અમદાવાદથી 40 કિલોમીટર દૂર બાવળા-આદરોડા રોડ પર આવેલા કિંગ્સ વિલામાં આવેલા 100 નંબરના બંગલામાં ગ્રામ્ય પોલીસે દરોડો પાડી 10 નબીરાઓને મહેફિલ માણતા ઝડપી લીધા છે. ભાજપના કાર્યકરે જન્મદિવસ નિમિતે મિત્રો માટે કિંગ્સ વીલામાં શરાબની મહેફિલ ગોઠવી હતી. પોલીસે રેડ દરમિયાન સ્કોચ વ્હીસ્કીની બોટલો, 6 કાર, મોબાઈલ ફોન સહિત એકાદ કરોડનો મુદ્દામાલ કબ્જે લીધો છે. દારૂની પાર્ટી માટે વ્હીસ્કી સપ્લાય કરનારા ઘાટલોડીયાના દેવેન્દ્ર વાળંદની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
અમદાવાદ એલસીબીને બાતમી મળી હતી કે, બાવળા-આદરોડા રોડ પર આવેલા કિંગ્સ વીલામાં મહેફિલ યોજાઈ છે. જેના આધારે એલસીબીએ બાવળા પોલીસને સાથે રાખી કિંગ્સ વીલાના 100 નંબરના બંગલા પર રેડ કરી હતી. પોલીસે રેડ પાડતા બંગલાના પાછળના ભાગે મહેફિલ માણી રહેલા નબીરાઓમાં ભાગદોડ મચી ગઈ હતી. પોલીસે અમદાવાદના થલતેજમાં રહેતા ભાવિત પારેખ સહિત અમદાવાદ-રાજકોટના 10 નબીરાઓને પકડી પાડ્યા હતા. સ્થળ પરથી મળેલી સ્કોચ વ્હીસ્કીની બોટલો, મોબાઈલ ફોન અને 6 કાર સહિત એકાદ કરોડ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો હતો.
મહેફિલનું આયોજન કરનારા ભાવિત પારેખની પૂછપરછ કરતા તેણે કિંગ્સ વીલાનો બંગલો એક દિવસના 20 હજાર રૂપિયાના ભાડે રાખ્યો હોવાની વાત કરી હતી. જન્મદિવસની પાર્ટી આપવા માટે થઈને બંગલો ભાડે રાખ્યો હતો. ભાવિતે ઘાટલોડીયા રામદેવ મંદિર મહાશક્તિનગરમાં રહેતા દેવેન્દ્ર વાળંદ પાસે દારૂ મંગાવ્યો હોવાની કબૂલાત કરી હતી. બાવળા પોલીસે આ મામલે ભાવિત પારેખ સહિત 11 લોકો સામે ગુનો નોંધી 10 નબીરાઓની વિધિવત ધરપકડ કરી હતી. જ્યારે દારૂ મોકલનાર ફરાર દેવેન્દ્ર વાળંદની શોધખોળ આરંભી છે.
પકડાયેલા આરોપીઓ
ભાવિત ભરતભાઈ પારેખ ઉ.26 કોપર સ્ટોન, થલતેજ
માધવ ભરતભાઈ તેરૈયા ઉ.29 ગોયલ પાર્ક, લાડ સોસાયટી રોડ
જય રમણીકભાઈ પટેલ ઉ.25 અમૃત પાર્ક, રાજકોટ
હાર્દિક હરેશભાઈ જૈન ઉ.29 ગોંડલ રોડ, રાજકોટ
સવરીન શૈલેષભાઈ પટેલ ઉ.26 ગીરનાર સિનેમા સામે, રાજકોટ
દિપ મહેશભાઈ પટેલ ઉ.25 ચિત્રકુટ એપાર્ટમેન્ટ, રાજકોટ
કુશલ સુરેશભાઈ ઠક્કર ઉ.29 ગ્રીનમેકો બંગલોઝ, સાયન્સ સિટી રોડ
ધવલ ભરતકુમાર ગાંધી ઉ.32 સ્વસ્તિક સોસાયટી, નવરંગપુરા
માલવ ઉદયન નાણાવટી ઉ.31 ફલોરીસ(સ્કાય સિટી), શેલા ગામ
ધવલ જયેશભાઈ ઠક્કર ઉ.32 સૂર્યમ બંગલોઝ, વસ્ત્રાપુર
ભાવિત અગાઉ જુગાર કેસમાં ઝડપાઈ ચૂક્યો છે
મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે ફોટા ખેંચાવનાર ભાવિત પારેખ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ભાજપ કાર્યકરનો રૂઆબ છાંટતો ભાવિત અગાઉ ગાંધીનગરમાં જુગારધામ ચલાવતા ઝડપાઈ ચૂક્યો છે. આ ઉપરાંત પણ તેની સામે અન્ય એક પ્રોહીબીશનનો કેસ નોંધાયેલો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
કિંગ્સ વીલા મહેફિલ માટે પસંદગીનું સ્થળ
કિંગ્સ વીલાનું રોજનું ભાડું હજારો રૂપિયામાં છે અને વીકએન્ડમાં મોટાભાગના બંગલાઓમાં પાર્ટીઓ યોજાતી હોય છે. સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર કિંગ્સ વીલામાં શનિ-રવિની રાતે મહેફિલો યોજાતી રહે છે. શરાબ-શબાબની મહેફિલ માણવા માટે કિંગ્સ વીલા સુરક્ષિત હોવાથી અમદાવાદ શહેરમાંથી લોકો આવે છે. બાવળા પોલીસને આ બાબતની જાણ ન હોય તે જરા સરખું પણ માનવામાં આવે તેમ નથી.