બુલેટ ટ્રેનની જમીન માટે વડી આદાલતનો ચૂકાદો તૈયાર, હવે જાહેર થશે

બુલેટ ટ્રેનને બહુ રાજ્ય પ્રોજેક્ટ જાહેર કરી કેન્દ્ર સરકારના જમીન વળતર અંગેના કાયદા લાગુ કરી ખેતીની જમીનની હાલની બજાર કિંમતનાં 400 ટકા રકમ વળતર આપવા અને તેના પર 25 ટકા વધારાનાં વળતરની જોગવાઈ પ્રમાણે ખેડૂતોને વળતર આપવાની માંગણી વડી અદાલતમાં કરવામાં આવી છે. જમીનની બજાર કિંમત મુજબ પુરેપૂરૂ વળતર મળવું જોઈએ. આ બાબતે કોર્ટમાં અનેકવેળા સુનવણી થઈ ચૂકી છે. 7 ફેબ્રુઆરીએ જેનો ચૂકાદો જાહેર થવાનો હતો. પણ તે જાહેર થયો નથી. ચૂકાદો બહુ લાંબો હોવાથી તે હજુ ટાઈપમાં છે. તેથી હવે પછી તે ચૂકાદો જાહેર કરવામાં આવે એવી શક્યતા જોવામાં આવી રહી છે.
હાઈકોર્ટના ચૂકાદા પર ખેડૂતોની નજર મંડાયેલી છે. ખેડૂતોએ અપીલ કરી હતી કે, જમીનની કિંમત મળવી જોઈએ અને જંત્રી મુજબ કિંમત ચુકવવા બાબતનું જાહેરનામું રદ્દ થવું જોઈએ. આ અંગે ગઈકાલે નવસારીમાં જંગી રેલીમાં એક હજારથી વધુ ખેડૂત પરિવારો જોડાયા હતા. નવસારી સ્વપ્નલોક સોસાયટીથી કલેકટર કચેરી સુધી નીકળેલી રેલીમાં મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી. નવસારી કલેકટર પ્રાંત અધિકારી, જમીન સંપાદન અધિકારીને આવેદન પાઠવ્યું હતું.
વળતર એવોર્ડની કાર્યવાહી કરવા નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન, માર્ગ મકાન વિભાગ, વિજ કંપની તેમજ ખેડૂતોનાં પ્રતિનીધીઓનું વિભાગીય સંકલન કરવા, ખેડૂતોને થનારા નુકસાનનાં વળતર બાબત કાયદા-નિયમો ઝડપી બનાવવા માંગણી કરી હતી. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મલ્ટી સ્ટેટ પ્રોજેક્ટ હોવાથી તેમાં કેન્દ્ર સરકારનાં કાયદા મુજબ જમીન સંપાદન કરવી જોઈએ. ભારત સરકારનાં જમીન સંપાદન કાયદા 2013 મુજબ જાહેરહિત નાં કોઈપણ પ્રોજેક્ટ બાબત જમીન સંપાદન કરવાની થાય ત્યારે તેના કારણે વિસ્થાપિત થનારાંઓને પુનર્વસન કરવાનું હોય છે. જે અંગે કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી કે તેની જાણકારી અપાઈ નથી. આથી આ જાહેરનામું રદ્દ કરી પુનઃર્વસનની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. જમીનનાં સંપાદન થવાથી તેની સામાજીક અસરોનું કાયદેસર અવલોકન થવું જોઈએ. આવી માંગણી ખેડૂતોએ કરી છે.