કે-ન્યૂઝ, ગાંધીનગર
તા:24
ગુજરાતમાં 2020માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવે તે પહેલાં ભાજપે રાજકીય વ્યૂહ અપનાવી રાજ્યના આઠ મોટા શહેરો કે જ્યાં મહાનગરપાલિકાઓ આવેલી છે તેની હદ વધારવાની વિચારણા કરી છે. સંભવત આ વર્ષના અંત સુધીમાં ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવે.
2020ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવાનું લક્ષ્ય
રાજ્યના શહેરી વિકાસ વિભાગે તમામ આઠ મહાનગરપાલિકાને પત્ર લખ્યો છે જેમાં કહ્યું છે કે 15 દિવસમાં નગરપાલિકા અને ગ્રામપંચાયતોના વિલયનો એક પ્રસ્તાવ મોકલવાનો રહેશે. રાજ્ય સરકારનું લક્ષ્ય 2020ની સ્થાનિક ચૂંટણી જીતવાનું છે. સ્થાનિક સંસ્થાઓને કહેવામાં આવ્યું છે કે આ કાર્યવાહી ઝડપથી પૂર્ણ થવી જોઇએ, કેમ કે 2020માં આવનારી સ્થાનિક ચૂંટણીમાં તેનો સમાવેશ કરી શકાય.
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ઔપચારિક પરિપત્ર
શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે તમામ નગરપાલિકા, ગ્રામ પંચાયત અને મહાનગરોને ઔપચારિક પરિપત્ર મોકલવામાં આવ્યો છે. સ્થાનિક સંસ્થાઓને પૂછવામાં આવ્યું છે કે મહાનગરમાં કેટલી ગ્રામપંચાયતો કે નગરપાલિકાઓને ભેળવી શકાય છે તેની યાદી ઝડપથી તૈયાર કરવાની રહેશે. વસતીના આધારે રાજ્ય સરકાર આ મુદ્દે તેનો અંતિમ નિર્ણય લેશે. ગામડાં અને કસ્બા તેમજ શહેરના બહારના વિસ્તારોના વિલયની તમામ દરખાસ્તો ફેબ્રુઆરી 2020 પહેલાં મંજૂર કરવામાં આવશે.
મહાનગરોમાં નવા ક્ષેત્રો સાથે ચૂંટણીનો લક્ષ્યાંક
અમદાવાદમાં કેટલીક નગરપાલિકા એવી છે કે જેની વસતી ગણતરી શહેરમાં અથવા તો શહેરી વિકાસ સત્તામંડળમાં થાય છે. ઔડામાં આવતી કેટલીક સ્થાનિક સંસ્થાઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જોડવામાં આવશે. અમદાવાદમાં છેલ્લે 2007માં 30 જેટલા નવા વિસ્તારોને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જોડવામાં આવ્યા હતા. હવે બીજા વિસ્તારોને પણ જોડવામાં આવશે. એવીજ રીતે ગાંધીનગરના બહારના વિસ્તારો જેવાં કે પેથાપુર, કુડાસણ, રાયસણ, સરગાસણ જેવા વિસ્તારોને મ્યુનિસિપલ કોર્પોરેશનના દાયરામાં લાવવામાં આવશે. સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, જૂનાગઢ અને ભાવનગરમાં પણ બહારના વિસ્તારોને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જોડવાની દરખાસ્ત તૈયાર કરવાની સૂચના આપી દેવામાં આવી છે.
રાજ્યમાં જૂનાગઢને બાદ કરતાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ આવતા વર્ષે યોજાનારી છે. રાજ્ય સરકારનો લક્ષ્યાંક આ વર્ષના અંતે તમામ શહેરોની સરહદોને સંશોધિત કરવાનો છે કે જેથી મહાનગરોમાં નવા ક્ષેત્રો સાથે 2020માં ચૂંટણી થઇ શકે. આ સાથે મહાનગરોની ચૂંટણીમાં વોર્ડની સંખ્યા પણ વધી શકે છે.
વહીવટી કામગીરી સાથે રાજનૈતિક પ્રભાવ
આ અભ્યાસથી મહાનગરો અને શહેરી વિકાસ સત્તામંડળો જેવાં કે ગુડા, સુડા, ભાડા, વુડા, ઔડા જેવા વિસ્તારોની સરહદોમાં મોટાપાયે ફેરફારો થવાની સંભાવના છે. શહેરી વિકાસ વિભાગના સૂત્રોએ કહ્યું છે કે વહીવટી કામગીરી સાથે રાજનૈતિક પ્રભાવ પણ ઉભો થશે. આ અભ્યાસ ત્રણ દિવસમાં પૂર્ણ કરીને તેનો રિપોર્ટ સરકારમાં રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નવા પ્રસ્તાવોને મંજૂરી આપ્યા પછી ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવાનો સરકારનો ઇરાદો છે.