ભાજપના વિરોધના કારણે દલેર મહેંદીનો ગુજરાત કાર્યક્રમ રદ

સાબરકાંઠાના વડામથક હિંમતનગર ખાતે અગામી 30 માર્ચ 2019ના રોજ ભારતીય પોપ સિંગર દલેર મહેંદીનો શો લોકસભાની ચૂંટણીની આચારસંહિતા હોવાથી શો રદ કરવો પડ્યો છે. રાત્રે 10 કલાક સુધીમાં શો બંધ કરી દેવો પડે તેમ હોવાથી હવે ચૂંટણી પૂરી થાય પછી જ લાઈવ શો કરવાનું નક્કી કરાયું છે. કેટલાક દિવસથી ઉભા થયેલા વિવાદનો અંત આવ્યો છે. ચૂંટણી પહેલા કાર્યક્રમ નક્કી થઈ ગયો હોવા છતાં ભાજપે આ લાઈવ શોનો વિરોધ કર્યો હતો. પ્રજાના મનોરંજન માટે કાર્યક્રમ થવાનો હતો.

અગામી 30ના રોજ હિંમતનગરના પોલીસ ગ્રાઉન્ડ ખાતે સાબરકાંઠા સુરક્ષા શેતુ અને ખાનગી આયોજકો દ્વારા દલેર મહેંદીનો શો યોજાવાનો હતો, પરંતુ કલાકાર દલેર મહેંદી કોંગ્રસના સભ્ય હોવાના આક્ષેપ સાથે ભાજપે આ પ્રોગામ પોલીસ ગ્રાઉન્ડની સરકારી જગ્યામાં ન યોજાય તે માટે ચૂંટણી પંચ સમક્ષ ફરીયાદ કરી હતી, જેના કારણે સાબરકાંઠા સુરક્ષા સેતુ શોમાંથી ખસી ગયું હતું અને પોલીસ દ્વારા તેમના પોલીસ ગ્રાઉન્ડનું ભાડું લેવાનું નક્કી કરવામાં આવ્યુ હતું.

તો બીજી તરફ આચારસંહિતા લાગુ હોવાના કારણે શો સાંજે 7થી શરૃ કરીને રાત્રે 10 સુધી જ યોજી શકાય તેવી શરત સામે આવતાં આયોજકોને આટલા મોટા કલાકારનો શો 10 પહેલાં પુરો થવાની શક્યતા ન લાગતાં તેમજ હજારો દર્શકોએ ખરીદેલી ટિકીટના પૈસાનું પુરુ વળતર ન મળે તેવી સંભાવના લાગતાં આખરે શોને પોસ્ટબોન્ડ કરી દેવાયો છે, અને આચારસંહિતાનો સમય પત્યા બાદ નવી તારીખ સાથે પોલીસ ગ્રાઉન્ડમાં શોનું આયોજન કરવામાં આવશે તેમ શોના આયોજક સૌરભ બારોટે જણાવ્યુ હતું.