કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનમાં રેલવે પોલીસ ડબ્બાંઓનું ચેકીંગ કરી રહી ત્યારે કોચ નં.સી-૪માં પેન્ટ્રી કારનો કેટલોક સામાન પડ્યો હતો. ગીફ્ટ પેક કરેલાં કેટલાંક ખોખાં પડેલાં હતા. શંકા જતાં પોલીસને એમ કે પેકેટોમાં વિસ્ફોટકો હોઈ શકે છે. રેલવે પોલીસે તાત્કાલિક ડોગ સ્કવોડને બોલાવી હતી. પેકેટો ખોલવામાં આવતાં બોંબના બદલે વિદેશી દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. કાલુપુર રેલવે પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બુટલેગરો અવનવી મોડસ ઓપરન્ડી વાપરી વિદેશી દારૂનો જથ્થો અમદાવાદમાં લાવી તેની હોમ ડિલિવરી કરવાં લાગ્યાં છે. છેલ્લાં કેટલાંક સમયથી અન્ય રાજ્યોમાંથી આવતી ટ્રેનોમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે.
દારૂનો જથ્થો કોણે ટ્રેનમાં મૂક્યો તે અંગે તપાસ શરૂ કરી છે. અને તમામ રેલવે સ્ટેશનો પરનાં સીસીટીવી ફુટેજા મેળવવાનાં પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યાં છે. ટ્રેન મારફતે ડ્રગમાફીયાઓ ડ્રગ્સની ખુલ્લેઆમ હેરાફેરી કરતાં હોય છે પરંતુ રેલવે પોલીસ દ્વારા ડ્રગમાફીયાઓ વિરૂદ્ધ સઘન ઝુંબેશ શરૂ કરતાં હવે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી શરૂ કરવામાં આવી છે.
કેટલાંક દિવસથી અન્ય રાજ્યમાંથી આવતી ટ્રેનોમાં રેલવે પોલીસ દ્વારા સઘન ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યો છે. ભાંગફોડ કરવાનાં ઈરાદે આતંકી હુમલા કરાવવાની દહેશત સેવાઈ રહી છે. ત્યારે બોંબની જગ્યાએ દારૂ મળી આવ્યો હતો.