ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યામાં છબીલ પટેલ અને મનિષા ગોસ્વામીની સંડોવણી ખુલ્યા બાદ SITની તપાસમાં નવા રહસ્યો બહાર આવી રહ્યા છે. સીટના સૂત્રોના જણાવ્યા મુજબ, ભાનુશાળીની હત્યા થઇ તે સમયે ભુજથી દાદર જઇ રહેલી સયાજીનગરી ટ્રેનમાં બે શાર્પશૂટર સાથે કુલ નવ શખ્સની ટોળી સવાર હતી.
સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ સયાજીનગરી ટ્રેનમાં 7 જાન્યુઆરીની મોડીરાત્રે ભાનુશાળીની હત્યા થઇ ત્યારે શાર્પશૂટર મનાતા બે લોકો સહિત કુલ નવ શખ્સની ટોળકી સવાર હતી. જેમણે અત્યંત પદ્ધતિસર રીતે અને એકમેકને `ઇન્ડિકેટર’ આપવા સહિતની કાર્યવાહી અંતિમ ઘડીઓ સુધી પાર પાડી હતી. આ નવ લોકો પૈકી પાંચ કે છ શખ્સો ભુજથી અને બાકીના ત્રણ ગાંધીધામથી સવાર થયા હતા. જો કે હત્યા સમયે ત્રણ લોકો જ ફર્સ્ટકલાસ એ.સી. ડબ્બા સુધી ગયા હતા અને બાકીના અલગ-અલગ ડબ્બામાંથી રિપોર્ટિંગ અને વ્યવસ્થામાં પ્રવૃત્ત હતા.
હત્યા બાદ પણ બીજા શખ્સો ટ્રેનમાં હતા
ત્રણ સિવાયના બાકીના શખ્સો સામાન્ય પ્રવાસીની જેમ ટ્રેનમાં હત્યા થયા બાદ પણ સવાર હતા અને સવારે વાપી ઊતર્યાં હતાં અને તેમના ગંતવ્યસ્થાને ગયા હતા.’ શાર્પશૂટર સહિતના ત્રણ લોકો ગાંધીધામથી ટ્રેનમાં રવાના થયા બાદ કેસમાં સામેલ લોકોએ તેમના મોબાઇલ ફોન અને સીમકાર્ડ સળગાવી તેનો નાશ કરવા સાથે નવા ફોન અને કાર્ડનો ઉપયોગ કર્યાનું, અલગ-અલગ ચાર ડબ્બાના બાથરૂમમાંથી એકસાથે ચેઇન પુલિંગ થયાનું અને શાર્પશૂટરો રાધનપુર થઇ ટ્રેન મારફતે ગયા હોવા સહિતની વિગતો પણ બહાર આવી રહી છે.
કાર અને બાઈક કબ્જે કર્યા
મુખ્ય ભૂમિકામાં રહેલી મહિલા અને સ્વિફટ કાર લઇને સાથે ગયેલો ઇસમ પરત આવ્યા બાદ મહિલા ધાવડામાં એક પટેલના બંધ પડેલા ઘરમાં રોકાઇ હોવાનું અને કારવાળો પોતાના ગામે પહોંચી ગયો હોવાનો પણ ખુલાસો થયો છે. આ કારમાં ક્ષતિ થતાં ભુજ નજીકના ગામે ગેરેજમાં રખાઇ હતી. તે કબ્જે લઇ ત્યાં જ રખાઇ છે, જ્યારે બનાવમાં જેનો ઉપયોગ થયો છે તેવી મોટર સાઇકલ તપાસનીશો કબ્જે કરી પોતાની સાથે લઇ ગયા છે.
અંદરખાને ચાલતી ચર્ચા મુજબ, શાર્પશૂટર મનાતા બે પૈકીનો એક અન્ય એક વ્યક્તિ સાથે તા. 24 ડિસેમ્બરના રોજ ટ્રેન મારફતે અમદાવાદ આવ્યા હતા. જેને છબીલ પટેલ રોડ રસ્તે કારમાં લાવ્યા હતા. આ બનાવમાં વપરાયેલી બાઇક ઝડપાયેલો રાહુલ ભુજમાં જ્યુબિલિ ગ્રાઉન્ડ નજીકથી કોઇ પાસેથી લાવ્યો હતો. બે શાર્પશૂટર પૈકીનો એક વ્યક્તિ મોટા ભાગનો સમય હેલ્મેટ પહેરી રાખતો હતો, જેના કારણે તેનો ચહેરો ભાગ્યે જ જોવા મળતો હતો. આ શખ્સ બીડી અને સિગારેટ સતત પીધા કરતો હતો.
છબિલ પટેલે કરોડો રૂપિયાની હેરાફેરી કરી
કચ્છના અબડાછાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યામાં સંડોવાયેલા ભાજપના નેતા છબિલ પટેલ પર મોટો ખુલાસો થયો છે, હાલમાં તેઓ વિદેશમાં છે અને પોલીસ તેમને ગુજરાત લાવવા પ્રયાસ કરી રહી છે, જો કે આ બધાની વચ્ચે તેમની શેલ કંપનીઓને લઇને ઘટસ્ફોટ થયો છે, તેઓ બ્લેકના રૂપિયા વાઇટ કરવાનું કામ કરતા હોવાનું સામે આવ્યું છે, નોટબંધી પહેલા તેમને 8 કંપનીઓ બનાવી હતી અને નોટબંધી વખતે પણ તેમને કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન કર્યા હોવાની શક્યતા છે, મહાલક્ષ્મી સોલ્ટ, જામનગર પોર્ટ, સુરખાબ રિસોર્ટ, ડુમ્મસ સાગર એન્ડ પોર્ટ અને નારાયણ સરોવર પ્રા.લિ નામની શેલ કંપનીઓ ઉભી કરવામાં આવી હતી, 2015 અને 2016માં તેમને નવી કંપનીઓ ઉભી કરી દીધી પરંતુ તેમાં આપેલા સરનામે તપાસ કરી તો અહી કોઇ જ ઓફિસ મળી નથી, જેના પરથી આ કંપનીઓ ફ્રોડ હોવાનું નક્કિ છે, બીજી તરફ આ મામલે જીએસટી વિભાગ પણ કાર્યવાહી કરે તેવી શક્યતા છે.
નોંધનિય છે કે જયંતિ ભાનુશાળીની હત્યામાં સંડોવાયેલા છબિલ પટેલ અને મનિષા ગોસ્વામી હાલમાં ફરાર છે આ લોકોએ ટ્રેનમાં ભાનુશાળીની હત્યા કરાવી હતી અને પોલીસ હાલમાં આ કેસની ઉંડી તપાસ કરી રહી છે, અને હવે છબિલ પટેલની આ શેલ કંપનીઓની પણ તપાસ થશે.