જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીઓ 21મી જુલાઈએ યોજાવાની છે ત્યારે આજે ઉમેદવારી પત્રો ચકાસણીનાં દિવસે ભાજપનાં એક અને એનસીપીનાં એક ઉમેદવારનાં ઉમેદવારી પત્રો બેથી વધારે સંતાન હોવાનાં કારણે ચૂંટણી અધિકારીએ રદ્દ કરતાં રાજકીય પક્ષોમાં ભારે દોડધામ મચી ગઈ છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવ્યા બાદ તેની સ્ક્રૂટિની કરવામાં આવે છે. આ સ્ક્રૂટિની દરમિયાન ચૂંટણી અધિકારીએ બે ઉમેદવારોની એફિડેવિટ અને તેમનાં ઉમેદવારી પત્રો ચકાસતાં માલૂમ પડ્યું કે, આ બન્ને ઉમેદવારોને બેથી વધારે સંતાન છે. અને આ કારણોસર આ બન્ને ઉમેદવારોનાં ફોર્મ રદ્દ કરવામાં આવ્યાં હતાં.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાયદો શું કહે છે?
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે રાજ્ય સરકારે એક કાયદો ઘડ્યો છે. જે પ્રમાણે કોઈ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે ઉમેદવારની યોગ્યતા નક્કી કરવામાં આવી છે. આ કાયદા પ્રમાણે ઉમેદવારને બેથી વધારે સંતાન ન હોવા જોઈએ. આ નિયમ પ્રમાણે જો ઉમેદવારને બેથી વધારે સંતાન હોય અને તે ઉમેદવારી કરે તો તેનું ઉમેદવારી પત્ર રદ્દ કરવાની સત્તા ચૂંટણી અધિકારીને આપવામાં આવી છે.
ભાજપ અને એનસીપીનાં ઉમેદવારોની ઉમેદવારી રદ્દ
આ નિયમ પ્રમાણે ચૂંટણી અધિકારીએ જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નંબર 3નાં ભાજપનાં ઉમેદવાર સમા હારુનભાઈ આમદભાઈ અને એનસીપીનાં વોર્ડ નંબર 1નાં ઉમેદવાર ચાવડા અરવિંદભાઈ ઘેલાભાઈનું ઉમેદવારી પત્ર બેથી વધારે સંતાન હોવાનાં કારણોસર રદ્દ કરવામાં આવ્યું છે. આ બન્ને ઉમેદવારોનાં ફોર્મ રદ્દ થતાં બન્ને પક્ષોમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ બન્ને ઉમેદવારોનાં ફોર્મ રદ્દ થવાનાં કારણે હવે આ બન્ને પક્ષોએ તેમને આપેલો મેન્ડેટ તેમનાં ડમી તરીકે ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારને આપવામાં આવશે.