અમદાવાદ: તા.૨૫
અમદાવાદના ઇસનપુરના ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસ દ્વારા લાંચ લેવાનો વિડીયો બહાર આવ્યો તેની શાહી સુકાઈ નથી ત્યાં જ આરટીઓ કચેરીમાં ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્રની ઘટના સામે આવી છે. જેમાં શહેરના સુભાષબ્રિજ સ્થિત અમદાવાદ આરટીઓ કચેરીમાં વાહનમાં રેડિયમ પટ્ટા લગાવવાના મામલે ભાજપના પૂર્વ ધારાસભ્ય અમરીશ પટેલના પુત્ર પ્રિયાંક દ્વારા આરટીઓ કચેરીમાં પક્ષની ધોસ જમાવી હતી. તેણે કહ્યું હતું કે, ભાજપ સત્તાધારી પાર્ટી છે અને અમારી સરકાર છે. આરટીઓમાં કામ નહીં કરવા દઉં કહી અને કર્મચારી સાથે મારામારી કરી હતી. આ ઘટના અંગે પ્રિયાંક અમરીશ પટેલ સામે રાણીપ પોલીસમાં મારામારી અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે.
આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના સરસપુરમાં રહેતા અને ૩૦ વર્ષથી આરટીઓ કચેરીમાં વાહનોમાં રેડિયમ પટ્ટા લગાવવાનું કામ કરતા જગદીશભાઈ પરમારને ત્યાં બે દિવસ પહેલા એક ગાડી રિપાસિંગમાં આવી હોવાથી તેની ઉપર રેડિયમ પટ્ટા પણ લગાવવાના હતા. જો કે ગાડીમાં બમ્પરનું કામ હોવાથી ચાલકે શનિવારે બપોરે આવીશ તેમ કહ્યું હતું.
વાહનચાલક શનિવારે બપોરે આવતા જગદીશભાઈએ કારીગરને ગાડીમાં રેડિયમ પટ્ટા લગાવવા કહ્યું હતું. જેથી કારીગર ગાડી પાસે ગયો ત્યારે પ્રિયાંક અમરીશ પટેલ ગાડીમાં પટ્ટા લગાવતો હતો. જેથી જગદીશભાઈએ પ્રિયાંકને કહ્યું હતું કે, બેટા આ ગાડીમાં પટ્ટા બાબતે મારે ભાવ નક્કી થઈ ગયો છે. ત્યારે પ્રિયાંકે ગુસ્સે થઈને કહ્યું હતું, હલકટ મને એજન્ટે ફોન કર્યો છે અને લગાવું છું. તેમ કહી જગદીશભાઈને જાતિ વિષયક શબ્દો બોલીને મારામારી શરૂ કરી હતી.
પ્રિયાંકે કહ્યું હતું કે, મારા પિતા એક્સ એમએલએ છે. હું તમને કામ નહીં કરવા દઉં. આવી તેણે ૨૦ દિવસ પહેલા પણ ધમકી આપી હતી. તેણે કહ્યું હતું કે, હાલમાં અમારી સત્તાધારી ભાજપની સરકાર છે. તમને આરટીઓમાં કામ નહીં કરવા દઉં તેમ કહી ધમકી આપી જતો રહ્યો હતો.
પ્રિયાંકે કરેલી મારામારીના કારણે ઇજા પહોંચતા જગદીશભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે જગદીશભાઈએ રાણીપ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધીને એસીપી ડી.એસ. પટેલે તપાસ હાથ ધરી છે.