ભાજપના 25 વર્ષના શાસનમાં પાણીમાં ભ્રષ્ટાચાર કર્યો છે – NCP

ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું એક ધારું શાસન હોવા છતાં પાણીનાં અણઘડ આયોજનથી  રાજ્યની 70 % વસ્તી આજે તરસે મરી રહી છે. રાજ્યમાં શહેરો હોય કે ગ્રામ્ય વિસ્તાર પીવાના પાણીના ગંભીર સંકટમાં ઘેરાયા છે, નર્મદાનું પાણી બંધ કરી દેવામાં આવતા ખેતરોમાં ઉભેલા ઉનાળુ પાક સિંચાઈના અભાવે સુકાઈ ગયા છે અને જો ખેડૂત પાણી માંગે કે લે તો સરકાર લાઠી ચાર્જ કરે છે.પશુઓ ઘાસચારા અને પાણીના અભાવે મૃત્યુના મુખમાં ધકેલાઇ રહ્યા છે.

NCPના રાષ્ટ્રીય સચિવ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે,  ગત 1 લી મે ના રોજ, ગુજરાત સ્થાપના દિને પત્રકારો સાથે થયેલી વાતચીતના આધારે રાજ્યમાં  પીવાના પાણીની ઊભી થયેલી સમસ્યાઓના મુદ્દે રજૂઆત મળી. જેથી અમે માનવતાના ધોરણે પાણીનો મુદ્દો લોકો સુધી જઇ ઉઠાવવાનો, પાણી માટે પોકાર કરવાનું નક્કી કર્યું.  અમે જળ સંકટ સપ્તાહના માધ્યમથી તારીખ-5 થી 12મી મે દરમ્યાન  “વોટર રેડ” કરી પાણીની વિકટ સમસ્યાઓનો સામનો કરતી ત્રસ્ત પ્રજાને અમારી વ્હારે કોઈ આવ્યું તેવો હાશકારો થાય અને બહેરી સરકારને કાને તેમની સમસ્યાને વાચા આપવા સમગ્ર રાજ્યના આવા વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ એક સર્વગ્રાહી અહેવાલ તૈયાર કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે, જેમાં NCPના કાર્યકર્તાઓએ  આવા ધોમધકતા તાપમાં રાજ્યના દૂરના અંતરીયાળ વિસ્તારોમાં અને અમદાવાદ શહેરની ભાગોળ જેવા વિસ્તારોમાં લોકોના હાલ જાણવા મોકલવામાં આવ્યા અને અમારા કાર્યકર્તાઓએ રૂબરૂ જઈને પાણીની સમસ્યા અને તેની પરિસ્થિતિનો અંદાજ મેળવ્યો છે.

આ સમગ્ર પ્રવાસ દરમ્યાન લોકો પાસેથી મળેલ માહીતી, સમસ્યાઓ  અને પ્રત્યક્ષ અનુભવથી પરીસ્થીતી ઘણી જ ગંભીર
લાગી છે. આજે ગુજરાતમાં 12 હજાર જેટલા ગામડાંઓ અને શહેરી વિસ્તારો પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત છે જેમાં ગુજરાતમાં 25 વર્ષથી શાસન કરતી ભાજપ સરકારે પાણીના નામે પોતાનું માર્કેટિંગ જ કર્યું છે નર્મદા નદીમાં અને સાબરમતી નદીમાં  ‘સી પ્લેન’ ઉતારવાનું આયોજન સાબરમતી નદીમાં મોંઘા ભાવનું નર્મદા નદીનું પાણી ઠાલવી હોડકાંઓ ચલાવવા, “સૌની” યોજનાના ઉદઘાટ્નમાં કરોડોનો ધુમાડો કરી સરકારની, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીની વાહવાહી અને પબ્લિસિટી કરાવી નામ માત્ર પાણી આપવું અને પછી પાણી બંધ કરી દેવું. સરકારની દાનત જનતાની પાણી આપવાની નથી પણ થોડીવાર માટે પાણી આપી પ્રજાના પૈસે સ્વ-પ્રસિદ્ધિ લેવાનો પ્રયત્ન છે. સરકારી અધિકારીઓએ પણ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી ને ખૂશ કરવા માટે પ્રજાના હકનું પાણી અને પ્રજાના પૈસાને વેડફયા
છે આ રાજય સરકારની ગુનાહિત બેદરકારી છે.

