અમદાવાદ, તા.11
ગીરનું જંગલ 15 જૂનથી 15 ઓક્ટોબર દરમિયાન કોઈ પણ માટે પ્રવેશ કરવા પર પ્રતિબંધ છે. છતાં ભાજપના પ્રદેશ પ્રમુખ ગીરના જંગલમાં ગેરકાયદે ઘૂસીને ફરી આવ્યા અને સિંહને જોવાની મોજ કરી આવ્યા હોવાથી ભારે વિવાદ ઊભો થયો છે. વાઈલ્ડ લાઈફ નિષ્ણાત મનિષ વૈદ્યએ કહ્યું કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા ઘડાયેલા વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ આ પ્રકારે અનધિકૃત રીતે પ્રવેશ કરનારાને છ વર્ષની જેલની સજા અથવા રૂ. 1 લાખ સુધીનો દંડ અથવા તો બન્ને સજા કરવાની જોગવાઈ છે.
પ્રદેશ ભાજપના પ્રમુખ જંગલમાં ગયા તેને અનધિકૃત પ્રવેશ ગણવામાં આવે. જંગલ વિભાગે તેમની સામે કેસ કરવો જોઈએ એવી માગણી પણ કરી હતી. સ્થાનિક ફોરેસ્ટ અધિકારીઓ પાસે તેમને પ્રવેશ આપવાની સત્તા નથી. પરંતુ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટિવ ફોરેસ્ટ અધિકારીને અથવા તો કેન્દ્રીય વાઈલ્ડ લાઈફના ડીઆઈજીને જ તેમને પ્રવેશ આપવા માટેની સત્તા હોય છે. બીજી બાજુ જંગલના રાજા એવા છ સિંહો જૂનાગઢના ભવનાથની તળેટી પાસે આવેલા ભારતી આશ્રમ નજીક જોવા મળ્યા હતા.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં નવા નિયમો લાગુ કરવાની જાહેરાત કરવા બોલાવેલી પત્રકાર પરિષદમાં પત્રકારોએ વાઘાણીના જંગલમાં ગેરકાયદે પ્રવેશ અંગે સવાલ પૂછતાં તેઓ ભડકી ગયા હતા. પત્રકારોને આ પ્રકારના નામજોગ સવાલો નહિ કરવા તાકીદ પણ કરી હતી.
જિતુ વાઘાણીએ જંગલ કાયદાનો ભંગ કર્યો
સામાન્ય નાગરિક પ્રવેશ કરે તો તેની સામે જંગલ વિભાગ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી તેમના પક્ષના કેટલાંક નેતાઓ સાથે જંગલમાં ગયા તો તેમની સામે હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
ફેસબૂકમાં ગીરના જંગલની મૂકી પોસ્ટ
દુનિયાના મોટા પક્ષ ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ પોતાના ફેસબૂકમાં એક પોસ્ટ નવમી ઓગસ્ટે મૂકી હતી. તેમની સાથે ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી મહેન્દ્ર પીઠિયા, પ્રદેશ કારોબારી સભ્ય શૈલેન્દ્રસિંહ રાઠોડ, તાલાલા તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણ વાદી પણ હતા. ગીરના જંગલોમાં સિંહ દર્શન માટે જીપ્સીનો ઉપયોગ કરવામાં આવે છે. આ જીપ્સી પણ તેમણે ચલાવી હોવાની તસવીર તેમની ફેસબૂક પોસ્ટમાં છે. તે સમયે તેમણે સીટ બેલ્ટ નહોતો પહેર્યો. આ તસવીરને કારણે પણ ભારે વિવાદ ઊભો થયો છે. આ ઉપરાંત જંગલ કાયદા પ્રમાણે ગાડીમાંથી નીચે ઉતરવાની પરવાનગી ન હોવા છતાં તેમની જે બહારથી તસ્વીરો લેવાઈ છે તે કોણે લીધી એ પણ એક સવાલ છે.
કોંગ્રેસે વાઘાણી ઉપર સાધ્યું નિશાન
એ કહ્યું હતું કે, સરકારનું મૌન છે. ભાજપ જીતુ વાઘાણીના સમર્થનમાં છે. જીતુ વાઘાણી ભાજપના નેતા છે, તેમને છૂટો દોર આપી દીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વાઘાણી સામે કાયદાકીય કાર્યવાહી કરવા માગ કરી હતી.