બિન સચિવાલય કલાર્કની તાજેતરમાં ભરતી પ્રક્રિયામાં લાખો યુવાનો પરીક્ષાર્થી હતા, પુરાવા સ્પષ્ટ હોવા છતાં સરકાર દ્વારા સીટ (SIT)ના નામે ૧ મહિના જેટલા સમય પસાર કરી કૌભાંડીઓને રાજકીય રક્ષણ આપવામાં આવ્યું. ગેરરીતિ, પેપર ફૂટવાના સ્પષ્ટ પુરાવાના કારણે બિનસચિવાલય કલાર્ક પરીક્ષા રદ્ કરવાની ફરજ પડી છે, જેને ગુજરાતના વિદ્યાર્થીઓ – યુવા શક્તિનો વિજય ગણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, સરકારી નોકરીઓમાં મોટા પાયે ગેરરીતિ, કૌભાંડોથી સાચા યુવાનોને માત્ર તક નથી ગુમાવતા, તેની આખી જીંદગી સાથે ચેડા થાય છે. ગુજરાતમાં સરકારી નોકરીઓમાં પોતાના મળતિયાઓને પાછલા બારણે ગોઠવણ કરીને લાખો યુવાનોને અન્યાય સાથોસાથ ગુજરાતના વિવિધ વિભાગોની કામગીરી પર પણ ગંભીર અસર પડી રહી છે.
બિનસચિવાલય કલાર્ક પરીક્ષાના ગેરરીતિના પુરાવાઓ – સી.સી.ટી.વી. ફુટેજ એન.એસ.યુ.આઈ. દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસપક્ષે વિધાનસભા કૂચ દ્વારા રાજ્યના યુવાનોના હિતમાં આક્રમક રેલી કરી હતી. વિધાનસભા અને વિધાનસભાની બહાર કોંગ્રેસપક્ષે સતત ગુજરાતના યુવાનોને ન્યાય મળે તે માટે સમર્થન આપ્યું હતું. રાજ્યમાં છેલ્લા પંદર વર્ષમાં વિવિધ વિભાગોમાં તમામ વર્ગની ભરતીમાં મોટા પાયે ગેરરીતિ – ગોઠવણ – નાણાંકીય લેતી દેતી દ્વારા પાછલા બારણે ટૂંકા રસ્તાથી નોકરીઓ કૌભાંડના તાર ગાંધીનગરના મંત્રી – મુખ્યમંત્રી સુધી પહોંચે છે. ગુજરાતમાં સરકારી નોકરીઓ – ભરતીઓમાં મધ્ય પ્રદેશની ભાજપ સરકારના વ્યાપમ કૌભાંડ કરતાં પણ વધુ મોટું વ્યાપક કૌભાંડ ગુજરાતની ભાજપા સરકાર આચરી રહી છે. મોંઘુ શિક્ષણ મેળવી ભવિષ્યમાં રાજ્યના વિવિધ વિભાગોમાં વહીવટી સેવામાં પોતાની કારકિર્દી ઘડવા માંગતા લાખો યુવાન – યુવતીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. ભાજપ શાસકો વિવિધ ભરતીઓમાં થતી ગેરરીતિ અને નાણાંકીય લેતી દેતી અંગે મળેલી ફરિયાદો પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળસહિતના ભરતી બોર્ડો ભ્રષ્ટાચારનાં એપીસેન્ટર છે. રાજ્યના વિવિધ વિભાગોમાં સીધી ભરતીમાં ગેરરીતિ, ગોટાળા અને મેરીટમાં ગોલમાલના કારણે મહેનત કરીને સરકારી નોકરી મેળવવા માંગતા ગુજરાતના લાખો યુવાન-યુવતીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. ત્યારે જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાની વિશ્વસનીયતા સામે મોટો પ્રશ્ન છે. વિદ્યાર્થીઓના ભવિષ્યના હિત માટે પરીક્ષામાં ગેરરીતિ અને ગોઠવણ અટકે તે જોવાની જવાબદારી રાજ્ય સરકારની છે.
ગુજરાત સરકાર દ્વારા વર્ગ-૩ની સરકારી નોકરી માટે ધોરણ-૧૨ પાસ વિદ્યાર્થીઓને બદલે સ્નાતકની શૈક્ષણીક લાયકાત કરવાના ભાજપ સરકારના નિર્ણયને પરત ખેંચવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર બેરોજગારીનો આંકડો ઓછો દેખાડવા વર્ગ-૩ ની સરકારી નોકરી માટે ધોરણ-૧૨ પાસ વિદ્યાર્થીઓને બાકાત રાખી રહી છે. ગુજરાત સરકાર દ્વારા વર્ગ-૩ ની સરકારી નોકરી માટે ધોરણ-૧૨ પાસ વિદ્યાર્થીઓને બાકાત રાખવાથી અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના અને ખાસ કરીને દલિત, આદિવાસી અને બક્ષીપંચના વિદ્યાર્થીઓને અન્યાય થશે. ગુજરાત સરકારની વર્ગ-૩ ની સરકારી નોકરીમાં ધોરણ-૧૨ પાસ વિદ્યાર્થીઓનો સમાવેશ કરો.
સરકારી ભરતી પ્રક્રિયામાં કૌભાંડો અટકે તે માટે પંચાયત સેવા પસંદગી મંડળ અને ગૌણ સેવા પસંદગી મંડળ જેવા ભરતી બોર્ડો તાત્કાલીક વિખેરી નાખવા જોઈએ. સમગ્ર ભરતી પ્રક્રિયા નામદાર હાઈકોર્ટના સીટીગ જજની સમિતિ દ્વારા સીધી દેખરેખ હેઠળ કરવી જોઈએ જેથી કોઈ ગેરરીતિ થાય તો જે તે સામે તાત્કાલીક કાર્યવાહી કરી શકાય અને જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતના યુવાનોનો વિશ્વાસ પુનઃ સ્થાપિત થાય.