રાજ્યમાં જળ સંચયના નામે સરકારે મળતિયાઓને નાણાં કમાવી આપવા ખેત તલાવડી, તળાવો ઊંડા કરવા, બોરી બંધ બાંધવા, જેવી યોજનાઓ કરી જે સરકારી ભ્રસ્ટાચારનું સાધન બની ગઈ છે, બોરી બંધ ક્યાં છે ? કેવી હાલતમાં છે એ પણ સરકાર તપાસ કરતી નથી. ‘જળ એ જીવન’ છે, અને જીવનની પ્રાથમિક જરૂરિયાત જરૂરી હોવાથી  હવે બોટલિંગ વોટર અને ટેન્કરથી મળતા ‘વેચાતા’ પાણીથી અમુક જ્ગ્યાએ બૂમો નથી પડી રહી, પરંતુ એ માત્ર આર્થિક રીતે સંપન્ન લોકો જ ખરીદી શકે, રાજ્યમાં મધ્યમ વર્ગ અને ગરીબ લોકો પાણી માટે શું કરે? આ મુદ્દે સરકારની નિષ્ફળતા દેખાઈ રહી છે, સરકાર આંકડા અને અધિકારીઓના સહારે હકીકતો છુપાવી રહી છે અને પોતાની નિષ્ફળતા છુપાવી રહી છે.

પહેલા પાણીની અને દુકાળની સ્થિતિ માત્ર ઉત્તર ગુજરાત અને કચ્છ- સૌરાષ્ટ્ર માં  વિકટ રહેતી હતી પરંતુ આ વર્ષે અમદાવાદ જેવા શહેરી વિસ્તારો અને  દક્ષિણ ગુજરાતમાં પણ લોકો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. સરકારે “સૌની” યોજના અને નર્મદા યોજના પર માત્ર પોતાનું માર્કેટિંગ જ કર્યું છે, જો સરકારની દાનત સારી હોત તો રાજય આજે “નર્મદા” ડેમ જેવા વિશાળ સરદાર સરોવર ડેમનું માલિક હોવા છતાં પાણીની વિકટ સમસ્યાનો સામનો ન કરી રહ્યું હોત! નર્મદા ડેમની બંને બાજુમાં કેવડિયા ગામ છે ત્યાં પાણી હોવા છતાં પ્રજાજનો અને ઉકાઈ ડેમ હોવા છતાં ઉકાઈ નાં વિસ્તારમાં પ્રજાજનોને પીવાના પાણીની તકલીફ છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વરસાદી આવક સારી હોવાથી પાણીની સમસ્યાઓ સામે આવી ન હતી, પરંતુ ગત ચોમાસામાં વરસાદી પાણીની આવક-જમીની સંગ્રહ ઓછો થવાને કારણે રાજયભરમાં પાણીની સમસ્યાઓ સામે આવી છે. રાજ્યમાં માણસને પીવાનું પાણી, અબોલા પશુઓ- પક્ષીઓને પીવાનું પાણી, ખેતી માટે સિંચાઈના પાણી જેવી સમસ્યાઓ વિકરાળ સ્વરૂપ લઈને સામે આવી છે, જે માધ્યમોમાં  રોજ પ્રકાશિત થઈ રહ્યું છે. રાજ્યમાં પાણીની સ્થિતિનો ઊભો થયેલો પ્રશ્ન લોકો દૂષિત  પાણી પીવા મજબૂર બન્યા છે, ગટર અને પીવાના પાણીની પાઈપ લાઈન ભેગી થઇ ગઈ છે પ્રજા આવું ગંદુ પાણી પી રહી છે.

ગુજરાત જેવા વિકસિત અને સમૃદ્ધ રાજયમાં જ્યારે પાણીના કેનાલ પર પાણીને સાચવવા માટે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે, તો આજ વસ્તુ સરકારની પાણી માટેની નિષ્ફળતા, અણઘડ આયોજન અને માત્ર સ્વ-પ્રસિદ્ધિ મેળવવાની ઘેલછા ઉજાગર કરે છે, આ સરકારની સંવેદનશીલતાની વાતો પોકળ સાબિત થઈ રહી છે ક્યારે પશુઓ અને પક્ષીઓ પાણી વગર તરફડિયા ખાઈને મોતને ઘાટ ઉતરતાં હોય, લોકોને પાણી માટે બેડા યુદ્ધ કરવું પડતું હોય. ટેન્કર મારફત કોઈ હોજમાં ભરવામાં આવતું પાણી ઢોર અને માણસ પણ પીતા હોય આ સરકાર માટે શરમજનક કહેવાય.

