમ છેલ્લા બે વર્ષમાં પાંચ સ્થળે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું જેની પાછળ કુલ 385.87 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.