ગાંધીનગર, તા. 18
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાકવીમાની રકમ નહિ ચૂકવવા બદલ દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને ચાર વર્ષ બાદ બ્લેક લિસ્ટ કરી છે. ચાર વર્ષ સુધી સરકારે કેમ કોઈ પગલાં ન ભર્યા અને હવે પગલાં ભર્યા તો ખેડૂતોને નુકશાન થયું છે તેનું પૂરેપૂરું વળતર કોણ ચૂકવશે એવા સવાલો ઉઠી રહ્યા છે.
કેમ કરી બ્લેક લિસ્ટ?
વર્ષ 2017માં ગુજરાતમાં કેટલાંક જિલ્લાઓમાં અતિવૃષ્ટિ અને પૂર હોનારતના કારણે ખેડૂતોના ઊભા મોલને ભારે નુકશાન થયું હતું. આ સંદર્ભે વખતોવખતની રજૂઆતોના પગલે એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ કંપની દ્વારા કુલ 1.02 લાખ ખેડૂતો પૈકી માત્ર 24 હજાર ખેડૂતોને 32.04 કરોડ જ ચૂકવવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ખેડૂતોના દાવા કંપની દ્વારા નામંજૂર કરવામાં આવ્યા હતા. આ સંજોગોમાં રાજ્ય સરકારે રૂ. 36.11 કરોડનું પ્રિમીયમ પણ ભર્યું હતું. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં અંદાજે વિવિધ જિલ્લાઓમાં ખેડૂતો અને સરકાર દ્વારા 1 એપ્રિલ 2016થી ઓગસ્ટ 2018 સુધી વીમા કંપનીઓને રૂ. 9000 કરોડના પ્રિમિયમ ભરવામાં આવ્યા છે. જેમાંથી વીમા કંપનીઓએ માત્ર 3200 કરોડ રૂપિયા જ આપ્યા છે. ટૂંકમાં ખેડૂતોએ જે પ્રિમિયમ ભર્યું તે જ પરત આપ્યું છે.
કેન્દ્રના આદેશને પણ ઘોળીને પી ગઈ કંપની
પ્રઘાન મંત્રી ફસલ વિમા યોજના અંતર્ગત એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીએ વિમાનુ પ્રિમિયમ કાપ્યું, સબસીડી પણ સરકાર પાસેથી મેળવી પણ 2017માં અતિવૃષ્ટિ અને પૂર હોનારતમાં ખેડૂતોને થયેલા નુકશાનીનું વળતળ ન મળતા અવાર નવાર સરકારમાં ઠોસ રજૂઆત કરી ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટેમાં પણ આ મામલે રિટ કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણમાં પણ એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ કંપની સામે ફરિયાદ કરાઈ હતી. આ અંગે રાજ્યના કૃષિ પ્રધાન આર. સી. ફળદૂ કહે છે કે, મળેલી ફરિયાદોના આધારે રાજ્ય સરકારે પણ વીમા કંપનીને અવારનવાર ખેડૂતોના પાકવીમાની રકમ ચૂકવવા આદેશ કર્યો, આટલું ઓછું હોય એમ કેન્દ્ર સરકારે પણ આ મામલે એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને આ મામલે તાકીદે પાકવીમા રકમ ચૂકવી દેવા આદેશ કર્યો તેમ છતાં પણ કંપની દ્વારા કોઈ રકમ ન ચૂકવી, ગુજરાત હાઈકોર્ટે પણ થયેલી અરજીના ચુકાદામાં કંપની સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો. આ સંદર્ભમાં રાજ્ય સરકારે આ કંપનીને બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના
દેશમા 1 એપ્રિલ 2016થી પ્રઘાન મંત્રી ફસલ વીમા યોજના અમલમાં આવેલ તેમાં જે ખેડૂતોએ પાક ધીરાણ લોન લીધી હોય તેને ખરીફ પાકમાં 5 ટકા પ્રિમિયમ કપાવેલું અને સરકાર દ્વારા પણ ઊંચી સબસીડી વીમા કંપનીઓને આપવામાં આવી હતી. તેમ છતાં 2017માં જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠામાં સતત વરસાદ અને પૂર હોનારતના કારણે સેંકડો ખેડૂતોના સંપૂર્ણ પાક નિષ્ફળ જતાં સરકારે આર્થિક મદદ કરી હતી, પણ વીમા કંપનીઓએ ખેડૂતોને મદદ નહોતી કરી.
વખતોવખત થઈ હતી રજૂઆત
આ મામલે ખેડૂતો દ્વારા અવારનવાર સરકારના જે તે કક્ષાએ રજૂઆતો કરીને આ મામલે યોગ્ય નિર્ણય કરી ખેડૂતોને પાકવીમાની રકમ ચૂકવવા વિનંતિ કરી હતી. પરંતુ સરકારની વાત પણ આ વીમા કંપનીઓ દ્વારા ગણકારવામાં આવતી નહોતી. ત્યારે હવે જ્યારે સરકાર દ્વારા એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સને બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય કરાયો છે ત્યારે ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે.
ખેડૂતોને પૂરું વળતર કોણ આપશે?
સરકાર દ્વારા એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સને બ્લેક લિસ્ટ કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા આ પગલું ભરીને વાહવાહી લૂંટવાની શરૂઆત કરી દેવાઈ છે. પરંતુ આ કંપની પાસેથી જે ખેડૂતોને પાકવીમાની રકમનું પૂરેપૂરું વળતર હવે કોણ ચૂકવશે તે અંગે દ્વિધાભરી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. આ અંગે ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલાને પૂછતાં તેમણે કહ્યું કે, સરકારે જે કંપનીને બ્લેકલિસ્ટ કરી છે તે આવકાર્ય છે. પરંતુ ખેડૂતોને તેમના વળતરની રકમ કોણ આપશે. તેઓ ઉમેરે છે કે, રાજ્યના કૃષિ વિભાગમાં આ મામલે રજૂઆત કરી છે અને તેમણે એમ કહ્યું છે કે, સરકાર આ મામલે વિચારણા કરી રહી છે. અને આગામી દિવસોમાં તે અંગેનો નિર્ણય કરી દેવામાં આવશે. આ સંદર્ભે રાજ્યના કૃષિ નિયામક ભરત મોદીનો 9099916222 ઉપર સંપર્ક સાધ્યો પણ તેમણે કોઈ પ્રતિક્રિયા ન આપતાં જનસત્તાએ તેમને મેસેજ મોકલ્યો હતો તો તેના જવાબમાં તેમણે એવું લખ્યું હતું કે, એક બેઠક માટે હેડક્વાર્ટરથી બહાર છું.