ગાંધીનગર,તા:૨૭ અમદાવાદ અને મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાના પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીન સંપાદનમાં વિધ્ન આવતાં હવે રાજકીય નેતાઓ મેદાને ઉતર્યા છે. ભાજપના જ એક ધારાસભ્યએ ખેડૂતોને જંત્રીદર કરતાં સાત ગણું વળતર આપવાની દરખાસ્ત કરી છે જેને જિલ્લા કલેક્ટરે માન્ય રાખી સરકારમાં મોકલી આપી હોવાનું જાણવા મળ્યું છે.
સુરત જિલ્લાના કલેક્ટર ધવલ પટેલે સરકારને કહ્યું છે કે સરકાર દ્વારા નિર્ધારિત જંત્રીના દરો કરતાં વધુ દરો ખેડૂતોને આપવામાં આવે કે જેથી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે જમીન સંપાદન થઇ શકે. આશ્ચર્યની બાબત એવી છે કે સુરત જિલ્લાના આઠ ગામડાઓમાં ખેડૂતો વધારે વળતરની માગણી કરી રહ્યાં છે અને તેનું પ્રતિનિધિત્વ ખુદ ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલ કરી રહ્યાં છે.
બુલેટ ટ્રેન માટે સુરતના જિલ્લાના 28 ગામોની જમીન સંપાદન કરવાની થાય છે. ગુજરાત ખેડૂત સમાજના બેનર હેઠળ આ જિલ્લાના ખેડૂતોએ જમીન આપવાનો વિરોધ કર્યો છે. આ વિરોધ કરવાનું મુખ્ય કારણ જંત્રીના ઓછા દરો છે. આ ખેડૂતોએ જમીન સંપાદન માટે આવેલા અધિકારીઓને સંપાદનની અનુમતિ આપી નથી. આ વિસ્તારમાં જંત્રીદર 2011 થી અમલી બનાવવામાં આવેલા છે. જો કે આ ગામોની જમીનમાં પડોશી ગામોની જમીન સામે જંત્રીદરોમાં વિસંગતતા હોવાનું સામે આવતા ખેડૂતો જમીન આપવા તૈયાર થતાં નથી.
જિલ્લા કલેક્ટરે કહ્યું છે કે આ આઠ ગામોની જમીનમાં જંત્રીના દરો પ્રતિ ચોરસમીટર 100 રૂપિયા અથવા તો તેના કરતાં ઓછા છે. અમે જે દરખાસ્ત મોકલી છે તેમાં 708 રૂપિયે પ્રતિ ચોરસમીટરનો દર લાગુ કરવાની માગણી કરી છે. આ ગામોના 150 જેટલા ખેડૂતો પાસેથી જમીન સંપાદન કરવાની થાય છે.
ઓલપાડ તાલુકાના ચાર ગામો કુસાદ, કામમાલી, કટોદરા અને મુદાદમાં 130થી વધુ ખેડૂતોનું પ્રતિનિધિત્વ ઓલપાડ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય મુકેશ પટેલ પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. તેમણે સરકારમાં કહ્યું છે કે ખેડૂતોને જંત્રીદર કરતાં વધારે ભાવ આપવામાં આવશે તો તેઓ જમીન આપવા માટે તૈયાર છે.
મુકેશ પટેલ કહે છે કે મારી ખેડૂતો સાથે વાત થઇ છે અને તેઓને જંત્રીના ઓછા દરોનો વિરોધ છે. મેં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ મહેસૂલ મંત્રી કૌશિક પટેલને અનુરોધ કર્યો છે કે આ ખેડૂતોને જંત્રીદર કરતાં વધારે દરો આપવામાં આવે તો તેઓ તેમની જમીન આપવા તૈયાર છે. આ રજૂઆત પછી રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટર ધવલ પટેલને અધિકારીઓની બેઠક કરવાની સૂચના આપી હતી. જમીન સંપાદનમાં વળતરના ભાવ નક્કી કર્યા પછી ધવલ પટેલે સરકારમાં એવી દરખાસ્ત કરી છે કે ખેડૂતોને જંત્રીદરના સાત ગણા ભાવ ચૂકવવાની સંમતિ જોઇએ છે. હવે સરકાર જંત્રીદરના સાત ગણા દર આપવા માટે સંમતિ આપવાનું વિચારી રહી છે.
મહત્વની બાબત એવી છે કે સુરતના આ ચાર ગામોની જમીનમાં વળતરના દરો વધારવામાં આવશે તો આ જિલ્લાના બાકી ગામોની જમીનના દરો પણ સરકારે સુધારવા પડશે, કારણ કે હજી બીજા એવાં ગામો છે કે જ્યાં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરવાની થાય છે.
બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરવા માટે સરકારે એક વિસ્તારમાં જંત્રીદરથી 52 ટકા વધુ દરો આપેલા છે. ગુજરાતમાં જમીન સંપાદન ઝડપથી કરવાની કેન્દ્રની સૂચના પછી ગુજરાત સરકાર માગણી પ્રમાણે જંત્રીદરો કરતાં અનેકગણા ભાવ ખેડૂતોને આપવા તૈયાર થઇ છે ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વળતરની રકમમાં અલગ અલગ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી રહી છે.
ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલે કહ્યું હતું કે અમને આશા છે કે બુલેટ ટ્રેનના કોરિડોરમાં આવતી સુરતના ગામડાઓની જમીનમાં ખેડૂતોને સરકાર માગણી પ્રમાણેનું વળતર આપશે. અમે જિલ્લા કલેક્ટર સાથે રહીને દરો નક્કી કર્યા છે. આ દરખાસ્ત પર રાજ્ય સરકાર ઉચિત નિર્ણય લેશે.