રાજય  સરકારે નર્મદા-સરસ્વતીનું મિલનની બનાવટ કરી સિદ્ધપુરની સરસ્વતી નદીમાં પાણી નાંખવાનો સ્ટંટ કરી જાહેરાત કરી પરંતુ ક્યાં છે એ?,  કેટલા લોકોને પાણી મળ્યું ? વગરે વગરે જેવા  મુદ્દે સરકાર ચૂપ છે અને સરકાર જનતાને મૂર્ખ બનાવી રહી છે. નર્મદા કેનાલનો મુદ્દો વારંવાર માધ્યમોમાં આવે છે કે અહિયાં કેનાલ તૂટી, ત્યાં તૂટી, આનો મતલબ સરકાર જે કામ કરે છે એમાંય ગુણવત્તા, યોજનનો અને સમારકામનો અભાવ જેથી 25-25 વર્ષના રાજયની ભાજપ સરકારનું એક હથ્થું શાસન હોવા છતાં ટેન્કરના સહારે પાણી આપવું પડે છે.

સરકારની પાણી સંદર્ભે અને નર્મદાના પાણીના આયોજનની નિષ્ફળતાના કારણે મહિલાઓ  દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે, આદિવાસી મહિલાઓને અમુક જ્ગ્યાએ કૂવામાં ઉતરીને પાણી કાઢવું પડે, છેવાડાના વિસ્તારોમાં ત્રણ દિવસે- 7 દિવસે પાણી મળે, શું આ 25 વર્ષનો વિકાસ છે?, ભાજપનું વાયબ્રન્ટ ગુજરાત આ છે કે પછી માત્ર લોકોને પ્રસિદ્ધિના ચક્કરમાં  ભ્રમિત કરવાનું?

NCPના કાર્યકરો રાજયના ઘણાં જિલ્લામાં ગયા, જેટલી રજૂઆતો મળી એમાં અસરગ્રસ્ત વિસ્તારના માત્ર 5 % સ્થળોએ જ જઇ શક્યા કારણ કે રાજ્યમાં ખૂણે ખૂણે અને શહેરી વિસ્તારોમાં પણ પાણીની સમસ્યાઓ અમારી સામે આવી હતી અને લોકો મુલાકાત લેવા આગ્રહ કરતાં હતા. અમારી “વોટર રેડ”ના હિસાબે ઘણી જ્ગ્યાએ તંત્ર હરકતમાં આવ્યું, જે આવકાર દાયક છે પરંતુ રાજયમાં હજી અત્યંત વિકટ સ્થિતિ છે જેમાં આપ મહામહીમશ્રીના માધ્યમથી રાજય સરકાર  હરકતમાં આવે તેની તાકીદે જરૂર છે.

આ સંદર્ભે અમોએ તૈયાર કરેલ અહેવાલ સામેલ છે. આ સમગ્ર સ્થળે સત્વરે પીવાના પાણીની વ્યવસ્થાનું સુચારૂ આયોજન કરાય અને આગામી સમયમાં આગોતરા આયોજન થકી જળ સંચયની કામગીરીને વૈજ્ઞાનીક ઢબે કરી ભ્રસ્ટાચાર મુક્ત વ્યવસ્થા તંત્ર ગોઠવાય તે જોવા આપશ્રી મારફત સરકારને તાકીદ થાય તેવી વિનંતી છે.

આ માટે સરકારે દરેક તાલુકા , કક્ષાએ એક ‘પાણી તકેદારી સમિતિ’ બનાવવી જોઈએ તેમાં પ્રતિષ્ઠિત નાગરિકો, રાજકીય આગેવાનો, પાણીના મુદ્દે  કાર્યરત NGOના લોકોને શામેલ કરી TDO કે મામલતદારની અધ્યક્ષતામાં પાણીની સમસ્યા મુદ્દે થતી કારવાહી આયોજન અને અમલીકરણ ગોઠવાય તે જરૂરી લાગે છે. આપના મારફત સરકારને તાકીદ થાય તેવી વિનંતી છે. જેથી પ્રજાજનો અને પશુઓને પાણીની સુવિધા પુરી પાડવા તંત્ર યુદ્ધના ધોરણે કાર્યરત થાય.