ભાજપે કાર્યક્રમોની એસટી બસોના ભાડાના 5.21 કરોડ ચૂકવ્યા નથી

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો માટે એસટી નિગમની બસોને ભાડે લેવામાં આવે છે. આવી ભાડે લીધેલી એસટી બસોના ભાડા પેટે છેલ્લા બે વર્ષમાં સરકાર દ્વારા 5,21,62,575 રૂપિયા ચૂકવવાના બાકી નીકળે છે તેવી માહિતી રાજ્યના વાહન વ્યવહાર મંત્રી દ્વારા લેખિતમાં આપવામાં આવી છે.
વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડા દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો. જેમાં તેમણે પૂછ્યું હતું કે, તા. 31-05-2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્ય સરકારે સરકારી કાર્યક્રમો માટે ભાડે લીધેલી એસટી નિગમની બસોના ભાડાપેટે કેટલી રકમ વર્ષવાર ચૂકવવાની થાય છે. આ રકમ પૈકી એસટી નિગમની કેટલી રકમ ક્યારે ચૂકવવામાં આવી અને કેટલી રકમ બાકી છે.
જેના જવાબમાં રાજ્યના વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ લેખિતમાં જવાબ આપતા જણાવ્યુ હતું કે, છેલ્લા બે વર્ષ દરમિયાન તા. 01-06-2017થી તા. 31-05-2018ના સમય દરમિયાન રૂપિયા 44,18,28,011 અને તા. 01-06-2018 થી તા. 31-05-2019 દરમિયાન રૂપિયા 22,21,62,022 મળીને કુલ રૂપિયા 66,39,90,033ની રકમ ચૂકવવાની થતી હતી.
આ રકમ પૈકી તા. 01-06-2017 થી તા. 31-05-2018 દરમિયાન રૂપિયા 39,86,43,860ની રકમ ચૂકવવામાં આવી હતી, જ્યારે રૂપિયા 4,31,84,151ની ચુકવણી બાકી હતી. જ્યારે તા. 01-06-2018 થી તા. 31-05-2019 દરમિયાન રૂપિયા 21,31,83,598 ની ચુકવણી કરાઈ હતી, જ્યારે રૂપિયા 89,78,424 ની રકમ ચૂકવવાની બાકી છે. આમ કુલ મળીને રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન એસટી નિગમને રૂપિયા 66,39,90,033ની રકમની ચૂકવણી કરવાની થતી હતી. જે અંગે સરકારે આ બે વર્ષ દરમિયાન કુલ રૂપિયા 61,18,27,458 ની ચૂકવણી કરાઈ હતી જ્યારે રૂપિયા 5,21,62,575 ની રકમ ચૂકવવાની બાકી છે.