સુરેન્દ્રનગર,તા.02
સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ ફરી જામ્યો છે. મહા વાવાઝોડાની તીવ્ર અસર સૌરાષ્ટ્રભરમં જોવા મળી રહી છે. દિવાળીના તહેવારના દિવસથી હળવા ઝાપટાં પડ્યાં હતાં. પરંતુ હવે ભારે વાવાઝોડા અને ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. સવારથી જ સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, પોરબંદર અને ગીરસોમનાથ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસી રહ્યાં છે. સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લામાં વાતાવરણમા પલ્ટા સાથે જ સવારથી વરસાદ થયો શરૂ હતો.ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસવાનો પ્રારંભ થયો હતો. વરસાદને કારણે વાહનચાલકો અટવાઇ પડ્યાં હતા. અચાનક જ તૂટી પડેલા વરસાદે ચારેતરફ જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી હતી. આ વરસાદે
ખેડુતો ના જીવ તાળવે ચોંટાડી દીધાં હતાં. આ કમોસમી વરસાદથી અનેક પાકોને નુકસાન થયું હોવાને કારણે ધરતીપુત્રો પાયમાલ થાય તેવી સ્થિતિ સર્જાઇ ગઇ છે. સતત એક કલાક કરતાં વધુ સમયસુધી વરસાદ વરસ્યો હતો. કપાસ, તુવેરો જેવા પાક પર જોરદાર અસર વર્તાઇ રહી છે, ઉભા પાક વરસાદને કારણે નષ્ટ થઇ રહ્યાં છે. ધ્રાંગધ્રા,ચોટીલા. સાયલા. થાનગઢ. લીંબડી લખતર,સહીત આસપાસના ગામોમાં વરસાદે વરસવાનું ચાલુ કરતાં જ ખેડૂતોના માથે આફતના વાદળો આવી ચઢ્યાં છે. સુરેન્દ્રનગર વઢવાણ જોરાવરનગરમાં પણ વરસાદે પાણીપાણીની સ્થિતિ ઉભી કરી દીધી છે. હળવદ, વાકાનેર,ટંકારા અને માળિયા માં વરસાદી ઝાપટા પડ્યા હોવાના પણ અહેવાલ છે. બીજી તરફ કોરાધાકોર રહેતાં કચ્છ
અબડાસા તેમજ ભુજ,ગાંધીધામ તેમજ પાવરપટ્ટી વિસ્તાર માં વાતાવરણ માં પલટો આવ્યો હતો.અબડાસાના કોઠારા,વાંકુ અને પરજાવ માં કમોસમી વરસાદને કારણે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યાં હતાં. તો ભુજના પાવર પટ્ટી વિસ્તારમાં પણ વરસાદે જળબંબાકાર કરી દીધુ હતું. ભુજ તાલુકાના જુરા તેમજ આસપાસના વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાએ મહાલો બગાડ્યો હતો. વરસાદ પડતાં જ કચ્છના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉભા પાક ખરાબ થાય તેવી દહેશત વ્યક્ત કરવામા આવી રહી છે.